Western Times News

Gujarati News

ગાંધીનગરની વૃદ્ધા સાથે ટોળકીની રૂ.૬૦ લાખની છેતરપિંડી

મની લોન્ડરીંગ કેસના સ્લીપર સેલ સાથે કનેકટેડ હોવાનો ઠગ ટોળકીએ કારસો રચ્યો

(એજન્સી)ગાંધીનગર, મની લોન્ડરીંગ કેસના સ્લીપર સેલ સાથે કનેકશન હોવાનો કારસો રચી સીબીઆઈ અને ડીસીપી અધિકારીના નામે વાતચીત કરાવી ઠગ ટોળકીએ ગાંધીનગરની વૃદ્ધા સાથે રૂપિયા ૬૦ લાખની છેતરપિંડી આચરી હોવાનો ઓનલાઈન ફ્રોડનો બનાવ ગાંધીનગર રેન્જ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં નોંધાયો છે. સરગાસણમાં રહેતા પ્રીતિબેન ગુપ્તા એનજીઓમાંથી ર૦ર૩માં નિવૃત્ત થયા હતા. તેમના પતિ રાજસ્થાનામાં એનજીઓમાં સેવા આપે છે.

ગત ૩ જુલાઈએ પ્રીતિબેનના મોબાઈલમાં ફેડેક્સ કુરિયરથી રેકોર્ડડ વોઈસ કોલ આવ્યો હતો. જેમાં એક્ઝિક્યુટિવ સાથે વાત કરવા માટે કી-પેડ ઉપર નંબર પ્રેસ કરવાનું કહેવાયું હતું. જેથી તેમણે એ મુજબ પ્રોસેસ કરતાં એક્ઝિક્યુટિવ અર્જુન નેગી નામની વ્યક્તિએ જણાવ્યું કે, તમારા દ્વારા તાઈવાન ખાતે જે પેકેટ મોકલવામાં આવ્યું છે તે પેકેટ કસ્ટમમાં અટકયું છે તેમાંથી પાસપોર્ટ, ક્રેડિટ કાર્ડ અને નાર્કોટિકસ મળી આવ્યું છે.

જો કે, પ્રીતિબેને કોઈ પેકેટ તાઈવાન મોકલ્યું નહીં હોવાનો ખુલાસો કરી પોલીસ સ્ટેશને જઈને ફરિયાદ કરવાની તૈયારી દર્શાવી હતી. જેથી એક્ઝિક્યુટિવ અર્જુને તમારા નામથી સાયબર ફ્રોડ થયો છે. પહેલાં તમે મુંબઈ ક્રાઈમમાં ઓનલાઈન ફરિયાદ લખાવો. હું તમને લિંક કરી આપું તેમ જણાવી ફોન કોલ ઈન્સ્પેકટર અજય બંસલ સાથે લિંક કરી આપ્યો હતો. બાદમાં ઈન્સ્પેકટરના કહેવાથી પ્રીતિબેને પોતાનો વોટ્‌સએપ નંબર થકી આધાર કાર્ડ મોકલી આપ્યું હતું.

બાદમાં તેમનો ફોન સીબીઆઈના કોઈ ઓફિસર સાથે લિંક અપ કર્યો અને તેમાં કહેવાયું હતું કે, મુહમ્મદ નવાબ ઈસલામ મલિક કે જે મુંબઈ મનિ લોન્ડરીંગ કેસમાં હાલ જેલમાં છે તેમના સ્લીપર સેલ હાલમાં એક્ટિવ છે અને તમારો આ કેસ તેની સાથે કનેકટેડ છે તેવું રેકો‹ડગ સંભળાવ્યા બાદ આ કેસ ડીસીપી બાલસિંગ રાજપૂત સંભાળશે અને તે નિર્ણય લેશે.

તેમ જણાવી ફાઈનાન્સિયલ વેરીફીકેશનના બહાને પ્રીતિબેનના બધા જ બેન્ક ખાતાની તેમજ ઈન્વેસ્ટમેન્ટની વિગતો મેળવી ૩ જુલાઈથી ૧૦ જુલાઈ સુધીમાં પ્રીતિબેન સાથે મોબાઈલ મારફતે સતત વાતચીત કરી તેમનું તમામ ઈન્વેસ્ટમેન્ટ લીકવીડેટ કરાવી ૬૦ લાખથી વધુની રકમ આરટીજીએસ થકી ટ્રાન્સફર કરાવી લીધી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.