Western Times News

Gujarati News

સેન્સર બોર્ડનું ક્લિયરન્સ ન મળતા ‘વેદા’ની ચિંતા વધી

મુંબઈ, જ્હોન અબ્રાહમ અને શર્વરી વાઘની ફિલ્મ ‘વેદા’ ૧૫ ઓગસ્ટે રિલીઝ થવાની તૈયારી છે અને હજુ સુધી આ ફિલ્મને સેન્સર બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશન તરફથી ક્લિયરન્સ આપવામાં આવ્યું નથી.

ફિલ્મના મેકર્સ દ્વારા આ મુદ્દે એક નિવેદન જાહેર કરવામાં આવ્યું છે, જેમાં આ મુદ્દે શક્ય તેટલી મદ કરવાની અપીલ થઈ છે, જેથી ફિલ્મ નિયત તારીખે રિલીઝ કરી શકાય. આ નિવેદનમાં કહેવાયું છે,“અમે ‘વેદા’ ફિલ્મના પ્રોડ્યુસર્સ અમારા ફૅન્સ અને ટેકેદારોને એ જણાવવા મજબૂર છીએ કે અમારા શ્રેષ્ઠ પ્રયત્નો છતાં સીબીએફસી તરફથી અમને ક્લિયરન્સ અને સર્ટિફિકેશન મળી શક્યા નથી.”

આ નિવેદનમાં એવું પણ કહેવાયું છે કે ફિલ્મના પ્રોડ્યુસર્સ દ્વારા નિયમનું પાલન કરવામાં આવ્યું છે અને રિલીઝના આઠ અઠવાડિયા પહેલાં ફિલ્મ મોકલી દેવામાં આવી છે. ૨૫ જૂનના રોજ ‘વેદા’નું સ્ક્રિનીંગ થઈ ચૂક્યું છે અને પછી એક્ઝામિનિંગ કમિટીના અભિપ્રાય માટે મોકલી દેવાઈ છે.

ત્યાર પછી ફિલ્મના સર્ટિફિકેશન અપીલ માટે કોઈ જ પ્રતિસાદ મળ્યો નથી. આ નિવેદનમાં આગળ કહેવાયું છે,“આ પહેલાં ‘સત્યમેવ જયતે’ અને ‘બાટલા હાઉસ’ પણ ૧૫ ઓગસ્ટે રિલીઝ કરવામાં અમને જેમણે મદદ કરેલી એવા જ્હોન અબ્રાહમ અને નીખિલ અડવાણીના ફૅન્સ સુધી અમારી ફિલ્મ પહોંચાડવા અમે આ વખતે પણ ૧૫ ઓગસ્ટની ખાસ તારીખ પસંદ કરી શક્યા છીએ.”

“સત્ય ઘટનાઓ આધારિત ‘વેદા’ એક બિલકુલ મનોરંજક અને મજબૂત ફિલ્મ છે. અમે માનીએ છીએ કે તે તેના દર્શકો સુધી પહોંચવાને લાયક છે.” આ ફિલ્મમાં તમન્ના ભાટીયા, અભિષેક બેનર્જી, આશિષ વિદ્યાર્થી અને ક્ષિતિજ ચૈહાણ મહત્વના રોલમાં છે. આ ફિલ્મ અસીમ અરોરા, ઝી સ્ટુડિઓઝ, એમ્મી એન્ટરટેઇનમેન્ટ અને જેએ એન્ટરટેઇનમેન્ટ દ્વારા પ્રોડ્યુસ કરાઈ છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.