Western Times News

Gujarati News

રાજસ્થાનના કૃષિ મંત્રી કિરોડીલાલ મીણાએ રાજીનામું કેમ આપ્યું?

(એજન્સી)જયપુર, રાજસ્થાનની રાજનીતિમાં એક મોટી હલચલમાં આજે ગુરુવારે રાજ્યના કેબિનેટ મંત્રી ડૉ. કિરોડીલાલ મીણાએ તેમના પદ પરથી રાજીનામું આપી દીધું છે. લોકસભા ચૂંટણી બાદથી વિપક્ષ તેમના રાજીનામા અંગે સતત પ્રહારો કરી રહ્યો હતો, જ્યારે તેમના સાથીદારો કહી રહ્યા હતા કે તેઓ પદ છોડી રહ્યા નથી. જો કે હવે કિરોડીલાલ મીનાએ પોતાનું રાજીનામું મુખ્યમંત્રી ભજન લાલને મોકલી આપ્યું છે.

તેમણે આ રાજીનામું ચૂંટણી પરિણામ આવ્યાના એક મહિના બાદ આપ્યું છે. લોકસભા ચૂંટણી પ્રચાર દરમિયાન મંત્રી કિરોડીલાલ મીણાએ આપેલું વચન તેમને મોંઘુ પડ્યું છે. તેમણે જાહેરાત કરી હતી કે, ભાજપ રાજસ્થાનમાં તેમના ચાર્જ હેઠળની તમામ ૭ બેઠકો જીતશે, જ્યારે શાસક પક્ષ માત્ર ૩ બેઠકો જીતી શક્યો. આ પછી તેમના પર રાજીનામું આપવા માટે સતત દબાણ કરવામાં આવી રહ્યું હતું.

ડૉ. કિરોડીલાલ મીણાની ગણતરી પૂર્વી રાજસ્થાનના મીણા સમુદાયના દિગ્ગજ નેતાઓમાં થાય છે. ગયા વર્ષે ડિસેમ્બરમાં રાજસ્થાનમાં બનેલી ભાજપની ભજનલાલ સરકારમાં તેમને કૃષિ મંત્રી બનાવવામાં આવ્યા હતા.

જો કે, લોકસભા ચૂંટણી દરમિયાન તેમના પ્રચાર દરમિયાન, તેમણે વચન આપ્યું હતું કે, જો ભાજપ તેમના ચાર્જ હેઠળની સાત બેઠકોમાંથી એક પણ ગુમાવશે, તો તેઓ તેમના પદ પરથી રાજીનામું આપી દેશે. હવે તેમણે પૂર્વ રાજસ્થાનમાં પાર્ટીની હારની નૈતિક જવાબદારી સ્વીકારીને પદ પરથી રાજીનામું આપી દીધું છે.

લોકસભા ચૂંટણી પ્રચાર દરમિયાન, કિરોડીલાલ મીણાએ ૧૭ મે ૨૦૨૪ના રોજ આ વચન આપ્યું હતું કે, “જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ચૂંટણી પ્રચારના રોડ શો માટે ૧૨ એપ્રિલે દૌસામાં આવ્યા હતા, ત્યારે તેમણે મને અહીં ૭ બેઠકોની જવાબદારી આપી હતી. જો અમે આ ૭માંથી એક પણ બેઠક ગુમાવીશું તો હું કેબિનેટ મંત્રી પદ પરથી રાજીનામું આપી દઈશ. જો કે, ૩ જૂને, ચૂંટણી પરિણામોના એક દિવસ પહેલા (૪ જૂન), કિરોરી લાલ મીણાએ ફરીથી આ વચનનો પુનરોચ્ચાર કર્યો હતો કે, ‘જો ભાજપ સાતમાંથી એક બેઠક પણ હારી જશે, તો હું મંત્રી પદ પરથી રાજીનામું આપીશ.’

ભાજપના નેતા કિરોડીલાલના હવાલા હેઠળ રાજ્યની દૌસા, ટોંક-સવાઈ માધોપુર, ભરતપુર, ભીલવાડા, કોટા-બુંદી, કરૌલી-ધોલપુર અને જયપુર ગ્રામીણની બેઠકો હતી. ગયા મહિને જાહેર થયેલા લોકસભાના પરિણામોમાં ભાજપને ૭માંથી ૪ બેઠકો પર હારનો સામનો કરવો પડ્યો હતો. જ્યારે ભાજપ ભારે સંઘર્ષ બાદ જયપુર ગ્રામીણ સંસદીય બેઠક જીતવામાં સફળ રહી હતી.

પરિણામો આવ્યા બાદ કિરોડીલાલ મીણાના રાજીનામાને લઈને સોશિયલ મીડિયા પર ચર્ચાનો દોર શરૂ થયો હતો. તેમણે પોતે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઠ પર “રઘુકુલ રીત સદા ચાલી આઈ, પ્રાણ જાએ પર વચન ન જાઈ” લખીને રાજીનામાની અટકળોને વેગ આપ્યો હતો. લગભગ એક મહિનો વીતી ગયો પરંતુ તેમણે પદ પરથી રાજીનામું આપ્યું નહીં. જોકે આ સમયગાળા દરમિયાન તે ભાગ્યે જ જાહેરમાં જોવા મળ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.