Western Times News

Gujarati News

ઈઝરાયલ પર ફરી હુમલો થતાં ફૂટબોલ રમતા ૧૨ બાળકોના મોત

(એજન્સી)જેરૂસાલેમ, ઈઝરાયલ છેલ્લા આઠ મહિનાથી ગાઝા પર બોમ્બમારો કરી રહ્યું છે ત્યારે ઈઝરાયલ પર લેબેનોન દ્વારા વધુ એક હુમલો થયો છે જેમાં ફૂટબોલ રમી રહેલા ૧૨ બાળકોના મોત થયા છે. તેના કારણે મિડલ ઈસ્ટનું યુદ્ધ વધુ ભયંકર બને તેવી શક્યતા છે. હમાસે ઈઝરાયલ પર હુમલો કર્યા પછી આઠ મહિનાથી ભયંકર લડાઈ ચાલે છે જેમાં ગાઝાના ૪૦ હજારથી વધુ લોકો માર્યા ગયા છે. હવે ફરીથી ઈઝરાયલ પર હુમલો થયો તેના કારણે આ યુદ્ધ શાંત પડવાના બદલે વધુ ઉગ્ર બને તેવી શક્યતા છે.

ઈઝરાયલ અને હમાસ વચ્ચેના યુદ્ધમાં ઘણા પરિવારોએ પોતાના ઘર છોડવા પડ્યા છે. હવે લેબનોનના હિઝબુલ્લાએ ગોલાન હાઇટ્‌સના ફૂટબોલ ગ્રાઉન્ડ પર ભીષણ હુમલો કર્યો છે. જેમાં ૧૨ બાળકોના મોત થયા છે. સ્થાનિક સમાચાર એજન્સીના અહેવાલ મુજબ આ હુમલો ગોલન હાઇટ્‌સ વિસ્તારમાં કરવામાં આવ્યો છે. આ બાળકોની ઉંમર ૧૦થી ૧૨ વર્ષ હતી અને તેમના પર રોકેટ અથવા ડ્રોનથી એટેક કરવામાં આવ્યો છે એવું કહેવાય છે.

વિદેશી મીડિયા રિપોર્ટ અનુસાર ફૂટબોલ ગ્રાઉન્ડ પર બાળકો રમી રહ્યા હતા તે દરમિયાન રોકેટ દ્વારા ભયાનક હુમલો કરવામાં આવ્યો હતો. હુમલો એટલો પાવરફૂલ હતો કે લગભગ ૨૯ લોકો ઈજાગ્રસ્ત થયાનું કહેવાય છે. આ હુમલા બાદ ઈઝરાયલ અને હિઝબુલ્લા વચ્ચે ગમે ત્યારે યુદ્ધ શરૂ થશે તેમ લાગે છે કારણ કે ઈઝરાયલ આ હુમલાનો જવાબ ચોક્કસ આપશે. ઈઝરાયલે આ રોકેટની ઓળખ કરી છે જે લેબનોનથી ઈઝરાયલના ક્ષેત્રમાં ઘૂસાડીને વિસ્ફોટ કરવામાં આવ્યો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.