Western Times News

Gujarati News

ટીમ ઇન્ડિયા ભારત આવવા વિશેષ ચાર્ટર ફ્લાઈટમાં રવાના

(એજન્સી)નવી દિલ્હી, ૨૯ જૂને દક્ષિણ આફ્રિકાને હરાવીને ૧૭ વર્ષ પછી ટી૨૦ વર્લ્ડ કપ જીતનાર રોહિત શર્માના નેતૃત્વ હેઠળની ભારતીય ટીમ તોફાનના કારણે બાર્બાડોસમાં ફસાઈ ગઈ હતી. ટીમ ગુરુવારે (૪ જૂન) ચાર્ટર ફ્લાઇટ દ્વારા નવી દિલ્હી પહોંચશે. આ પછી ખેલાડીઓ અહીં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળશે.

એર ઈન્ડિયાની એઆઈસી૨૪ડબ્લુયસી નામની વિશેષ ચાર્ટર ફ્લાઈટ ભારતીય ટીમ, તેના સપોર્ટ સ્ટાફ, ખેલાડીઓના પરિવારો, ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડના કેટલાક અધિકારીઓ અને ભારતીય મીડિયાને પરત લાવવામાં આવી રહ્યા છે. ટીમ ઈન્ડિયા રવિવારે ભારત જવા રવાના થવાની હતી પરંતુ તોફાન બેરીલને કારણે તેમને ત્યાં જ રોકાવું પડ્યું. બાર્બાડોસમાં વાવાઝોડાના ભયથી સરકારને એરપોર્ટ બંધ કરવાની ફરજ પડી હતી

અને તમામ ફ્લાઇટ્‌સ રદ કરવામાં આવી હતી. આ પહેલા ખબર આવી હતી કે ટીમ ઈન્ડિયા બુધવારે સ્વદેશ પરત ફરશે. જો કે હવે આખરે ભારતીય ખેલાડીઓ ફ્લાઈટમાં બેસી ગયા છે અને તેમના દેશ પરત જવાનો પ્રવાસ શરૂ થઈ ગયો છે. ખેલાડીઓ ગુરુવારે સવારે દિલ્હી પહોંચે તેવી શક્યતા છે. ભારતીય ઓલરાઉન્ડર શિવમ દુબેએ પણ ફ્લાઈટની અંદરની એક તસવીર શેર કરી છે,

જેમાં તે ટ્રોફી સાથે જોવા મળી રહ્યો છે. તેના કેપ્શનમાં દુબેએ લખ્યું- હું કંઈક ખાસ લઈને દેશમાં પરત ફરી રહ્યો છું. ભારતીય ટીમે તેના ૧૧ વર્ષના આઈસીસી ટ્રોફીના દુકાળનો અંત લાવ્યો. ૧૭ વર્ષ બાદ ટી૨૦ વર્લ્ડ કપ પણ જીત્યો હતો. ભારતીય ટીમે શનિવારે ફાઇનલમાં સાઉથ આફ્રિકા સામે સાત રનથી રોમાંચક જીત મેળવીને ટાઇટલ જીત્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.