Western Times News

Gujarati News

પોલિયો-મેલેરિયા નાબુદીની ઝુંબેશો લોકો અને સરકાર ભલે કર્યા કરે, પણ અંતિમ સત્ય મોત છે !

સ્વાસ્થ્ય જાળવવાની પળોજણ

વિજ્ઞાનનો આટલો વિકાસ છતાં રોગોની વસ્તી વધી છે, ડોકટરોને દવાખાનાં વધ્યાં છે, દવાઓનાં કારખાનાં દિવસ-રાત ચાલ્યા કરે છે, છતાં રોગીઓની સંખ્યામાં ઘટાડો થયાનું જાણ્યું નથી. 

‘વૈદ્યરાજ કંટાળી ગયો, દસ દિવસથી તાવઉતરતો જ નથી, તમે મારા ભગવાન.’ વૈદ્યરાજે નાડી પકડી અને તરત જ એમના ચિત્તમાં રોગનો આલેખ પ્રગટ થયો ઃ ‘ભાઈ, આ મારો જવર, વિષમજવર છે. તેમાં ત્રિદોષની વિકૃતિ, તેથી વિશેષ કોઈ ભય રાખવાનું કારણ નથી. આ ત્રણ પડીકાં લઈ જાઓ.’ રોગીએ ‘પણ…’ એટલું બોલતાં તો વૈદ્યરાજે સ્વસ્થ ચિત્તે સંભાષણ શરૂ કર્યું ઃ ‘ભાઈ, શરીર માત્રમાં કફ, પિત્ત અને વાત એ ત્રણ દોષ છે, એ ત્રણ સખણા રહે તો આરોગ્ય જળવાય, આઘા-પાછા થાય તો ઉપાધીઓના ઢગલા !’

આયુર્વેદ પાંચમો વેદ કહેવાયો છે અને તેથી શતાયુ થવા માટે એમાં ભરપુર સલાહ-સૂચનો, નિદાન અને ચિકિત્સારૂપે અપાયેલાં છે. માણસ માત્રને જીવવું છે, મરવું નથી. પછી ભલે કાલિદાસ કહે કે, મરણ એ પ્રાણીઓની પ્રકૃતિ છે અને જીવન એ વિકૃતિ છે. માણસને તો વિકૃતિમાં જ આનંદ છે, તેથી શરીરયંત્રના સર્વભાગોની કાળજી અને મરામત કરતો જ રહે છે. શું ખાવું ? કેટલું ખાવું ? ક્યારે ખાવું નહીં ખાવું. વગેરેની ઝીણી વિગતો વાંચી-સાંભળીને અમલમાં મુકતો જ રહે છે. કોઈ આળસુ લપડાક પડે ત્યારે ઉછીની સલાહ લઈને તે પ્રમાણે વર્તન કરતો હોય છે.

એક ભાઈ ઉષઃપાનના શોખીન હતા. તેમણે રોજ રાત્રે તામ્રપાત્રમાં ભરેલું અને ત્રિફળતાનો પટ બેઠેલું જળ સાઠ વર્ષ સુધી પીધા કર્યું, છતાં બંધકોશમાંથી મુક્તિ ન મળી. એટલે છાપામાં આવતાં વૈદ્યરાજનાં નિવેદનોમાં જ્યાં જ્યાં બંધકોશની વિગતો હોય તે બબ્બે વાર વાંચી, ઝીણવટથી નોટમાં ઉતારી લે અને પછી અખતરા શરૂ કરે. ત્રિફળા, સ્વાદિષ્ટ વિરેચન, કાયમચૂર્ણ, ઈસબગુલ હરડે, કોકરવરણું દીવેલ વગેરે અનેક પ્રયોગ એક પછી એક કૃયા, પણતેમાં તેની આડઅસરોથી તેમને પોતાને અને કુટુંબને અનેક ત્રાસ વેઠવા પડ્યા.

તો એક બીજા સજ્જનને એવી ટેવ કે એમને જે શારીરિક તકલીફો છે તે દુનિયામાં બીજા કોઈને નથી, એમ માનીને જે મળે તેની આગળ પોતાની રેકર્ડ વગાડ્યા જ કરે. એમનું કરુણ સંગીત સાંભળનારા બહુ પીગળેલા હૈયે પોતપોતાની સલાહો આપે. તે બધીનો એક પછી એક અમલ કરતાં એક દિવસ તે સજ્જન સ્મશાન ભેગા થઈ ગયા. જીવનરસ એટલો અખૂટ છે કે પોતાની તંદુરસ્તી જરા પણ જોખમાય તો લોકો બેચેન બની જાય. પણ સામે સ્વાદ અને વ્યસનો એમને મચક આપતાં નથી, એટલે આરોગ્ય માટે મરતા સુધી મથામણ કરવી જ પડે છે.

