Western Times News

Gujarati News

હું મારી સાથે ભારતની માટીની સુગંધ અને ૧૪૦ કરોડ દેશવાસીઓનો પ્રેમ લઈને મોસ્કો આવ્યો છું

મોસ્કોમાં ભારતીયોને સંબોધતા વડાપ્રધાન-પડકારોને પણ પડકાર આપવો મારા ડીએનએમાં છેઃવડાપ્રધાન મોદી

(એજન્સી)મોસ્કો, વડાપ્રધાન નરેન્દ્ર મોદી રશિયાના મોસ્કોમાં ભારતીય સમુદાયને સંબોધિત કરી રહ્યા છે. આ દરમિયાન તેમણે કહ્યું કે તમારા પ્રેમ, સ્નેહ માટે તમે અહીં આવવા માટે સમય કાઢ્યો તે બદલ હું તમારો ખૂબ આભારી છું. હું એકલો નથી આવ્યો, મારી સાથે ઘણું બધું લઈને આવ્યો છું.

હું મારી સાથે ભારતની માટીની સુગંધ અને ૧૪૦ કરોડ દેશવાસીઓનો પ્રેમ લઈને આવ્યો છું. પીએમ મોદીએ કહ્યું કે તે ખૂબ જ આનંદદાયક છે કે ત્રીજી વખત સરકારમાં આવ્યા બાદ, ભારતીય સમુદાય સાથે મારો પ્રથમ સંવાદ અહીં મોસ્કોમાં તમારી સાથે થઈ રહ્યો છે.

આજે ૯મી જુલાઈ છે, મને શપથ લીધાને એક મહિનો થઈ ગયો છે. આજથી બરાબર એક મહિના પહેલા મેં ભારતના પીએમ તરીકે શપથ લીધા હતા. એ જ દિવસે મેં પ્રતિજ્ઞા લીધી હતી કે મારી ત્રીજી ટર્મમાં હું ત્રણ ગણી તાકાત અને ત્રણ ગણી ઝડપ સાથે કામ કરીશ.વડાપ્રધાને કહ્યું કે સરકારના ઘણા લક્ષ્યાંકોમાં ૩ નંબરનો આંકડો આવે તે પણ એક સંયોગ છે.

ત્રીજી ટર્મમાં ભારતને વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનાવવાનું સરકારનું લક્ષ્ય છે. સરકારનું લક્ષ્ય ગરીબો માટે ૩ કરોડ ઘર બનાવવા અને ૩ કરોડ લાખપતિ દીદીઓ બનાવવાનું છે.તેમણે કહ્યું કે તમે બધા જાણો છો કે ભારત આજે જે પણ લક્ષ્ય નક્કી કરે છે, તે સફળ રહે છે. આજે ભારત એ એવો દેશ છે જેણે ચંદ્રયાનને ચંદ્ર પર મોકલ્યું છે જ્યાં વિશ્વનો અન્ય કોઈ દેશ પહોંચી શક્યો નથી. ભારત વિશ્વને ડિજિટલ ટ્રાન્ઝેક્શનનું સૌથી વિશ્વસનીય મોડલ આપી રહ્યું છે. છેલ્લા ૧૦ વર્ષમાં દેશ દ્વારા જે વિકાસ થયો છે તે જોઈને વિશ્વ આશ્ચર્યચકિત છે. જ્યારે વિશ્વના લોકો ભારતમાં આવે છે, ત્યારે તેઓ કહે છે કે ‘ભારત બદલાઈ રહ્યું છે’ તેઓ સ્પષ્ટપણે ભારતના કાયાકલ્પને, ભારતના પુનઃનિર્માણને જોઈ શકે છે. ભારત બદલાઈ રહ્યું છે કારણ કે દેશ તેના ૧૪૦ કરોડ નાગરિકોની ક્ષમતામાં વિશ્વાસ રાખે છે. ૧૪૦ કરોડ ભારતીયો હવે વિકસિત દેશ બનવાના સપના જોઈ રહ્યા છે. પીએમ મોદીએ કહ્યું કે આજે ૧૪૦ કરોડ ભારતીયો દરેક ક્ષેત્રમાં આગળ આવવાની તૈયારીમાં વ્યસ્ત છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.