Western Times News

Gujarati News

પાકના અવશેષોને આચ્છાદનના રૂપમાં જમીનને ઢાંકવાથી થાય છે અનેક ફાયદા

પ્રતિકાત્મક

આચ્છાદન શું છે? અને પ્રાકૃતિક ખેતીમાં આચ્છાદન શા માટે જરૂરી છે?

પ્રાકૃતિક કૃષિ એ આજના સમયની આવશ્યકતા થઈ છે. જો જળ, જમીન અને સ્વાસ્થ્યને સંતુલિત રાખવું હશે તો પ્રાકૃતિક ખેતીના માર્ગે અવશ્ય ચાલવું પડશે. આજે પ્રાકૃતિક ખેતીના તૃતીય આધારસ્તંભ આચ્છાદન વિશે માહિતગાર થઈએ.

આચ્છાદન એટલે શું ?

જો જમીનની ઉપરની સપાટી પર કુદરતી આવરણ બનાવવામાં આવે તો તેને આચ્છાદન કહેવામાં આવે છે. જમીનની ઉપરની સપાટી પર રહેતા સૂક્ષ્મ જીવો અને દેશી અળસિયાંને પ્રતિકૂળ વાતાવરણ જેવા કે તોફાન, અતિશય વરસાદ, ગરમી, ઠંડી કે અન્ય જોખમોથી બચાવવા માટે કુદરતી આવરણથી ઢાંકવામાં આવે છે, જેને આચ્છાદન કહે છે. જે સૂક્ષ્મ વાતાવરણ બનાવવા માટે ખૂબ જ જરૂરી છે.

આચ્છાદનના પ્રકારો :- પ્રાકૃતિક ખેતીમાં આચ્છાદન (મલ્ચિંગ) મુખ્યત્વે ત્રણ રીતે કરવામાં આવે છે.

( 1 ) મૃદાચ્છાદાન ( માટીનું મલ્ચિંગ ) :-

જમીનને માટી અને વનસ્પતિના અવશેષોથી ઢાંકવાની પ્રક્રિયાને મૃદાચ્છાદાન કહેવાય છે.

( 2 ) કાષ્ટાચ્છાદાન ( વનસ્પતિના અવશેષોનું મલ્ચિંગ ) :-

પાકના અવશેષોથી માટીને ઢાંકવાને કાષ્ટાચ્છાદાન કહેવામાં આવે છે.

( 3 ) સજીવાચ્છાદાન ( આંતરપાક/મિશ્રપાકોનું મલ્ચિંગ ) :-

મુખ્ય પાકોમાં સહ-પાકનું વાવેતર કરીને કરવામાં આવતા આવરણને સજીવાચ્છાદાન કહેવામાં આવે છે.

પ્રાકૃતિક ખેતીમાં આચ્છાદનનું મહત્ત્વ :-

  • આચ્છાદન જમીનની સજીવતા અને ઊર્જાશક્તિને બચાવવાનું કાર્ય કરે છે. જેનાથી સૂક્ષ્મ વાતાવરણનું નિર્માણ થાય છે તથા દેશી અળસિયા ઉપરની સપાટી પર આવે છે જેથી જમીન મુલાયમ અને ફળદ્રુપ બને છે અને આ જમીનમાં જીવદ્રવ્યનું નિર્માણ થાય છે. આચ્છાદનથી ભેજ ઊડતો નથી અને જમીનમાં ભેજ જળવાઈ રહે છે. વળી વનસ્પતિના અવશેષોનું કોહવાણ થવાથી સેન્દ્રીય કાર્બનનું પ્રમાણ વધે છે. આ ઉપરાંત સૂક્ષ્મ જીવાણુઓની સંખ્યા વધવાથી જમીન જીવંત બને છે.

આચ્છાદનના મુખ્ય ફાયદા :-  આચ્છાદન કુદરતી રીતે વાફસા બનાવે છે એટલે કે ભેજ અને હવાનું પ્રમાણ જાળવી રાખે છે.

  • જમીનમાં સૂક્ષ્મ પર્યાવરણની રચના થાય છે જે પાકને જરૂરી તમામ પોષક તત્ત્વો પૂરા પાડે છે તેમજ આચ્છાદનના વિઘટન દ્વારા નવા સૂક્ષ્મજીવો પુનઃજીવિત થઈ શકે છે.
  • આવરણ દ્વારા બાષ્પીભવન ઘટે છે તેથી જમીનની ભેજ જળવાઈ રહેતી હોવાથી પાણીની બચત થાય છે.
  • બિનજરૂરી છોડના બીજ જમીનમાં અંકુરિત થઈ શકતા નથી કારણ કે સૂર્યપ્રકાશ જમીન પર સીધો પડતો નથી, તેથી કુદરતી નીંદણ નિયંત્રિત થાય છે.
  • માટીનો કાર્બન હવામાં ઓગળતો નથી, તેથી પર્યાવરણનું રક્ષણ થાય છે અને પાકને જરૂરી કાર્બન જમીનમાં જ રહે છે.
  • જમીનને ઢાંકવાથી વરસાદ, પવન, સૂર્યપ્રકાશ અને બાહ્ય વાતાવરણથી હ્યુમસ (ભેજ) સુરક્ષિત રહે છે અને વધે છે.
  • ~ વ્રજ મણિયાર

Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.