Western Times News

Gujarati News

ઉત્તર પ્રદેશમાં ભારે વરસાદઃ પૂરના પાણીમાં ૬૦ ગામડા ગરકાવ

(એજન્સી)લખનૌ, ઉત્તર પ્રદેશમાં ભારે વરસાદના કારણે છેલ્લાં ૨૪ કલાકમાં ૧૦ લોકોનાં મોત થયા છે તો ૨૦ જિલ્લામાં પૂરના કારણે ૬૦ જેટલાં ગામડાઓ ડૂબી ગયા છે. તેની વચ્ચે હવામાન વિભાગે મધ્ય પ્રદેશ-રાજસ્થાન સહિત ૧૭ રાજ્યમાં ભારે વરસાદનું અલર્ટ આપ્યું છે. ભારતના વિવિધ રાજ્યોમાં આકાશમાંથી એટલું પાણી વરસ્યું કે જનજીવનને ભારે અસર થઈ છે.

કેટલાંક રાજ્યના નીચાણવાળા વિસ્તારોમાં તો લોકોને બે ટંક ખાવાના પણ ફાંફા પડી ગયા છે. અસમના મોરેગાંવ ગામમાં હજુ પણ પૂરના પાણી ઓસર્યા નથી. બ્રહ્મપુત્રા નદીમાં જળસ્તરમાં સામાન્ય ઘટાડો નોંધાયો છે. મોરેગાંવના આકાશી દ્રશ્યો સામે આવ્યા છે. જેમાં જોઈ શકાય છે કે જ્યાં સુધી નજર ત્યાં સુધી પાણી જ પાણી છે. પાણી ન ઉતરતાં મોરેગાંવના લોકોની હાલત કફોડી બની ગઈ છે. કારણ કે પૂરના પાણીમાં ઘરવખરી પલળી ગઈ હતી જેના કારણે બે ટંક ખાવાના પણ ફાંફા છે…

ઉત્તર પ્રદેશના સિદ્ધાર્થનગર વિસ્તારમાં નીચાણવાળા વિસ્તારોમાં પૂરના પાણી ફરી વળ્યા છે. જેના કારણે લોકો ઉંચાઈવાળા વિસ્તારમા ટેન્ટ બાંધીને જીવન ગુજારવા મજબૂર બન્યા છે. આ તરફ વારાણસીમાં ગંગા નદી બેકાંઠે વહી રહી છે. જેના કારણે નદીકાંઠે આવેલું રત્નેશ્વર મહાદેવનું મંદિર પાણીમાં ડૂબી ગયું છે. ગંગા નદીમાં સતત જળસ્તર વધી રહ્યું છે જેના કારણે અનેક નીચાણવાળા વિસ્તારોમાં અલર્ટ આપવામાં આવ્યું છે.

આ તરફ મુંબઈમાં ફરી એકવાર વરસાદ શરૂ થઈ ગયો છે. જેના કારણે શહેરના અનેક વિસ્તારોમાં રસ્તા પર પાણી ભરાવાની શરૂઆત થઈ ગઈ છે. અઠવાડિયા પહેલાં માત્ર ૬ કલાકના વરસાદે મુંબઈને પાણી-પાણી કરી નાંખ્યું હતું ત્યારે ફરી એકવાર શરૂ થયેલા વરસાદે માયાનગરીના લોકોની મુસીબત વધારી દીધી છે. મુંબઈમાં મરીન ડ્રાઈવ પાસે દરિયામાં ભારે કરંટ જોવા મળી રહ્યો છે.

ભારે વરસાદની આગાહી વચ્ચે હવામાન વિભાગે દરિયમાં હાઈટાઈડની ચેતવણી આપી છે. દક્ષિણ ભારતના રાજ્ય તમિલનાડુમાં પણ ભારે વરસાદના કારણે નદી-નાળા નવા નીરથી છલકાઈ ઉઠ્‌યા છે. નિલગિરિ જિલ્લામાં મૂશળધાર વરસાદના કારણે શાળાઓમાં રજા જાહેર કરી દેવામાં આવી છે. આ દ્રશ્યો નવી દિલ્લીના જનપથ વિસ્તારના છે.

અહીયા ફ્લાયઓવરની નીચેના ભાગમાં વરસાદી પાણી ભરાઈ જતાં વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે. હવામાન વિભાગે દેશના ૧૭ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી કરી છે.. જેના કારણે તે રાજ્યોમાં લોકોએ સાવધાન રહેવું પડશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.