Western Times News

Gujarati News

GUVNL દ્વારા બનાવેલ પોર્ટલ એક સિંગલ વિન્ડો ક્લિયરન્સ સિસ્ટમ ‘અક્ષય ઊર્જા સેતુ પોર્ટલ’નું અનાવરણ

રિન્યુએબલ એનર્જી પોલિસીને વધુ વેગ આપવા ઊર્જા મંત્રીશ્રી કનુભાઈ દેસાઈના હસ્તે જીયુવીએનએલ અને સંલગ્ન કંપનીઓના લોગો તેમજ ‘અક્ષય ઊર્જા સેતુ પોર્ટલ’નું ગાંધીનગર ખાતેથી અનાવરણ કરાયું

Ø  પોર્ટલથી રોકાણકારો અને હિતધારકોને રિન્યુએબલ એનર્જી પ્રોજેક્ટના ઝડપી અને વધુ કાર્યક્ષમ ઉપયોગની સુવિધા મળશે

ગુજરાત ઇન્ટિગ્રેટેડ રિન્યુએબલ એનર્જી પોલિસી, 2023 અંતર્ગત ગુજરાત સરકારના ઊર્જા વિભાગ દ્વારા અનેક પહેલો કરવામાં આવી છે. રિન્યુએબલ એનર્જી પોલિસીને વધુ વેગ આપવા ઊર્જા મંત્રીશ્રી કનુભાઈ દેસાઈના હસ્તે ‘અક્ષય ઊર્જા સેતુ પોર્ટલ’નું ગાંધીનગર ખાતેથી અનાવરણ કરવામાં આવ્યું છે. આ પોર્ટલ ગુજરાત ઊર્જા વિકાસ નિગમ લિમીટેડ (GUVNL) દ્વારા બનાવવામાં આવ્યું છે.

અક્ષય ઊર્જા સેતુ પોર્ટલ’મારફતે ગુજરાતમાં રિન્યુએબલ એનર્જી પ્રોજેક્ટસ માટે મંજૂરીની પ્રક્રિયા સરળ બનશે. આ પોર્ટલ એક સિંગલ વિન્ડો ક્લિયરન્સ સિસ્ટમ છે જેનાથી રિન્યુએબલ એનર્જી પ્રોજેક્ટના ઝડપી અને વધુ કાર્યક્ષમ ઉપયોગની સુવિધા મળશે. આ પોર્ટલનો ઉદ્દેશ રોકાણકારો અને હિતધારકો માટે ટકાઉ અને પર્યાવરણને અનુકૂળ વાતાવરણને પ્રોત્સાહન આપતા પ્રોજેક્ટસની મંજૂરીઓને ઝડપી બનાવવાનો છે. 

અક્ષય ઊર્જા સેતુ પોર્ટલ’ના અનાવરણ પહેલા GEDA, GETCO, DISCOM,CEI, SLDS અને EPD જેવી અલગ વેબસાઈટથી અરજીની પ્રક્રિયા કરવામાં આવી હતી પરંતુ પોર્ટલના માધ્યમથી પ્રોજેક્ટની અરજીની પ્રક્રિયા વધુ સરળ બનશે. આ ઉપરાંત રોકાણકારો અને હિતધારકોએ તમામ ડોક્યુમેન્ટ્સ પણ એક જ પોર્ટલ પર એક જ વાર અપલોડ કરવાના રહેશે તથા રજીસ્ટ્રેશન ફી પણ એક જ વાર ભરવાની રહેશે. આ ઉપરાંત મંત્રીશ્રી ના હસ્તે જીયુવીએનએલ અને સંલગ્ન કંપનીઓના લોગોનું અનાવરણ કરવામાં આવ્યું હતું

આ કાર્યક્રમમાં  GUVNLના મેનેજિંગ ડિરેક્ટર શ્રી જયપ્રકાશ શિવહરે, GEDAના મેનેજિંગ ડિરેક્ટર શ્રી અજય પ્રકાશ, GUVNLના ડિરેક્ટર શ્રી તેજસ પરમાર તથા શ્રી કમલેશ જાંગિડ, GETCOના મેનેજિંગ ડિરેક્ટર શ્રી ઉપેન્દ્ર પાંડે તથા ઊર્જા વિભાગના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.