Western Times News

Gujarati News

વિદેશ અભ્યાસ કરવા જઈ રહેલા પુત્રને વિદાય આપવા ગુનેગારના પેરોલ મંજૂર કર્યા

દુઃખના પ્રસંગમાં પેરોલ અપાય તો ખુશીના પ્રસંગમાં કેમ નહીં

મુંબઈ, દુઃખી પ્રસંગમાં પેરોલ આપી શકાતા હોય તો ખુશીના પ્રસંગમાં કેમ ન આપી શકાય એવી નોંધ કરીને બોમ્બે હાઈ કોર્ટે ઓસ્ટ્રેલિયા વધુ અભ્યાસ કરવા જઈ રહેલા પુત્રને વિદાય આપવા ગુનેગારના પેરોલ મંજૂર કર્યા હતા.

કોર્ટે જણાવ્યું હતું કે જેલમાં હોય ત્યારે આરોપીને તેમના પરિવારની બાબતોની વ્યવસ્થા કરવા અને ગુનેગારને બહારના વિશ્વવના સંપર્કમાં રહેવા થોડો સમય માટે શરતી જામીન આપવામાં આવે છે. ગુનેગાર પણ કોઈકનો પુત્ર, પતિ અથવા ભાઈ છે. જસ્ટિસ ભારતી ડાંગરે અને જસ્ટિસ દેશપાંડેએ ૯ જુલાઈના આદેશમાં જણાવ્યું હતું કે પેરોલ અને ફર્લોની જોગવાઈઓને સમયાંતરે માનવીય અભિગમ તરીકે જોવામાં આવે છે.

સરકારી પક્ષે દાવો કર્યો હતો કે પેરોલ સામાન્ય રીતે તાકીદની સ્થિતિમાં અપાય છે. શિક્ષણ માટે પૈસાની વ્યવસ્થા કરવા અને પુત્રને વિદાય આપવા માટે પેરોલ અપાતા નથી. કોર્ટને જોકે આ દલીલ ગળે ઉતરી નહોતી.

દુઃખની વાત લાગણી હોય તો ખુશી પણ એક જાતની લાગણી છે અને જો દુઃખ વહેંચવા પેરોલ અપાતું હોય તો ખુશીના પ્રસંગ માટે કેમ નહીં, એમ કોર્ટે જણાવ્યું હતું. કોર્ટે શ્રીવાસ્તવને દસ દિવસના પેરોલ આપ્યા હતા. તેને ૨૦૧૨માં હત્યાના કેસમાં કસૂરવાર ઠર્યો હતો અને જન્મટીપ ભોગવી રહ્યો છે. ૨૦૧૮માં કસૂરવાર ઠેરવ્યો હતો અને ૨૦૧૯માં સજા સામે અપીલ કરી હતી. અરજી અનુસાર તેનો પુત્ર ઓસ્ટ્રેલિયામાં અભ્યાસ કરવા જઈ રહ્યો છે અને તેની ફી રૂ. ૩૬ લાખ છે. આ રકમની વ્યવસ્થા કરવા એક મહિનાના પેરોલ માગ્યા હતા.

પેરોલ કે ફર્લો આપવાનો ઉદ્દેશ્ય કસૂરવારે તેની પારિવારિક જીવન સાથે સંપર્ક જાળવી શકે અને પરિવારના પ્રશ્નો ઉકેલી શકે તેનો છે.
જેલના જીવનની આડઅસરથી બચાવવા અને જીવનમાં સક્રિય રૂચિ દાખવી માનસિક સંતુલન જાળવી રાખી શકે તેમ જ ભવિષ્યને લઈને આશાવાદી બની રહે તે માટે પેરોલ કે ફર્લો આપવામાં આવતી હોવાનું હાઈકોર્ટે જણાવ્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.