Western Times News

Gujarati News

પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ મેળવવા માટે  ખેડૂતોએ E-KYC અને આધાર સીડિંગ કરાવવું ફરજીયાત

પીએમ કિસાન યોજનાનો લાભ મેળવવા તા. ૩૧મી જુલાઈ  સુધીમાં ઈ-કેવાયસી અને આધાર સીડિંગ અચૂક કરાવી લેવાનું રહેશે

ભારત સરકાર દ્વારા પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજનામાં રજીસ્ટર થયેલા ખેડૂત લાભાર્થીઓ માટે ૧૭માં હપ્તાના ચૂકવણા માટે લાભાર્થીઓની ચકાસણીની કાર્યવાહી આગામી ૩૧મી  જુલાઇ સુધી ચાલુ છે. પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ભારત સરકાર દ્વારા ૧૩માં હપ્તાથી બેંક ખાતાનું આધાર સીડિંગ – ડીબીટી એનેબલ કરાવવું તેમજ ૧૫માં હપ્તાથી ઈ-કેવાયસી કરાવવું ફરજીયાત કરવામાં આવ્યું છે.

રાજ્યના જે ખેડૂત લાભાર્થીઓને અત્યાર સુધી ઈ-કેવાયસી તથા બેંક ખાતાનુ આધાર સીડીંગ – ડીબીટી એનેબલ કરાવવાનું બાકી હોય તે તમામ લાભાર્થીઓએ તે સત્વરે પૂર્ણ કરવાનું રહેશેતેમ ખેતી નિયામકશ્રીની યાદીમાં જણાવાયું છે.

યાદીમાં જણાવાયું છે કેખેડૂતો જુદી-જુદી ચાર પધ્ધતિઓ દ્વારા ઈ-કેવાયસી પૂર્ણ કરી શકશે. ગ્રામસેવક અને વિલેજ નોડલ ઓફીસરનો સંપર્ક કરીને પીએમ કિસાન મોબાઇલ એપ્લિકેશન પરથી ફેસ ઓથેન્ટીકેશન દ્વારા ઈ-કેવાયસી કરી શકાય છે. સાથે જ જે લાભાર્થીઓના મોબાઈલ નંબર આધાર કાર્ડ સાથે લીંક છેતે ખેડૂત લાભાર્થીઓ ઘરે બેઠા પીએમ કિસાન પોર્ટલ પર અથવા મોબાઈલ પર OTP મોડ દ્વારા ઈ-કેવાયસી ખૂબ જ સરળતાથી કરી શકશે.

આધાર કાર્ડમાં મોબાઈલ નંબર લીંક ન હોય તો ઇન્ડીયા પોસ્ટ પેમેન્ટ બેંકની મદદથી મોબાઈલ નંબર લીંક કરાવી મોબાઈલ પર OTP મોડ દ્વારા પીએમ કિસાન પોર્ટલ પર ઈ-કેવાયસી કરી શકાય છે. આ ઉપરાંત નજીકના કોમન સર્વિસ સેન્ટર (CSC) પર અને ઈ-ગ્રામ કેન્દ્ર ખાતે લાભાર્થી રૂ. ૧૫ ચાર્જ ચૂકવીને બાયોમેટ્રિક ઓથેન્ટીફીકેશન દ્વારા પણ ઈ-કેવાયસી કરાવી શકે છે.

ખેડૂત લાભાર્થીઓએ લાભાન્વિત બેંક ખાતામાં આધાર સીડીંગ-ડીબીટી એનેબલ કરાવવા માટે બેંકમાં આધાર કાર્ડ સાથે ઉપસ્થિત રહી આધાર સીડીંગ અને ડીબીટી એનેબલ કરાવી લેવાનું રહેશે. આ ઉપરાંત આધાર સીડીંગ કરાવેલા બેંક ખાતામાં ડાયરેક્ટ બેનેફીટ ટ્રાન્સફર એટલે ડીબીટી એનેબલ કરવા માટેનું ફોર્મ ભરવાનું રહેશે. ત્યારબાદ બાંહેધરી આપી ડીબીટી એનેબલ ફરજીયાત કરવાનું રહેશે.

આ પ્રક્રિયા સિવાય લાભાર્થી ગામની અથવા નજીકની પોસ્ટ ઓફીસ ખાતે આધાર કાર્ડ સાથે ઉપસ્થીત રહી ઈન્ડીયા પોસ્ટ પેમેન્ટ બેંકમાં આધાર સીડીંગ-ડીબીટી એનેબલ સાથેનું નવું ખાતુ ખોલાવી શકે છે. તમામ હપ્તા નિરંતર મળી રહે તે માટે બાકી લાભાર્થીઓએ ઇ-કેવાયસી તથા બેંક ખાતાનું આધાર સીડીંગ – ડીબીટી એનેબલ આગામી  ૩૧  જુલાઇ પહેલા પૂર્ણ કરવા વધુમાં જણાવવું છે. –નિતિન રથવી


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.