શિયાળો આવે તો ધાબળો ઓઢીને પણ સવારે શુદ્ધ ઓÂક્સજન લેવા દોડે, ચ્યવનપ્રાશ, બદામપાક, અડદિયાપાક વગેરેના સેવનની લલચાવનારી જાહેરાતો વાંચીને ચાર્વાકના ચેલા બન્યા હોય તેમ ઉછીના પાછીના પૈસે ખાવાનું ચૂકતા નથી. પ્રયોગ એક મહિનાનો અને શક્તિ બાર મહિનાની એકઠી કર્યાનો મનમાં સંતોષ હોય, ત્યાં ત્રીજે જ દિવસે શેરના ભાવ ગગડી ગયાનું વાંચી, એમના સ્વાસ્થ્યના ભાવ પણ ગગડી જાય.

કેટલાકને માંદગી ખરેખર નહીં, પણ માંદગીનો શોખ એવો લાગેલો હોય છે કે બધા જાણે જીવનદાતા હોય તેમ પોતાના રોગની લાચારી સંભળાવ્યા કરે. તેની પાછળ એમનો આશય તો તંદુરસ્તી જાળવવાનો જ હોય છે, છતાં શક્તિ બહારનું, ઝાપટી, ઉદરસ્વાસ્થ્ય જાળવવાની જાહેરાતોમાં આવતા બધા પદાર્થોનું સેવન કરે, લોભમાં રાત-દા’ડો એક કરનાર, છાપામાં આવતી દર્દીઓના પ્રમાણપત્રોવાળી જાહેરાતો આપનારા, અસાધ્ય રોગોને સાધ્ય કરનારા નિષ્ણાતો પાછળ રખડી રખડીને પણ પોતાનું બગડેલું સ્વાસ્થ્ય જાળવવા મથામણ કરતા હોય છે.

શરીર ધર્મનું મુખ્ય સાધન છે. અહીં ધર્મનો અર્થ ‘જીવવું’ એટલો જ થાય. શરીર છે તો આપણે છીએ. દાંડ પડે, મોતિયો આવે, ચામડી લથડે, પાચન બગડે, પળિયા આવે, તો પણ ભાગ્યું તોય ભરૂચ. તો પણ મનુષ્ય જેનું નામ તે ગધ્ધા પચીસીની માફક જીવવા મથામણ કરે છે. પરંતુ અંજામ બૂરો આવે છે. ખાખ થનારો આ કિલ્લો અવનવા ઈલાજો છતાં અચ્યુતં સ્થિતિને પામ્યા સિવાય રહેતો નથી.

ત્યારે એનો માલિક નામે ‘હું’ ઉર્ફે દિનકર દેસાઈ અથવા કોઈ પણ હાર કબૂલવા તૈયાર નથી. પોતે પોતાનામાં ટકી રહેવું. એનું નામ સ્વાસ્થ્ય. ‘પડ્યા પણ તંગડી ઉંચી’ એ મનોવૃત્તિને કારણે જ ગુજરાતીમાં ‘ઘરડાં ગાડાં વાળે’ એ કહેવત પડી હોવી જોઈએ.

માથાબાંધણી સિવાય ઉંઘ ન આવે, આદુંના ટુકડા ચૂસ્યા સિવાય ભૂખ ન લાગે, ચાકડાની માટી પેટે બાંધ્યા સિવાય કે પંદર દિવસે ધાણીનું દિવેલ પીધા સિવયા આંતરડાંની ગતિ ઓછી થઈ જાય, દિવાળીથી હોળી શુધી શાલ- મફલરની સોબત છોડીએ તો માંદા પડી જવાય, વર્ષારંભે જાંબુ, શિશિરમાં
રીંગણ- જામફળ, વસંતમાં સીતાફળ- સફરજન, ઉપરાંત ડુંગળી- લસણ બારેમાસ સેવન ન કરીએ તો સ્વાસ્થ્ય બગડે, શરદી થઈ હોય કે ન થઈ હોય

પણ વિક્‌સનું ઈનહેલર ઘરમાં કે જાહેરમાં વારંવાર વિશાળ નસ્કોરામાં દાખલ નકરીએ તો મોભો ઘટી જાય- આવી આવી અનેક માન્યતાઓ સ્વાસ્થ્યરક્ષકોએ વિષ્ણુસહસ્ત્રનામની જેમ પેઢી દર પેઢી જીવતી રાખી છે.

