Western Times News

Gujarati News

નુકસાનીનો સોદોઃ મ્યુનિ. કોર્પોરેશન ‘સાહેબ’ની માનીતી કંપનીને મહિને રૂ.૧૮ કરોડ ચુકવશે

મનપા રૂ.૪૦ પ્રતિ કિલો લીટરના ભાવથી ટ્રીટેડ વોટર ખરીદ કરી રૂ.૩૦ના ભાવથી વેચાણ કરશે

(પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનમાં ‘જીસ કી લાઠી ઉસકી ભેંસ’ જેવો ઘાટ જોવા મળે છે. મ્યુનિ. કોર્પોરેશનમાં જે લોકોના હાથમાં સત્તા છે તેમના માનીતા કોન્ટ્રાકટરોને ઘી કેળા થઈ રહયા છે. થોડા સમય પહેલા એલએન્ડટી જેવી માતબર કંપનીને સાઈડ લાઈન કરી સુરતની એન્વાયરો કંપની (જોઈન્ટ વેન્ચર) ખીલજી ઈન્ફ્રા. ને ૩૭પ એમેઅલડી એસટીપી પ્લાન્ટનો કોન્ટ્રાકટ આપવામાં આવ્યો હતો

જેના માટે ઘણીબધી શરતોમાં બાંધછોડ કરવામાં આવ્યું હોવાની ચર્ચા તે સમયે થઈ હતી. હવે વધુ એક વખત આજ એન્વાયરો કંપનીને રૂ.૮૪૦ કરોડનો નવો કોન્ટ્રાકટ આપવામાં આવી રહયો છે. જેમાં ચોંકાવનારી બાબત એ છે કે સદર કંપનીને ૧પ વર્ષ સુધી કોર્પોરેશન દર મહિને રૂ.૧૮ કરોડ કરતા વધુ રકમની ચુકવણી કરશે તેમજ બહેરામપુરાના જે સીઈટીપીમાં કોર્પોરેશનના રૂ.૧૦૦ કરોડ હાલ પુરતા ફસાયા છે તે કંપનીને કોર્પોરેશન ટર્સરી ટી ટ્રેડ પાણી સપ્લાય કરશે.

અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનમાં ‘સાહેબની’ માનીતી કંપનીઓનો દબદબો વધી રહયો છે. રોડ અને ખારીકટ કેનાલમાં તેમની જ એક માનીતી કંપનીને રૂ.૧૦૦૦ કરોડ જેટલી માતબર રકમના કામ આપવામાં આવ્યા છે તેવી જ રીતે એન્વાયરો કંપનીને કામ આપવામાં આવી રહયા છે જેના માટે નીતિ નિયમોમાં બાંધછોડ થઈ રહી છે. મ્યુનિ. કોર્પોરેશન દ્વારા પીરાણા ખાતે ર૪૦ એમએલડી એસટીપી અને ૧૬૦ એમએલડી ટર્સરી ટ્રીટમેન્ટ પ્લાન્ટ તૈયાર કરવામાં આવશે.

જેના માટે એમ ટેન્ડર જાહેર કરવામાં આવ્યા હતાં જેની શરત મુજબ ૬૦ ટકા રકમ કોર્પોરેશન અને ૪૦ ટકા કોન્ટ્રાકટર ભોગવશે પરંતુ અહી ટ્રર્સરી ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં એક એવી શરત રાખવામાં આવી છે કે જેનાથી કોન્ટ્રાકટરને ૧પ વર્ષ સુધી રાજા મહારાજાની જેમ સાલીયાણા આપવામાં આવશે. મતલબ કે ૧૬૦ એમએલડી પ્લાન્ટમાં જે પાણી ટ્રીટ કરવામાં આવશે

તે પાણી કોર્પોરેશન રૂ.૪૦ પ્રતિ કિલો લીટરના ભાવથી ખરીદ કરશે અને તેની સામે ૩ ઈન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં રૂ.૩૦ પ્રતિ કિલો લીટરના ભાવથી વેચાણ કરશે. મતલબ કે અહીં દૈનિક રૂ.૧૦ પ્રતિ કિલોલીટર લેખે કોર્પોરેશને નુકશાન ભોગવશે. આ ઉપરાંત જો કોર્પોરેશન પાણી વેચાણમાં નિષ્ફળ જશે તો પણ ૧પ વર્ષ સુધી પાણીના ૯પ ટકા લેખે રકમ કોન્ટ્રાકટરને નિયમિત ચુકવવી પડશે. એક અંદાજ મુજબ કોર્પોરેશન દ્વારા કોન્ટ્રાકટરને દૈનિક રૂ.૬૦ લાખ ૮૦ હજાર ચુકવવાના રહેશે.

મ્યુનિ. કોર્પોરેશન દ્વારા હેન્ડ સ્ક્રીન પ્રિન્ટીંગ એસોસીએશન, કર્ણાવતી ટેક્ષટાઈલ એસોસીએશન તથા નારોલ ટેક્ષટાઈલ ઈન્ફ્રા.ને ટર્સરી ટ્રીટેડ વોટર સપ્લાય કરવામાં આવશે જેના હજી કાચા એમઓયુ જ થયા છે.

આ ત્રણ એસોસીએશનને કોર્પોરેશન દ્વારા રૂ.૩૦ પ્રતિ કિલો લીટરના ભાવથી ટર્સરી ટ્રીટેડ વોટર આપવામાં આવશે. અહીં નોંધનીય બાબત એ છે કે ત્રણ એસોસીએશન પૈકી હેન્ડ સ્ક્રીન પ્રિન્ટીંગ એસોસીએશન માટે કોર્પોરેશને ૩૦ એમએલડી સીઈટીપી તૈયાર કર્યો છે. પરંતુ તેના માટે સરકારી ગ્રાંટ કે જમીન કોર્પોરેશનને હજી મળ્યા નથી જે છ મહિનામાં ચુકવવાની બાંહેધરી આસ્પા તરફથી આપવામાં આવી હતી તેની મુદત પણ પૂર્ણ થઈ ગઈ છે.

આમ ટર્સરી ટ્રીટમેન્ટ પ્લાન્ટના સોદામાં કોર્પોરેશન ચારે તરફથી નુકસાન વેઠશે તે બાબત નિશ્ચિત છે પરંતુ ‘સાહેબ’ની કંપની હોવાથી આંખ આડા કાન થઈ રહયા હોવાની ચર્ચા ચાલી રહી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.