Western Times News

Gujarati News

અમદાવાદ (ગ્રામ્ય) કોર્ટમાં ‘ઉજાસ : એક આશાનું કિરણ’ પહેલ દ્વારા છુટાછેડાના આરે પહોંચેલા ત્રણ દંપતીના લગ્નજીવનમાં ફરી ઉજાસ ફેલાયો

પ્રતિકાત્મક

અમદાવાદ ગ્રામ્ય કોર્ટ દ્વારા ત્રણ કેસોમાં સુખદ સમાધાન

ન્યાયાધીશશ્રી તથા તાલીમ પામેલ મીડિયેટર દ્વારા પક્ષકારોને પૂરું પાડવામાં આવે છે સુચારું માર્ગદર્શન –આ લોક અદાલતની આગામી સીટિંગ 20 જુલાઈના રોજ છે

ગુજરાત રાજ્ય કાનૂની સેવા અંતર્ગત ગુજરાત હાઇકોર્ટના ન્યાયમૂર્તિ શ્રીમતી સુનિતા અગ્રવાલ તથા એક્ઝિક્યુટિવ ચેરમેન વૈષ્ણવ દ્વારા શરૂ કરાયેલ વૈવાહિક વિવાદોના નિરાકરણ માટે પ્રિલીટીગેશન લોક અદાલતની પ્રણાલી રાજ્યમાં આવેલ તમામ કોર્ટોમાં પાયલોટ પ્રોજેક્ટ તરીકે પ્રસ્થાપિત કરવામાં આવેલ છે.

વર્તમાન સમયમાં ઘણા એવા કિસ્સા જોવા મળે છે કે દાંપત્યજીવનમાં સામાન્ય તકરાર કે તકલીફ થકી છૂટાછેડા સુધી વાત પહોચતી હોય છે અને પતિ-પત્ની એકબીજાથી અલગ થઈને નજીવી બાબતોમાં પોતાનું ઘર ભંગાણ કરતા હોય છે. આ પરિસ્થિતિને અટકાવવા માટે ગુજરાત હાઇકોર્ટ દ્વારા ‘ઉજાસ – એક આશાનું કિરણ’ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. Ek Asha no Kiran’ initiative rekindled the marriage life of three couples who were on the verge of divorce.

આ અભિયાન અંતર્ગત અમદાવાદ ગ્રામ્ય કોર્ટ દ્વારા અમદાવાદના જ ત્રણ કેસમાં સકારાત્મક પરિણામ મળ્યા છે.  ઘર ભંગાણના આરે પહોંચેલ ત્રણ પરિવારના લગ્નજીવનને બચાવવામાં આવ્યા છે. ઘાટલોડિયામાં રહેતાં પતિ-પત્ની દ્વારા વૈવાહિક તકરારના કારણે અરજી કરવામાં આવી હતી, તેવી જ રીતે ગોતા વિસ્તારમાં રહેતા એક દંપતી દ્વારા ઘર ખર્ચ બાબતે કંકાસ અંગેની ફરિયાદ કરવામાં આવી હતી

અને અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં આવતા કાયમી પ્રિલીટીગેશન લોક અદાલતમાં મૂકેલા ત્રીજા દંપતીના ઘરમાં પતિ દ્વારા માનસિક ત્રાસ આપવામાં આવતો હોવાની ફરિયાદ પત્ની દ્વારા કરવામાં આવી હતી. આ ત્રણેય કેસના પક્ષકારોને અમદાવાદ ગ્રામ્ય કોર્ટની મીડિયેટરશ્રીની બેન્ચે સાંભળ્યા હતા અને ત્રણેય કેસના બંને પક્ષકારોને સુચારું માર્ગદર્શન આપી પરસ્પર સુખદ સમાધાન કરાવ્યું હતું.

આમ, આ પહેલ હેઠળ વૈવાહિક તકરારનું સુખદ સમાધાન કરાયું હતું સાથે જ પધારેલ બંને તરફના પરિવારજનો અને વડીલોએ અમદાવાદ ગ્રામ્ય કોર્ટની ‘ઉજાસ – એક આશાનું કિરણ’ પહેલને બિરદાવી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે, જિલ્લા ન્યાયાલય અને અમદાવાદ ગ્રામ્ય કોર્ટના માર્ગદર્શન હેઠળ પ્રિલીટીગેશનની અમદાવાદ જિલ્લા ખાતે આ સુવિધા તારીખ 19/04/2024થી શરૂ કરવામાં આવી છે. વર્તમાન સમયમાં દંપતી સામાન્ય તકરારમાં તકલીફ પડે તો એકબીજાથી છૂટા થઈ જાય છે. આ પરિસ્થિતિમાં દંપતીને યોગ્ય અને કાયદાકીય રીતે તાલીમ પામેલા મીડિયેટર દ્વારા સમજાવવામાં આવે છે, જેથી તેમના વૈવાહિક સંબંધો અને તેમનું દાંપત્યજીવન ફરીથી શરૂ કરી શકાય છે.

આ લોક અદાલતની આગામી સીટિંગ તારીખ 20/07/2024ના રોજ રાખવામાં આવી છે. જેથી પોતાના વૈવાહિક સંબંધોમાં શાંતિપૂર્ણ સમાધાન લાવવા અને પરિવારમાં આશાની ઉજાસ પ્રજવલિત કરવા માટે જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, જિલ્લા ન્યાયાલય સંકુલ અથવા અમદાવાદ ગ્રામ્ય કોર્ટનો સંપર્ક કરી શકાશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.