એલિસબ્રિજ જીમખાના નજીક આંગડિયા પેઢીના રૂ.૪૦ લાખ લૂંટનારા ઝડપાયા
પોલીસે એક નહીં પરંતુ ત્રણ ગુનાના ભેદ ઉકેલ્યા
(એજન્સી)અમદાવાદ, તાજેતરમાં અમદાવાદના એલિસબ્રિજ વિસ્તારમાં આંગડિયા પેઢીના કર્મચારીને માર મારીને ૪૦ લાખની લુંટનો બનાવ બન્યો હતો. આ મામલે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે બે આરોપીઓની ધરપકડ કરી છે. આરોપીઓએ ચોરી કરેલા એકટીવાનો કલર બદલીને લૂંટને અંજામ આપ્યો હોવાની વિગતો સામે આવી છે.
તે ઉપરાંત જાન્યુઆરી ૨૦૨૩માં જમાલપુરમાં થયેલી લૂંટનો ગુનો અને એલીસબ્રીજમાં થયેલી લૂંટનો ગુનો આરોપીની બાઈક ચલાવવાની સ્ટાઈલથી ઉકલેવામાં આવ્યો છે. પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
પ્રાપ્ત વિગતો પ્રમાણે ૧૦ જુલાઈના રોજ કલગી ચાર રસ્તાથી લા ગાર્ડન તરફ આર.કાંતિલાલ આંગડિયા પેઢીના બે કર્મચારીઓ રીક્ષામાં બેસીને ૪૦ લાખની રોકડ લઈને જઈ રહ્યા હતા. જે રીક્ષાને એક્ટિવા પર આવેલા બે શખ્સોએ રોકી હતી અને થેલો ઝૂંટવવાનો પ્રયાસ કર્યો હતો.
આ દરમિયાન ઝપાઝપી થઈ હતી જેથી એક્ટિવા આવેલા વ્યક્તિએ એરગનથી ફાયરિંગ કર્યું હતું. બંદૂક દ્વારા આંગડિયા પેઢીના કર્મચારીને માથામાં ઈજા કરી હતી. ૪૦ લાખ રૂપિયા લૂંટીને બંને આરોપીઓ ફરાર થઈ ગયા હતા. એલીસબ્રીજ પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી તેની સાથે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા પણ તપાસ શરૂ કરાઈ હતી.
અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે એકટીવાના નંબર અંગે તપાસ કરી તો નંબર પ્લેટ ખોટી હોવાનું સામે આવ્યું હતું. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ૪૦૦ જેટલા સીસીટીવી ફૂટેજ તપાસ્યા હતા. આ તપાસ દરમિયાન એક્ટિવા પણ ચોરીનું હોવાનું સામે આવ્યું હતું. જે સફેદ કલરનું હતું પરંતુ તેને કાળો કલર કરવામાં આવ્યો હતો. આરોપીઓએ એક્ટિવા લઈ ફતેવાડી વિસ્તારમાં જઈને કપડા બદલી દીધા હતા
અને જૂના કપડાં પણ એક્ટિવાની ડેકીમાં મૂકી દીધા હતા. આરોપી એક્ટિવા મૂકીને અલગ અલગ શટલ રિક્ષા મારફતે દાણીલીમડા ગયા હતા. પોલીસે દાણીલીમડા સુધી આરોપીઓને ટ્રેક કર્યા હતા. દાણીલીમડામાં જ આરોપી હોવાની જાણ થતાં પોલીસે તપાસ શરૂ કરી હતી.
પોલીસે બાતમીના આધારે જફર ઇકબાલ રંગરેજ અને મોહમંદ જાવેદ રંગરેજની ધરપકડ કરી હતી. આરોપી પાસેથી ૩૫.૫૮ લાખ રૂપિયા કબ્જે કરવામાં આવ્યા હતા.
આરોપીઓની તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે છેલ્લા ત્રણ મહિનાથી જમાલપુર બ્રિજ નીચે બેસીને આંગડિયા પેઢીના માણસોની રેકી કરી હતી. ૧૦ જુલાઈએ રીક્ષામાં આંગડિયા પેઢીના કર્મચારીઓનો પીછો કરીને મોકો મળતા લૂંટને અંજામ આપ્યો હતો.
લૂંટના પૈસામાંથી જફર ઇકબાલને ૧ લાખ જ આપવામાં આવ્યા હતા. મોહમંદ જાવેદે લૂંટના પૈસામાંથી ૩.૫ લાખ રૂપિયા દેવું ચૂકવવા આપી દીધા હતા. આરોપી મોહમંદ જાવેદ રંગરેજે અગાઉ જાન્યુઆરી ૨૦૨૩માં આંગડિયા પેઢીના કર્મચારીને જમાલપુરમાં લાકડાનો ફાટકથી હુમલો કરી ૨૮ લાખની લૂંટને અંજામ આપ્યો હતો. આ લુંટમાં પણ ચોરીના એક્ટિવાનો ઉપયોગ કર્યો હતો.