Western Times News

Gujarati News

ભક્તિ અને આસ્થાનો મહાકુંભ ભાદરવી પૂનમનો મેળો ૧ર સપ્ટે.થી શરૂ થશે

આરાસુરી અંબાજી માતા દેવાસ્થાન ટ્રસ્ટના ચેરમેનના અધ્યક્ષસ્થાને પાલનપુરમાં પ્રથમ મિટિંગ યોજાઈ

પાલનપુર, બનાસકાંઠા જિલ્લામાં આવેલા વિશ્વ પ્રસિદ્ધ માં અંબેના ધામ અંબાજી ખાતે દર વર્ષે આસ્થાના મહાકુંભ સમાન ભાદરવી પૂનમનો મહામેળો યોજાય છે. જેમાં ગુજરાત અને દેશભરમાંથી શ્રદ્ધાળુઓ આ પવિત્ર દિવસોમાં મા અંબાના દર્શનાર્થે પધારે છે. આ દરમિયાન દર્શનાર્થે આવતા શ્રદ્ધાળુઓની યાત્રા સુખદ અને યાદગાર બની રહે એ માટે ગુજરાત સરકાર,

બનાસકાંઠા જિલ્લા વહીવટીતંત્ર અને આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા પ્રતિવર્ષ સુચારૂ આયોજન કરીને તમામ વ્યવસ્થાઓ કરવામાં આવે છે. પ્રતિવર્ષની જેમ આ વર્ષે આગામી તા.૧ર થી ૧૮ સપ્ટેમ્બર દરમિયાન અંબાજી ખાતે ભાદરવી પૂનમના મહામેળાનું આયોજન કરાયું છે. જેમાં આગોતરા આયોજન માટે આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન અને કલેકટર વરૂણકુમાર બરનવાલની અધ્યક્ષતામાં વિવિધ વિભાગના અધિકારીઓની ઉપસ્થિતિમાં બેઠક યોજાઈ હતી.

પાલનપુર ખાતે આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન કમ બનાસકાંઠા જિલ્લા કલેકટર વરૂણકુમાર બરનવાલે વિવિધ સુવિધાઓ વિશે વિસ્તૃત અને ઝીણવટભરી સમીક્ષા કીર અધિકારીઓને માર્ગદર્શન અને સૂચનાઓ આપી હતી. કલેકટરે જણાવ્યું કે, ગત વર્ષે આ મેળાને ખૂબ સારો પ્રતિસાદ મળ્યો હતો તેવી જ રીતે આ વર્ષે દૂરદૂરથી લાખો પદયાત્રિકો માતાજીના દર્શનાર્થે આવવાની ધારણાં છે. અંબાજી આવતા પદયાત્રિકોને જરૂરી તમામ સુવિધાઓ સરળતાથી મળે અને સરસ દર્શન થાય તે માટે સૌ સેવાભાવના સાથે કાળજીપૂર્વક કામગીરી થાય તે પ્રકારનું આયોજન કરીએ.

આ બેઠકમાં અંબાજી મંદિર ટ્રસ્ટના વહીવટદાર અને અધિક કલેકટર કૌશિક એસ. મોદીએ અંબાજી ખાતે આવતા સંઘો અને સેવા કેમ્પોની ઓનલાઈન નોંધણી, અંબાજી મંદિર પરિસર અને ગબ્બર ખાતે દર્શનાર્થીઓ માટે જરૂરી સુવિધાઓ સહિત વિવિધ વ્યવસ્થાઓ, નિઃશુલ્ક ભોજન અને પીવાના પાણીની વ્યવસ્થા, વીજળી, આરોગ્ય, એસ.ટી. બસ સુવિધા, સીસીટીવી કેમેરાથી કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિની જાળવણી તથા સ્વચ્છતા અંગે તમામ અધિકારીઓને અવગત કર્યા હતા.

આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી એમ.જે. દવે, નિવાસી અધિક કલેકટર સી.પી.પટેલ, પ્રોબેશનરી આઈ.એ.એસ. અધિકારી અદિતિ વર્સને, યાત્રાધામ વિકાસ બોર્ડના અધિકારીઓ સહિત જિલ્લાના ઉચ્ચ અધિકારઓ ઉપસ્થિત રહ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.