છેતરપીંડીઃ ગામલોકોને ખોટો વિશ્વાસ આપીને જમીન બક્ષિસમાં મેળવી 42 વર્ષથી ગામનો કોઈ વિકાસ ટ્રસ્ટે કર્યો નહિં
 
        બાયડના બોરોલ ગામે યુવક વિકાસ ટ્રસ્ટે જમીનનો શરતો મુજબ ઉપયોગ નહીં કરી શરતભંગ કરતાં ગ્રામજનોની ઉચ્ચ કક્ષાએ રજુઆત
(તસ્વીરઃ દિલીપ પુરોહિત, બાયડ) બાયડ તાલુકાના બોરોલ ગામે વર્ષો પહેલા ચેરિટી કમિશનર અમદાવાદમાં રજીસ્ટર થયેલા ટ્રસ્ટ યુવક વિકાસ ટ્રસ્ટને બોરોલ ગામે હાઇવે પર આવેલી સર્વે નં. ૩૧૨ વાળી જમીન ગામના યુવાનોના વિકાસ માટે હોસ્પિટલ કોલેજો ગરીબ ખેડૂતો માટે અંગર પ્રોજેક્ટ મહિલાઓ માટે પ્રોજેક્ટ કરવા લઘુ ઉદ્યોગો સ્થાપવા તથા યુવાનોને તાલીમ અને ગામમાં જ રોજગારી મળી રહે તેવા પ્રોજેક્ટ સ્થાપવાની શરતો સાથે બોરોલના ગ્રામજનોને આવી લાલચો આપી
વિશ્વાસમાં લઈ આ જમીનના વહીવટકર્તાઓને ખોટો વિશ્વાસ આપીને આ જમીન બક્ષિસમાં મેળવી લઈ આજે ૪૨ વર્ષ જેટલો લાંબો સમય સમય વિતવા છતાં હાલ પણ ૯૦ ટકા જેટલી જમીન પડતર પડી રહી છે. આ સંસ્થાએ અહી કોઈ જ પ્રકારના વિકાસકાર્યો કર્યા નથી. બોરોલના ગ્રામજનોને વધુમાં જણાવ્યું હતું કે, આમ કરી આ સંસ્થા દ્વારા બોરોલના ગ્રામજનો સાથે વિશ્વાસઘાત અને છેતરપીંડી કરવામાં આવી છે.
અને સંસ્થાએ આ જમીન મેળવતી વખતે જે શરતોને આધિન જમીન મેળવી હતી તે શરતોનો ભંગ કર્યો છે. જેથી બોરોલના ગ્રામજનોએ વહીવટીતંત્રને લેખિત રજુઆત કરી આ જમીન શરતભંગ કરી ગ્રામજનોને પરત મળવી જોઈએ તેવી માંગ કરી છે. સોમવારે સાંજે બોરોલ ગામે મળેલી ગ્રામસભામાં સરપંચ અને તલાટીની હાજરીમાં બોરોલ ગ્રામજનોએ આ મુદ્દે ઉગ્ર રજુઆતો કરી વિરોધ વ્યક્ત કર્યો હતો.

 
                 
                 
                