Western Times News

Gujarati News

GTUના એસોસિએટ ડીન ડો. તેજલ આર.ગાંધીને ફેલોશીપ એવોર્ડ-2024 એનાયત થયો

વર્ષ 1994થી અપાતો એવોર્ડ મેળવનાર તેઓ પ્રથમ અને એકમાત્ર ગુજરાતી મહિલા

ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી સંલગ્ન અને શ્રી રામકૃષ્ણ સેવા મંડળ,આણંદ દ્વારા સંચાલિત આણંદ ફાર્મસી કોલેજના પ્રિન્સીપાલ ડો.તેજલ આર.ગાંધીને હૈદ્રાબાદમાં આયોજિત 73મી ફાર્માસ્યુટિકલ કોંગ્રેસમાંપ્રતિષ્ઠિત આઈ.પી.એ.(IPA) ફેલોશિપ એવોર્ડ-2024 એનાયત કરવામાં આવ્યો છે.

આ ઐતિહાસિક સિદ્ધિ ફાર્માસ્યુટિકલ સાયન્સક્ષેત્રમાં તેઓનાં નોંધપાત્ર યોગદાનને પ્રકાશિત કરે છે. એટલું જ નહીં , એ એક સીમાચિહ્નરૂપ પણ છે કારણ કે વર્ષ 1994થી અપાતો આ એવોર્ડ મેળવનાર તેઓ પ્રથમ અને એકમાત્ર ગુજરાતી મહિલા છે.

ડો.તેજલ ગાંધીની કારકિર્દી 31વર્ષથી પણ વધુ લાંબી છે. આ લાંબી કારકિર્દી દરમિયાન ડો.ગાંધીએ એકેડેમી,ફાર્માસ્યુટિકલ સંશોધન અને વહીવટી નેતૃત્વમાં અભૂતપૂર્વ યોગદાન આપ્યું છે. તેઓના બહોળા અનુભવ અને સમર્પણના પરિણામે તેઓએ 33 પ્રતિષ્ઠિત પુરસ્કારો મેળવ્યા છે. જે ફાર્માસ્યુટિકલ સંશોધન અને શિક્ષણમાં તેમનાં વૈવિધ્યપૂર્ણ યોગદાનની સાક્ષી પુરે છે.

ઉત્તમ માર્ગદર્શક તરીકે ડો.ગાંધીએ ફાર્માસ્યુટિકલ વિજ્ઞાનના 150 અનુસ્નાતક વિદ્યાર્થીઓ અને 12 ડોક્ટરલ ફેલોને માર્ગદર્શન આપ્યું છે. આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીયસ્તરે માન્યતાપ્રાપ્ત જર્નલમાં તેઓનાં 190થી વધુસંશોધનપત્રો પ્રકાશિત થયેલા છે. જે તેઓની વ્યાપકતા, સંશોધન કુશળતા તથા ફાર્માસ્યુટિકલ જ્ઞાનની પ્રતિબદ્ધતા પ્રકાશિત કરે છે.

ડો.તેજલ ગાંધી તેમની વિદ્વતાપૂર્ણ સિદ્ધિઓ માટે જ નહીં પણ એક શિક્ષક અને વક્તા તરીકેના તેમના યોગદાન માટે પણપ્રખ્યાત છે.તેઓએ અમેરિકા, કેનેડા, ડેન્માર્ક,જર્મની અને શ્રીલંકા તથા ભારતમાંઆંતરરાષ્ટ્રીય સ્તરે વ્યાખ્યાનો આપ્યાં છે. વિવિધ પ્રતિષ્ઠિત રાષ્ટ્રીય અનેઆંતરરાષ્ટ્રીય સામયિકો સમીક્ષક તરીકેની તેમની ભૂમિકા આ ક્ષેત્રમાંના તેઓના પ્રભાવને વધુ રેખાંકિત કરે છે.

ફાર્મસી વ્યવસાયમાં ડો.ગાંધીના ઉત્કૃષ્ટ યોગદાન અને ફાર્માસ્યુટિકલ સંશોધન બદલ આઇ.પી.એ. ફેલોશીપ સબ એવોર્ડ-2024 તેઓને એનાયત થયો છે. આ પુરસ્કાર મેળવનાર ગુજરાતની પ્રથમ અને એકમાત્રમહિલા તરીકેની તેમની સિદ્ધિ એ જ તેઓનાં વ્યવસાય પ્રત્યેની શ્રેષ્ઠ ભાવના અનેસમર્પણનો પુરાવો છે.જે ફાર્માસ્યુટિકલ સમુદાયમાં અસંખ્ય વ્યક્તિઓને પ્રેરણા આપેછે.

ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટીના સમગ્ર પરિવારે ડો.તેજલ ગાંધીની આ સિદ્ધિ પરત્વે ગૌરવ અને આનંદની લાગણી અનુભવી છે અને તે બદલ યુનિવર્સિટીના કુલપતિ ડો. રાજુલ કે.ગજ્જર અને કુલસચિવ ડો.કે.એન.ખેરે ડો.તેજલ ગાંધીને અભિનંદન પાઠવ્યા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.