રાજપારડી ગામે રહેતી શિક્ષિકાનું સૌરાષ્ટ્ર ખાતે રહેતા પીયરીયા દ્વારા અપહરણ કરાતા ચકચાર
રાજપારડી નજીકના ગામે શિક્ષિકા તરીકે નોકરી કરતી યુવતીએ યુવક સાથે કરેલ પ્રેમલગ્ન તેના પરિવારને પસંદ ન હતું
(તસ્વીરઃ વિરલ રાણા, ભરૂચ) ભરૂચ જીલ્લાના ઝઘડિયા તાલુકાના રાજપારડી ખાતે રહેતી અને નજીકના એક ગામે શિક્ષિકા તરીકે નોકરી કરતી યુવતીને સૌરાષ્ટ્ર ખાતે રહેતા તેના પીયરીયા દ્વારા અપહરણ કરીને લઈ જવાતા યુવતીના પતિએ રાજપારડી પોલીસમાં ફરિયાદ લખાવી હતી.
આ અંગે રાજપારડી પોલીસ માંથી મળતી વિગતો મુજબ રાજપારડી નજીકના એક ગામે શિક્ષિકા તરીકે નોકરી કરતી મુળ સૌરાષ્ટ્રની એક યુવતીને રાજપારડી ગામના બિમલશરણ પટેલ નામના યુવક સાથે પ્રેમસંબંધ બંધાતા ગત તા.૨૪ મી માર્ચ ૨૦૨૪ નારોજ બન્નેએ ઝઘડિયા ખાતે લગ્ન કર્યા હતા અને ત્યારબાદ તેઓ બન્ને રાજીખુશીથી રાજપારડી ખાતે રહેતા હતા.દરમ્યાન ગતરોજ તા.૨૨ મીના રોજ શિક્ષિકા તેની સાથે નોકરી કરતી અન્ય શિક્ષિકા સાથે તેમની ગાડીમાં બેસીને નોકરીએ ગઈ હતી.
ત્યાર બાદ સવારના સાડા દસ આસપાસના સમયે ભરૂચ ગયેલ બિમલશરણ પર તેની શિક્ષિકા પત્નીનો ફોન આવ્યો હતો અને તે ગભરાયેલી હાલતમાં કહેતી હતી કે મારા પપ્પા,ભાઈ તેમજ બીજા માણસો ગાડી લઇને આવ્યા છે અને મને લઈ જાય છે,મને બચાવો આમ કહેતા તેનો બંધ થઈ ગયો હતો.ત્યાર બાદ શિક્ષિકા જેની ગાડીમાં બેસીને નોકરીએ જવા નીકળી હતી તે શિક્ષિકાને બિમલશરણે ફોન કરતા જાણવા મળેલ કે તે લોકો શાળાએ જઈ રહ્યા હતા
તે દરમ્યાન રસ્તામાં એક ફોર વ્હિલર ગાડી આવીને અમારી ગાડીની આગળ આવીને આડી ઉભી રહી ગઈ હતી, જેથી અમે લોકો ગભરાઈ હતા. એ ગાડીની નંબર પ્લેટ પર કાદવ લાગેલ હોઈ નંબર જણાયેલ નહિ.ત્યાર બાદ બીજી એક ફોર વ્હિલર ગાડી પણ શિક્ષિકાઓ બેસેલ તે ગાડીની પાછળ આવીને ઉભી રહી ગયેલ,તે ગાડીનો નંબર જોઈ શકાયો ન હતો.
ત્યાર બાદ પાછળની ગાડીમાંથી ત્રણ ઈસમો તેમજ આગળની ગાડીમાંથી બે ઈસમો નીચે ઉતર્યા હતા.આ લોકો માંથી સદર શિક્ષિકાના પિતાને સાથી શિક્ષિકાએ ઓળખી લીધા હતા.શિક્ષિકાના પિતાએ સળિયાથી ગાડીના કાચ તોડી નાંખીને તેણીને ગાડીમાંથી બહાર ખેંચી કાઢીને બળજબરીથી તેમની ગાડીમાં બેસાડી દેતા શિક્ષિકાએ બચાવો બચાવો એમ બુમો પાડી હતી.
ત્યાર બાદ તે લોકો બન્ને ગાડીઓ લઇને ત્યાંથી જતા રહ્યા હતા.અપહરણ કરવામાં આવેલ શિક્ષિકાના પતિ બિમલશરણ પટેલે રાજપારડી પોલીસમાં લખાવેલ ફરિયાદમાં આ બનાવનું કારણ જણાવ્યા મુજબ તેમણે શિક્ષિકા સાથે એકબીજાની રાજીખુશીથી કરેલ પ્રેમલગ્ન શિક્ષિકાના પીયરીયાઓને પસંદ ન હોવાથી શિક્ષિકાના પિતા બાબાભાઈ અનકભાઈ ગોવાળીયા તથા તેમનો દિકરો જયરાજ બાબાભાઈ ગોવાળીયા તેમજ તેમની સાથે આવેલ માણસીભાઈ નામનો ઈસમ અને બીજા ઈસમો દ્વારા પુર્વઆયોજિત કાવતરું રચીને સદર શિક્ષિકાનું અપહરણ કરી ગયા હતા.
રાજપારડી પોલીસે શિક્ષિકાના પતિ બિમલશરણ પટેલની ફરિયાદ મુજબ તેમની શિક્ષિકા પત્નિનું અપહરણ કરવાના ગુના હેઠળ શિક્ષિકાના પિતા બાબાભાઈ અનકભાઈ ગોવાળીયા રહે.ગામ ધ્રુફણીયા જિ.બોટાદ તેમજ ભાઈ જયરાજભાઈ બાબાભાઈ ગોવાળીયા રહે.ગામ થાનગઢ જી.સુરેન્દ્રનગર તથા માણસીભાઇ નામનો ઈસમ અને અન્ય બે ઈસમો વિરુધ્ધ ગુનો નોંધી કાયદેસર તપાસ હાથ ધરી હતી.