Western Times News

Gujarati News

સથવારો એજ સંજીવની: જીવનમાં એકલું રહેવું કોને ગમે?

કોઈને કોઈનો સંગાથ જીવનમાં નવી એનર્જી આપે છે.
સથવારો મળે તો મુરઝાયેલી જિંદગી પણ નવપલ્લવિત થાય અને સાચી સંજીવની સાબિત થાય.

પોતાની તમામ સારી અને નરસી વાતો મનગમતાં પાત્ર સાથે કરી ,ભીતરમાં જે હાશકારો થાય ,હદયમાંથી ભાર ઓછો થયો એવી અનુભૂતિ થાય ,અને શબ્દસ્થ ન કરી શકીયે એવી ખુશી થાય ….એને કહેવાય એ સંબંધમાં માધુર્યનું અસ્તિત્વ હજીયે અકબંધ છે .

આજ છે પારદર્શક પ્રેમની વ્યાખ્યા. પ્રેમ એટલે એક એવી અજાણી અને અનોખી ભાષા ,જે શબ્દોના વૈભવથી નથી શોભતી ,અર્થોના બોદા રણકારથી નથી ઝંકૃત થતી ….માત્ર અનુભૂતિ કરવાથી સમજાય છે . સાથીની આંખોમાં માધુર્ય રોપવાથી ભીતરમાં સંવેદનાઓ ઉતરે છે .એ નજીક ના હોય ત્યારે એક અજંપા ભર્યો સમય ખુબ કનડતો હોય છે .એની કમી કોઈ પુરી ના કરી શકે …..

એવું દિલ અને દિમાગ બન્ને દ્રઢપણે માનતું હોય છે . ‘તારા માટે શબ્દગતિ તરસે છે ,
સ્મરણવનમાં તારો ખ્યાલ સરકે છે’ સાથી વગરનું જીવન જીવવું કોને ગમે …! યંત્રની જેમ જીવવાનું કોને ગમે ….!

જીવનમાંથી એકવિધતાનું બોરડમ વ્યક્તિને નીરસ બનાવી દે છે . સંવેદનાઓ વ્યક્તિને યંત્રવત થતાં અટકાવે છે .ભાષાની ક્ષમતાની આપણને નથી ખબર હોતી .શબ્દોનું માધ્યમ વ્યક્તિ સાથે અનોખો સેતુ રચે છે .પ્રેમનું પહેલું પગથિયું કદાચ પ્રેમીના શબ્દો જ હશે.

કોઈના પ્રત્યે જયારે તમને લાગણી જન્મે છે ,ત્યારે અભિવ્યક્તિ ની જરૂરિયાત ઉભી થાય છે .એના માટે કોઈ ખાસ દિવસ કે ઉત્સવ તો એક બહાનું છે , મારા મતે પ્રેમ પ્રદર્શિત કરવાં માટે કોઈ દિવસ કે સમયની રાહ કેમ જોવાની ….!

‘તારી આંખોને વાંચી તને સમજુ ,
તારી આંગળીને ટેરવે તને સ્પર્શું , તું કહે ,
મારી બંધ મુઠ્ઠીને ક્યારે ખોલું , મારી ઈચ્છાને પાંપણે જયારે રોકું …!

મારા મતે એકબીજાને સમજવું અને એના જીવનને વધુ સરળ બનાવવું ….એટલે પ્રેમ .એનો હાથ પકડીને મનને લીલીછમ શાંતિ મળે એનું નામ પ્રેમ .ખુશીની પળ હોય કે દુઃખની …જેને આંખ શોધે એનું નામ પ્રેમ .

મોટાભાગે આપણે કોઈની પ્રશંસા ખુલ્લાં મનથી નથી કરી શકતા.આવી ખેલદિલી કેળવો તો મને લાગે છે કોઈના પ્રિયપાત્ર બનવું બહુ અઘરું નથી .જીવનના મહત્વના વળાંકમાં તમને સાથ આપનારાને સ્થાયી ભાવથી અપનાવવા ,એ પણ એક પ્રેમની અભિવ્યક્તિ જ છે .જીવનમાં જે માધુર્ય ફેલાવે માત્ર એજ નહીં ….

તમારી સાથે કે પાછળ ટેકો બનીને ઉભા રહેલાં લોકો …તમારાં જીવનમાં જે લોકો પેરાશૂટ બનીને આવ્યાં અને તમને કઠિન મુસીબતોમાંથી ઉગારી લીધાં તેઓ માટેનો પ્રેમ અને સંબંધ કોઈ ટેગ વગર જ શોભે છે .આવા અનામી સબંધો નામી સબંધો કરતાં વ્યક્તિના જીવનમાં અણકલ્પ્યો જુસ્સો આપતાં હોય છે . લાગણી અને ભાવનું સુંદર સ્વરૂપ કે સંયોજન એટલે પ્રેમ .

