Western Times News

Gujarati News

12 કરોડના ખર્ચે મહાત્મા ગાંધી શ્રમ સંસ્થાન ખાતે નવીન એનેક્ષી બિલ્ડિંગ તૈયાર થશે

*વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં કૌશલ્ય આધારિત શિક્ષણ ક્ષેત્રમાં નોંધપાત્ર વધારો થયો છે : કેબિનેટ મંત્રી શ્રી બલવંતસિંહ રાજપુત*

*’ઇન્ડસ્ટ્રીયલ હાઈજીન મોનિટરિંગ એન્ડ રિપોર્ટિંગ સિસ્ટમ’ પોર્ટલનું લોન્ચિંગ કરતા ઉદ્યોગ મંત્રી શ્રી બલવંતસિંહ રાજપુત*

આજરોજ મહાત્મા ગાંધી શ્રમ સંસ્થાન ખાતે રાજ્યના ઉદ્યોગ મંત્રી શ્રી બલવંતસિંહ રાજપુતના હસ્તે રૂ. 12 કરોડના ખર્ચે નિર્માણ પામવા જઈ રહેલ નવીન બિલ્ડિંગનું ખાતમુહૂર્ત તથા સુધારેલ ઓફિસનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ સાથે ‘ઇન્ડસ્ટ્રીયલ હાઈજીન મોનિટરિંગ એન્ડ રિપોર્ટિંગ સિસ્ટમ’ પોર્ટલનું લોન્ચિંગ પણ  મંત્રીશ્રીના હસ્તે કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે ઉદ્યોગ મંત્રી શ્રી બલવંતસિંહ રાજપુતે જણાવ્યું હતું કે, આજે મહાત્મા ગાંધી શ્રમ સંસ્થાન ખાતે રૂપિયા 12 કરોડના ખર્ચે નવા બિલ્ડિંગ નિર્માણનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે અને ટૂંક જ સમયમાં બિલ્ડિંગ નિર્માણની કામગીરી શરૂ કરવામાં આવશે. સરકાર હર હંમેશ પ્રયત્નશીલ છે કે, વિદ્યાર્થીઓને જ્ઞાન અને કૌશલ આપી રોજગારી પૂરી પાડવી અને ભારતના વિકાસમાં ગુજરાતનું મહત્ત્વપૂર્ણ યોગદાન રહેવાનું છે, એવું તેમણે ઉમેર્યું હતું.

મંત્રીશ્રીએ શ્રમિકો અને વિદ્યાર્થીઓની વાત કરતા જણાવ્યું હતું કે, નાનો – મોટો ઉદ્યોગ કરતા લોકો તથા શ્રમિકોની ચિંતા ગુજરાત સરકારનું શ્રમ અને રોજગાર વિભાગ તેમજ મહાત્મા ગાંધીશ્રમ સંસ્થાન હર-હંમેશ કરે છે અને તેમને તાલીમ આપી તેમના વિકાસ માટે પ્રયત્નશીલ રહે છે. આ બિલ્ડિંગ નિર્માણનું કાર્ય અને અનેક વિકાસનાં કાર્યો ભવિષ્યમાં કરવામાં આવશે, તેમ તેમણે ઉમેર્યું હતું.

મંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે, ઘણા વર્ષોથી યુ.એસ.એ., જાપાન અને યુરોપ જેવા દેશોમાં કૌશલ્ય આધારિત શિક્ષણ આપવામાં આવે છે, જ્યારે ભારતમાં 10 વર્ષ પહેલાં કૌશલ્ય આધારિત શિક્ષણનું પ્રમાણ 5% જેટલું જ હતું. પરંતુ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના સફળ નેતૃત્વ હેઠળ કૌશલ્ય આધારિત શિક્ષણ ક્ષેત્રમાં નોંધપાત્ર વધારો થયો છે, તેમ તેમણે ઉમેર્યું હતું.

મંત્રીશ્રીએ કહ્યું હતું કે, આજે ‘ઇન્ડસ્ટ્રીયલ હાઈજીન મોનિટરિંગ એન્ડ રિપોર્ટિંગ સિસ્ટમ’ પોર્ટલનું લોન્ચિંગ કરવામાં આવ્યું છે, જેથી શ્રમયોગીઓના કાર્યસ્થળ પર હાનિકારક તત્ત્વો જેવાકે, ઝેરી ગેસ, ધુમાડા, રજકણો અને ઘોંઘાટ જેવી બાબતોનું કાર્યસ્થળ પરના તાપમાન અને વેન્ટિલેશનનું અસરકારક રીતે મોનિટરિંગ થઈ શકે તેમજ આ સિસ્ટમથી કામગીરીમાં પારદર્શકતા અને અસરકારકતા લાવી શકાય અને શ્રમયોગીઓ નિરોગી રહે, તંદુરસ્ત રહે સાથે સાથે કાર્યસ્થળ આરોગ્યપ્રદ જળવાઈ રહે, તે સુનિશ્ચિત કરવાનું કામ કરશે, તેમ તેમણે જણાવ્યું હતું.

આ પ્રસંગે મહાત્મા ગાંધી શ્રમ સંસ્થાનના મહાનિયામક શ્રીમતી અંજુ શર્માએ જણાવ્યું હતું કે, મહાત્મા ગાંધી શ્રમ સંસ્થાનમાં કોરોનાના સમય દરમિયાન એટલે કે આજથી ત્રણ વર્ષ પહેલાં માત્ર ત્રણ કે ચાર કોર્સિસ ચાલતા હતા, પરંતુ આજે મહાત્મા ગાંધી શ્રમ સંસ્થાન ખાતે 11થી વધુ કોર્સ સ્નાતક, અનુસ્નાતક, પીજી ડિપ્લોમા તેમજ ડિપ્લોમા કક્ષાના વ્યાવસાયિક અભ્યાસક્રમો ચાલે છે. તેની સાથે સાથે શ્રમિકોનું સશક્તિકરણ, ક્ષમતા નિર્માણ, તાલીમ કાર્યક્રમ કાર્યશાળા જેવી પ્રવૃત્તિઓ વર્ષ દરમિયાન ચાલતી રહે છે. જેના દ્વારા ઉદ્યોગ જગતના સંદર્ભમાં શ્રમ શક્તિને સશક્ત બનાવવાનું કાર્ય આ સંસ્થા દ્વારા કરવામાં આવે છે, તેમ તેમણે ઉમેર્યું હતું.

આ કાર્યક્રમમાં લેબર કમિશનર શ્રી અનુપમ આનંદ, એમ.જી. એલ.આઇના કન્સલ્ટન્ટ શ્રી એચ.આર. સુથાર, સંસ્થાના અધિકારીશ્રીઓ, પ્રોફેસરો તથા વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.