Western Times News

Gujarati News

સાબરકાંઠામાં ચાંદીપુરા વાઇરસથી વધુ એક બાળકનું મોત

share broker suicide

પ્રતિકાત્મક

બાળક બે દિવસથી હિંમતનગરમાં સારવાર હેઠળ હતોઃ તંત્ર એક્શનમાં

(એજન્સી)હિંમતનગર, સાબરકાંઠામાં ચાંદીપુરા વાઇરસથી વધુ એક બાળકનું મોત થયું છે. આમ ચાંદીપુરા વાઇરસ તેનો વિકરાળ પંજો ફેલાવી રહ્યો છે. અરવલ્લીના ઢેકવાનીમાં ત્રણ વર્ષના બાળકનું ચાંદીપુરા વાઇરસના લીધે મોત થયું છે. હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેનું મોત થયું છે.

બાળક બે દિવસથી હિંમતનગરમાં સારવાર હેઠળ હતો. આમ ચાંદીપુરાથી મૃત્યુ પામેલાનો આંક છ પર પહોંચ્યો છે. છેલ્લા ઘણા સમયથી સાબરકાંઠા જીલ્લામાં ચાંદીપુરા વાયરસને લઈ લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. સાબરકાંઠા જીલ્લામાં ચાંદીપુરા વાયરસનો વધુ એક કેસ પ્રકાશમાં આવ્યો છે. ત્યારે વડાલીનાં નવા ચામુંમાં શ્રમિક પરિવારની બાળકીમાં ચાંદીપુરા વાયરસનાં લક્ષણો જોવા મળતા પરિવારજનો ચિંતાતુર બની જવા પામ્યા હતા.

હાલ બાળકીને હિંમતનગર હોસ્પિટલમાં ઓબ્ઝર્વેશન હેઠળ રાખવામાં આવ્યા છે. રાજ્યમાં અત્યાર સુધીમાં ચાંદીપુરા વાયરસથી ૫ બાળકોનાં મોત નીપજ્યા છે. જ્યારે હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં ૪ બાળકો સારવાર હેઠળ વધુ એક કેસ પ્રકાશમાં આવતા આરોગ્ય તંત્ર દોડતું થઈ જવા પામ્યું હતું.

ચાંદીપુરા વાયરસનાં લક્ષણો બાબતે ડોક્ટરે જણાવ્યું હતું કે, આરોગ્ય વિભાગ દ્વારા બાળકોનાં પરિવારજનોનાં સેમ્પલ લઈ તેને પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા છે. હાલ હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં કુલ ૬ સંક્રમિત બાળકો દાખલ છે. જેમાંથી ખેડબ્રહ્માનાં એક બાળકનું મોત થયું છે. જ્યારે અરવલ્લી જીલ્લાનાં ભિલોરાનાં બે બાળકોનાં મોત થયા છે. તેમજ અત્યા સુધી કુલ પાંચ બાળકોનાં સેમ્પલ લઈ પુણેની લેબોરેટરીમાં પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા છે. આરોગ્ય વિભાગ દ્વારા વાયરસને પગલે ગુજરાતમાં યુદ્ધનાં ધોરણે સર્વે શરૂ કરવામાં આવ્યો છે.

ચાંદીપુરા વાયરસનાં કેસોમાં દર્દીઓને તાવ આવે, ઉલ્ટી થાય, શ્વાસ લેવામાં તકલીફ પડે તેમજ મગજનો તાવ જેવા લક્ષણો દેખાય છે. પ્રાથમિક તબક્કે આ રોગની ઓળખ કરવી મુશ્કેલ છે. ત્યારે ચાંદીપુરા વાયરસ મોટાભાગે ૧૦ વર્ષથી ઓછી વયનાં બાળકોમાં જોવા મળે છે. આ વાયરસ ખૂબ જ જીવલેણ છે. તેમજ આ વાયરસથી સંક્રમિત થયેલ વ્યક્તિને તાત્કાલીક સારવાર મળવી જરૂરી છે.

સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં ચાંદીપુરા વાઇરસના શંકાસ્પદ કેસ સામે આવ્યા બાદ હવે હિંમતનગર સિવિલમાં તૈયારીઓ પૂરજોશમાં હાથ ધરાઈ છે. સિવિલ હોસ્પિટલમાં બાળકો માટે અલગથી આઈસીયું તૈયાર કરવામાં આવ્યું છે. જ્યાં બાળકોને માટે ૧૫ બેડની વ્યવસ્થા કરવામાં આવી છે. આ ઉપરાંત અન્ય વધારાના તાત્કાલીક સારવારની વ્યવસ્થા કરવામાં આવી છે. આ ઉપરાંત સિવિલમાં વધારાનો વોર્ડ પણ તૈયાર કરવામાં આવ્યો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.