Western Times News

Gujarati News

‘અમારા કામ થતા નથી’ :  BJPના ધારાસભ્યોની સાગમટે રજુઆત

અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનની દર મહિને મળતી MP-MLAસંકલન સમિતિની બેઠકમાં ભારતીય જનતા પાર્ટીના (BJP)  ધારાસભ્યોએ પોતાનો બળાપો વ્યકત કર્યો હતો

(પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ શહેર ભાજપના ધારાસભ્ય એક શૂરે ફરિયાદ કરી રહયા છે કે ‘અમારા કામ થતા નથી’ શનિવારે સવારે મળેલી જિલ્લાની બેઠક તેમજ સાંજે મળેલી મ્યુનિ. સંકલન સમિતિમાં ભાજપના ધારાસભ્યોએ કલેકટર અને કમિશનર સમક્ષ પોતાનો ઉભરો ઠાલવ્યો હતો જેનાથી એ બાબત સ્પષ્ટ થઈ રહી છે કે ચુંટાયેલી પાંખ વહીવટી તંત્ર સામે નબળી પડી રહી છે.

અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનની દર મહિને મળતી એમ.પી.એમ.એલ.એ સંકલન સમિતિની બેઠકમાં ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યોએ પોતાનો બળાપો વ્યકત કર્યો હતો તેમજ તેમની અનેક રજુઆતો છતાં કોઈ જ કામ થતા નથી તેવી ફરિયાદ કમિશનર સમક્ષ કરી હતી. મણિનગરના ધારાસભ્ય અમુલ ભટ્ટે નારોલ તળાવ ડેવલોપ કરવા અંગે રજુઆત કરતા કહયું હતું કે સદર તળાવના વિકાસ માટે અનેક વખત રજુઆત થઈ છે પરંતુ અધિકારીઓ આંખ આડા કાન કરી રહયા છે.

શું આ તળાવમાં દબાણ થયા બાદ તેના વિકાસની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે તેવો પ્રશ્ન પણ તેમણે કર્યો હતો. અમરાઈવાડીના ધારાસભ્ય ડો. હસમુખ પટેલે હાટકેશ્વર બ્રીજ અંગે રજુઆત કરતા જણાવ્યું હતું કે હું દિવસમાં ચાર વખત આ બ્રીજ પરથી પસાર થવું છું ત્યારે મને પણ ભય લાગી રહયો છે સદર બ્રીજ અંગે તાકિદે નિર્ણય લેવામાં આવે અથવા તો તેને હેરીટેઝમાં મુકવામાં આવે તેવો કટાક્ષ પણ તેમણે કર્યો હતો.

ધારાસભ્યો દ્વારા ગેરકાયદેસર દબાણ, બાંધકામો, રીઝર્વ પ્લોટ પર થયેલા કબજા અંગે જયારે પણ ફરિયાદ કરવામાં આવે છે ત્યારે અધિકારીઓ દ્વારા ધારાસભ્યોના નામ જાહેર કરવામાં આવે છે તેવી ફરિયાદ નરોડાના મહિલા ધારાસભ્યે તથા જમાલપુરના ઈમરાન ખેડાવાલાએ કરી હતી આ ફરિયાદ સાંભળી કમિશનર પણ ચોંકી ઉઠયા હતા.

જમાલપુરના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાએ હાઈકોર્ટ દ્વારા નડતરરૂપ ધાર્મિક સ્થાનો દુર કરવા અંગે પ્રશ્ન કર્યો હતો તેના જવાબમાં કમિશનરે જણાવ્યું હતું કે ધાર્મિક સ્થાનોને ત્રણ કેટેગરીમાં મુકવામાં આવ્યા છે પ્રથમ કેટેગરીમાં જે ધાર્મિક સ્થાન રેગ્યુલર થતા હોય તો તેમને નિયમિત કરવા, બીજી કેટેગરીમાં જે ધાર્મિક સ્થાનની જગ્યા બદલવા લાયક હોય તે તેને ટ્રાન્સફર કરવા અને ત્રીજી કેટેગરીમાં કોઈ જ વિકલ્પ રહયો ન હોય તેવા ધાર્મિક સ્થાનને દુર કરવામાં આવશે તેમ કમિશનરે જણાવ્યું હતું.

ઈમરાન ખેડાવાલાએ તેમની રજુઆત કરતા જણાવ્યું હતું કે રથયાત્રા રૂટ ડેવલપ કરવા માટે દર વર્ષે બજેટ ફાળવવામાં આવે છે અને તેના નકશા પર તૈયાર કરવામાં આવે છે પરંતુ રૂટ ડેવલપ થતો નથી. અમદાવાદ શહેરમાં કોર્પોરેશન દ્વારા ચારપાંચ દાયકા અગાઉ જે ફ્રીશ કે મટન માર્કેટ બનાવવામાં આવ્યા છે તેમાં કોઈ જ સુધારો કે બદલાવ આવ્યો નથી તેથી તે સ્થળે નવા હાઈજેનીક માર્કેટ બનાવવામાં આવે તેવી રજુઆત પણ તેમણે કરી હતી.

આ અગાઉ સવારે કલેકટર કચેરી ખાતે મળેલી મીટીંગમાં એલીસબ્રીજના ધારાસભ્ય અમિત શાહે અશાંતધારાના અમલની માંગ કરી હતી તેમજ સરકારી જમીન પર થયેલા દબાણો દુર કરવાના કેસ ડેપ્યુટી કલેકટર ચાલતા હોવા છતાં તેનો નિકાલ કરવામાં આવતો નથી. વેજલપુરના ધારાસભ્ય અમિત ઠાકરે મકરબા વિસ્તારમાં મોટા ફલેટોની સ્કીમ બની રહી છે. જમીન માલિક અને વેચાણ કરતા બે એકજ સમાજના હોવા છતાં તેમાં અન્ય લોકોને ફલેટ વેચી અશાંત ધારાનો ભંગ કરવામાં આવી રહયો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.