માલિસના મહત્વની કોઈની સલાહ ઉપર ચાલનારા એક સજ્જન દિવાળીથી શુદ્ધ ધાણીનું તેલ રખડી-ભટકીને લાવ્યા, પછી સવારની ઠંડીમાં વસ્ત્રોના વેષ્ટનને દુર કરી, નિયમિત અંગેઅંગ ઉપર વફાદારીપૂર્વક માલિસ કરી કોકરવરણા જળથી સ્નાન કરતા અને શીતોષ્ણ દુગ્ધનું પાન કરતા. એ સજ્જનને શિયાળો પુરો થતાં જ ચામડીના દર્દોના નિષ્ણાત પાસે જવું પડ્યું,

કારણ શરીરસ્વાસ્થ્ય જાળવવાના આ જ્ઞાનપૂર્ણ પ્રયોગ દ્વારા એમના આખા શરીરની ચામડી પર સતત ખંજવાળ ઉપડતી. આમ છતાં, બીજે વર્ષે એમણે પ્રયોગ ચાલુ રાખ્યો. એ બતાવે છે કે માણસને શરીર સ્વાસ્થ્યની મથામણમાં લાખ વિધ્નો આવે તો પણ પાછી પાની કરવાનું ગમતું નથી.

મથામણમાં ભારે ઉથલપાથલ કરાવનારા વર્તમાન જીવનના મહારથી રોગોમાં ડાયાબિટીસ, બ્લડપ્રેશર, અંધત્વ, બધિરતા, સ્મૃતિલોપ, જ્ઞાનતંતુની શિથિલતા, રકતકણોનો વધારો-ઘટાડો, કેન્સર, ખરજવું વગેરે અનેક પ્રકારનાં આશ્ચર્યો જન્માવે છે. નિષ્ણાત ડોકટર પાસે જઈ આવેલા દરદીને ‘સરસ છે’ એમ કહીને ડોકટરે કરેલા દવાની માત્રાની ફેરફારની જાણ કરનાર મિત્ર સાથે સમી સાંજે છૂટા પડ્યા, પછી બીજા દિવ્સના પ્રાતઃકાળે જે ઘંટડી રણકે કે ‘સુધરેલા સ્વાસ્થ્યવાળા ગયા.’ ત્યારે થાય કે સ્વાસ્થ્યની બાબતમાં મથામણ કરવી તે સમુદ્ર ઉલેચવા જેવું છે.

એટલે જ સુજ્ઞ પુરુષોએ કહેલું છે કે, વૈરાગી ચિત્તવાળા બાવાને પણ એશઆરામની કોઈ પણ ફિકર ન હોય, તો પણ શરીરની ઉપાધિઓ તો પજવ્યા જ કરે, અને તેથી સ્વાસ્થ્ય જાળવવાની મથામણમાંથી એ મુકત થઈ શકે નહી. સંસારથી ભલે મુકત થયો હોય. એટલે સંન્યાસીઓ અને મંડલેશ્વર પણ ઔષધાલયો ચલાવતા હોય છે અને એ સંતપુરુષોની શય્યા પાસે કાષ્ટઔષધની પડેલી બાટલીઓ એમની સ્વાસ્થ્યસુરક્ષાની આંતરિક મથામણની ચાડી ખાતી હોય છ. ‘દરજીનો દીકરો જીવે ત્યાં સુધી સીવે’ એ કહેવત આજના સમયમાં ભલે એનો અર્થ ગુમાવી બેઠી હોય, પણ ‘શરીર જાળવવા મનુષ્ય માત્ર મરે ત્યાં સુધી મથામણ કરે’ એ તો વજ્રલેપ બનેલી છે.

દૂધ ગાયનું પીવું કે ભેંસનું, આ ડેરીનું કે ઢીંકણી ડેરીનું, એવું વિચારીને અનેક પ્રયોગ કર્યા પછી ગાંધીજીની બકરીની ઉપાસના કરનારા પણ આ દેશમાં ઓછા નથી. ક્યાંક વાંચેલું કે દૂધ સાથે ફળ એ વિષમ આહાર કહેવાય, માટે યજમાને પ્રેમપૂર્વક બનાવેલું ફ્રૂટસલાડ નહીં ખાવાની જીદ પકડીને યજમાનને મુંઝવણમાં મૂકી દેનારા સ્વાસ્થ્યરક્ષકો પણ આ ભૂમિ પર ઢગલાબંધ પડ્યા છે.