જેને મળીને બેટરી ચાર્જ થઇ ગઈ કે શક્તિનો વિસ્મયકારક અનુભવ આપણને થાય એને જ કહેવાય પ્રેમ . જયારે જયારે આપણે વધુ માનવીય બનીયે છીએ ….ત્યારે ચેતના અને સંવેદનાને ઠોસ સ્વરૂપે પ્રદર્શિત કરી શકીયે છીએ .મોટાભાગે વ્યક્તિ પ્રેમની ભૂખ સાથે જન્મે છે અને પ્રેમની ભૂખ સાથે આ દુનિયાને અલવિદા કહે છે .

રેતીમાં પગલાં પાડવા હોય તો પગ ઘસડવા ન જોઈએ … એવીજ રીતે કોઈના દિલમાં પગલાં પાડવા હોય તો સરળ રસ્તો પસંદના કરતાં કંઇક ખુશીપ્રેરક કરીને આપણી હાજરી અને ગેરહાજરી બન્નેની નોંધ લેવડાવવી જોઈએ .

સૌ કોઈ સાથી સાથે જ જીવતા હોય એવું નથી હોતું .કોઈપણ કારણસર વિખુટા પડવાંનું આવે તો , જીવન એકલાં વિતાવવું વસમું તો લાગે છે .એકલતા સૌ કોઈ માટે કારાવાસ સમાન છે .જેમ હવા ,પાણી અને ખોરાક માનવીને જીવવા માટે આવશ્યક છે . એવી જ રીતે લાગણી ભર્યા શબ્દો વ્યક્તિના તદુંરસ્ત મનનું ટોનિક છે …એની કોણ ના કહી શકે …!!

ભૌતિક સંપત્તિ આજકાલ વ્યક્તિના મૂલ્યાંકન કરવાના પ્રમુખ કેન્દ્રો બની ગઈ છે …પરંતુ વ્યક્તિ જયારે સંપત્તિ ભેગી કરવાં દોડી દોડીને થાકી જાય છે ત્યારે એના માટે પ્રેમ ,લાગણી અને કાળજી આવા શબ્દોનું મહત્વ સર્વોપરી બની રહે છે .આજની ઈલોટ્રોનિક ગેઝોટોથી છલોછલ દુનિયામાં લોકો એકબીજાની સાથે સંકળાયેલા તો હોય છે , પણ …..ઉષ્મા ભરેલાં સ્પર્શથી જોજનો દૂર હોય છે .

આવા વખતે ઉપરછલ્લી નિકટતા માણસને હૂંફ નથી આપતી ,આપે છે માત્ર અદ્રશ્ય એકલતા . પ્રેમ નામનાં માધુર્યની ગેરહાજરી પોતાનાં સાથીની વફાદારી પર શક કરવા લાગે છે .આ શક કેટલાંય સબંધોનો ભોગ લે છે .આ પાસું જીવનના જો કોઈ તબક્કે આકાર લેવાનું શરૂ કરે તો સબંધને વધુ સમય આપી એને વરવું સ્વરૂપ લેતાં અટકાવજો .કારણકે એકલતા નામની ઉધઈ મનુષ્યત્વને લાગે તો …જીવન ભારરૂપ લાગવાં માંડે છે .

‘એકલતાને તારે સાત ભવનું લેણું છે કે શું ,
ભરપાઈ કરવાં બોલ તું મારે વેચવું પણ શું ,
તું કહે તો , લાગણીના નામનો એ મુલક તારા નામે
કરું છું હું … દિલના દસ્તાવેજ સાથે

છેલ્લા પડાવ લગી ઉભો છું હું ….!!

પોતાના પ્રિય પાત્રને બીજી કોઈ ભેટ ના આપી શકો તો કોઈ વાંધો નહીં ….પણ હંમેશા તારો સથવારો કરીશ ,એ વચન જરૂર આપજો .દરેક સબંધનું માધુર્ય જળવાઈ રહે એના માટે તમારા તરફથી પૂરતાં પ્રયાસ કરજો .આ એક મોંઘેરી જણસ છે એટલું સમજી લેશો .

પળે પળ પ્રેમનો ઉત્સવ ઉજવીને ખાસ સબંધને વધુ ખાસ બનાવી લેજો .હું અને તું મટીને આપણે બનીને પ્રિય પાત્રને સંતૃષ્ટભાવ સાથે પ્રેમનું પુષ્પ જરૂર આપજો .આ જ છે ,પ્રેમના ઉત્સવની સાચી ઉજવણી ….


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.