Western Times News

Gujarati News

થોડા વિદ્યાર્થીની ગેરરીતિના કારણે NEET પરીક્ષા રદ ન કરાયઃસુપ્રીમ કોર્ટ

નીટનું પેપર લીક થયું જ છેઃ સુપ્રીમ કોર્ટ-આગામી સુનાવણી ૧૦મી જુલાઈએ હાથ ધરવાનો નિર્ણય

(એજન્સી)નવી દિલ્હી, સુપ્રીમ કોર્ટમાં આજે નીટ પેપર લીક મામલે સુનાવણી હાથ ધરાઈ હતી. નીટ ની પરીક્ષામાં ગેરરીતિ અંગે અનેક અરજીઓ સુપ્રીમકોર્ટમાં દાખલ કરવામાં આવી હતી. ચીફ જસ્ટિસ ડી.વાય.ચંદ્રચૂડ, જસ્ટિસ જે.બી.પારડીવાલા અને જસ્ટિસ મનોજ મિશ્રાની બેન્ચ આ મામલે આજે સુનાવણી હાથ ધરી હતી. જોકે બેંચે તમામ પક્ષકારોની દલીલો સાંભળવ્યા બાદ આગામી સુનાવણી ૧૦મી જુલાઈએ હાથ ધરવાનો નિર્ણય લીધો છે.

આ મામલે કુલ ૩૮ અરજીઓ પેન્ડિંગ છે. નીટ પેપર લીક મામલે સીજેઆઈએ પૂછ્યું કે આ પેપર લીકને કારણે કેટલાં વિદ્યાર્થીઓના પરિણામ રોકવામાં આવ્યા? ક્યાં છે વિદ્યાર્થીઓ? ૨૩ જૂને ૧૫૬૩ વિદ્યાર્થીઓની પરીક્ષા ફરી લેવાઈ હતી. શું હજુ પણ આપણે ખોટું કામ કરનારાઓને શોધી રહ્યા છીએ? શું વિદ્યાર્થીઓ મળ્યાં? અમારા મતે તો પરીક્ષા રદ કરવી એ જ અંતિમ ઉપાય રહેશે કેમ કે તેમાં ઘણાં વિદ્યાર્થીઓ સામેલ છે.

સીજેઆઈએ કહ્યું કે, ‘પેપર લીક થયું હોવાનું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે, પરંતુ સવાલ એ છે કે, તેનો વ્યાપ કેટલે સુધી પહોંચ્યો છે. આપણે એ સમજવાની જરૂર છે કે, પેપર લીકનો વ્યાપ કેટલો છે? માત્ર બે વિદ્યાર્થીઓએ કરેલી ગેરરીતિના કારણે આખી પરીક્ષા રદ ન કરી શકાય. અમે એ જાણવા માંગીએ છીએ કે, પેપર લીકના આરોપીઓને ઓળખવા માટે એનટીએ અને સરકારે અત્યાર સુધીમાં શું પગલા ઉઠાવ્યા છે.

પેપર લીક થયું એ વાત તો સાચી જ છે. પણ અમે એ જાણવા માગતા છીએ કે તેની અસર કેટલા લોકોને થઈ કેમ કે અમને ૨૩ લાખ વિદ્યાર્થીઓની ચિંતા છે. જેમણે આ પરીક્ષા આપવા માટે સારી એવી તૈયારી કરી હતી. અનેક લોકો એવા હશે જેમણે પરીક્ષાની તૈયારી કરી, અનેકે પેપર આપવા માટે મુસાફરી પણ કરી. તેમાં ખર્ચો પણ થયો હશે.

બેંચે પૂછ્યું કે, અમારી સાયબર ફોરેન્સિક ટીમ કઈ પ્રકારની ટેક્નોલોજી ધરાવે છે. શું આપણે તમામ શકમંદોનો ડેટા તૈયાર ન કરી શકીએ? આ પરીક્ષામાં જે કંઈપણ થયું અને અમે જે પગલાં ઉઠાવી રહ્યા છીએ, તેના કારણે હવે પેપર લીક ન થવું જોઈએ. આ મુદ્દે ચીફ જસ્ટિસે કહ્યું કે, આ મુદ્દે નિર્ણય લેવા કોઈ નિષ્ણાતને સામેલ ના કરી શકાય? આ વિષયમાં અમે જાતે જ ના પાડવા નથી માંગતા અને આપણે એ પણ ધ્યાન રાખવું પડશે કે, ભવિષ્યમાં આવી વાત ન થવી જોઈએ.

તેમણે કહ્યું કે, અમે સરકાર પાસેથી એવું જાણવા માંગીએ છીએ કે, આ મામલે સરકારે શું કર્યું ? ૬૭ વિદ્યાર્થીઓને ૧૦૦ ટકા મળ્યા છે. આપણે સમજવું પડશે કે, માર્ક આપવાની રીત શું છે? સીજેઆઈએ તમામ અરજદારોના વકીલોની દલીલો સાંભળ્યા બાદ આગામી સુનાવણી ૧૦મી જુલાઈએ હાથ ધરવાનો નિર્ણય કર્યો છે. આ દરમિયાન સીજેઆઈ વકીલોને કહ્યું છે કે, તેઓ આગામી સુનાવણી દરમિયાન પરીક્ષા ફરી કેમ યોજવી જોઈએ, તેવી દલીલ રજુ કરે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.