દિવસે ત્રણ કલાક ઉંઘનાર ફરિયાદ કર્યા કરતા હોય કે રાત્રે ઉંઘ ઓછી આવે છે, એટલે યથાશક્તિ હમદર્દીઓએ આપેલી સલાહનાં પડીકાં એક પછી એક વાપરતાં, મÂસ્તષ્કમાં કયું તેલ ઘસવું, શયન કરતાં પહેલાં ઠંડા પાણીથી હાથ- પગ- મોં ધોવાં, કોકરવરણા દૂધ સાથે શતાવરીનું સેવન કરવું અને છેવટે રામબાણ ઈલાજ તરીકે હસ્મિસ્મરણ કરતાં કરતાં આંખો બંધ કરવી- આ બધા ઉપાયો અજમાવ્યા. પછી રે નસીબ ! ઉંઘ ક્યાંથી આવે ? થાક વિનાના શરીરને દિવસના ત્રણ કલાકના આરામ પછી નિદ્રાદેવી શેની કૃપા કરે ?

આજના ધમાલિયા યુગમાં બેઠાડુ જીવન સરળ બન્યું છે. તેથી રોગોને ફાવતું જડયું છે. ‘જાહેર શૌચાલયમાં જવું જોખમકારક છે’ એમ દૃઢ રીતે માનનાર સજજન પાંચ કલાક રખડીને ઘેર આવે ત્યાં સુધી આવેગને પકડી રાખે, એટલે એમની સ્વાસ્થ્ય રક્ષાની મથામણનો અંજામ અનેક રોગોની હાજરીનો જ હોય. સાચુ ંકારણ એ છે કે, દરેક વસ્તુમાં મધ્યમ માર્ગ અપનાવવો જોઈએ, તેને બદલે ‘શરીરની જાળવણી તો મારા જેવી કરનારો બીજો કોઈ નહીં’- એવી ગુસ્તાખી ધારણ કરનારા, એમની મથામણ દ્વારા જ છેલ્લે પાટલે બેસીને પોતાની સાક્ષીમાં જ સ્વાસ્થ્યનું ઉઠમણું કરતા હોય છે.

ડોકટરને તો સ્વાસ્થ્ય જાળવવાની બહુ જરૂર ન પડે, કારણ જાતજાતના અને ભાતભાતના રોગોથી ભરપુર દર્દીઓના દરરોજના નિકટના સંપર્કને કારણે એમનું સ્વાસ્થ્ય આપમેળે જ સુધરી જતું હોય છે, એટલે એમને તો માનસિક રીતે વધારે રોગીઓ તેમ વધારે ખુશી થાય, એટલે રોગ હોય તોપણ ભાગી જાય, અને ધારો કે એમને કોઈ રોગ વળગ્યો હોય તો ગુપ્ત રીતે એમની સરભરા કરતા હોય, કારણ કે જો જાહેર કરે તો રોગીડોકટર પાસે કયો દરદી ઈલાજની આશાએ જાય?

જે પોતાનું સ્વાસ્થ્ય જાળવી શકતો નથી એની પાસેથી નિદાન કે ચિકિત્સાની મથામણમાં કયો શાણો માણસ અટવાય ?
મોત કોને ગમે ? સ્વાસ્થ્ય રક્ષાનો અર્થ એટલો કે, ‘મારે મરવું નથી.’ કોઈ પંડિતો ભલે એનો એવો અર્થ કરે કે, ‘શરીરને નીરોગી રાખવું.’ પણ બ્રહ્મજ્ઞાનીઓ કહે છે કે, શરીર કે કચરાનો ઢગલો છે, એ ઉકરડામાં લાખો જંતુઓ જન્મે છે ને મરે છે, એટલે નીરોગીપણું મનુષ્યમાત્રને વંધ્યાસુત જેવુ લાગ્યું છે.

વિજ્ઞાનનો આટલો વિકાસ છતાં રોગોની વસ્તી વધી છે, ડોકટરોને દવાખાનાં વધ્યાં છે, દવાઓનાં કારખાનાં દિવસ-રાત ચાલ્યા કરે છે, છતાં રોગીઓની સંખ્યામાં ઘટાડો થયાનું જાણ્યું નથી. પોલિયો નાબુદી, મેલેરિયા નાબુદી વગેરેની ઝુંબેશો લોકો અને સરકાર ભલે કર્યા કરે, પણ અંતિમ સત્ય મોત છે !


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.