Western Times News

Gujarati News

ધો. ૧ થી ૮ની ૩૦ હજારથી વધુ શાળાઓમાં બાળમેળા તથા જીવન કૌશલ્ય આધારીત બાળમેળા યોજાશે

વિદ્યાર્થીઓમાં વિવિધ જીવન કૌશલ્યના વિકાસ હેતુ માટે રાજ્ય સરકાર સંકલ્પબદ્ધ

આગામી તા. ૩જી ઓગસ્ટે ધો. 6 થી 8 ના બાળકો માટે રાજ્યની શાળાઓમાં જીવન કૌશલ્ય આધારીત બાળમેળો યોજાશે

અમદાવાદ, વિદ્યાર્થીઓમાં વિવિધ જીવન કૌશલ્યના વિકાસ હેતુ માટે રાજ્ય સરકાર સંકલ્પબદ્ધ છે. જે અંતર્ગત ધો. ૧ થી ૮ની ૩૦ હજારથી વધુ શાળાઓમાં બાળમેળા તથા જીવન કૌશલ્ય આધારીત બાળમેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આગામી તા. ૩જી ઓગસ્ટે ધો. 6 થી 8 ના બાળકો માટે રાજ્યની શાળાઓમાં જીવન કૌશલ્ય આધારીત બાળમેળાઓ યોજાશે તેમ શિક્ષણ વિભાગની યાદીમાં જણાવાયું છે.

રાષ્ટ્રીય શિક્ષણ નીતિ ૨૦૨૦માં કલા, ક્વીઝ, રમત ગમત અને વ્યાસાયિક હસ્તકલા સહિતની વિવિધ પ્રકારની સંવર્ધન પ્રવૃત્તિઓ માટે સમગ્ર વર્ષ દરમ્યાન બેગલેસ દિવસોને પ્રોત્સાહન આપવામાં આવ્યું છે. જેને અનુલક્ષીને જીસીઇઆરટી(GCERT) દ્વારા વિધાર્થીઓમાં વિવિધ જીવન કૌશલ્યોનો વિકાસ થાય તે માટે દર વર્ષે ધોરણ 1 થી 5 ના વિધાર્થીઓ માટે બાળમેળા તથા ધોરણ 6 થી 8 ના વિદ્યાર્થીઓ માટે જીવન કૌશલ્ય આધારીત બાળમેળાનું આયોજન કરવામાં આવે છે. આ વર્ષે તા.27 જુલાઈના શનિવારે ધો. 1 થી 5 ના બાળકો માટે બાળમેળો યોજાયો હતો.

બાળકોના સર્વાંગી વિકાસ તેમજ તેના જીવન ઘડતર માટે ‘બાળમેળો’ એ પાયાના પગથિયા સમાન છે. શાળાના બાળકો વિવિધ પ્રવૃત્તિઓથી અવગત થાય તથા આનંદદાયી અને પ્રવૃત્તિલક્ષી શિક્ષણ મેળવે તે હેતુસર વર્ષ ૨૦૦૧થી શાળામાં બાળમેળો અને લાઇફસ્‍કીલ મેળાનું આયોજન કરવામાં આવે છે. બાળમેળાના અને લાઈફસ્કીલ મેળાનાં આયોજન માટે જીસીઈઆરટી દ્વારા શાળાદીઠ બાળકોની સંખ્યાના આધારે રૂ. ૮૦૦ થી ૨૦૦૦ સુધીની ગ્રાન્ટ આપવામાં આવે છે.

રાજ્ય સરકાર દ્વારા સંચાલિત ધો. ૧ થી ૮ની ૩૦ હજારથી વધુ શાળાઓમાં બાળમેળાઓનું આયોજન કરવામાં આવે છે. બાળકમાં રહેલી સુષુપ્ત શક્તિઓને બહાર લાવવામાં તેમજ તેમની સર્જનાત્મક શક્તિઓને વિકસાવવા માટે બાળમેળો ખુબ જ ઉપયોગી બની રહે છે. ગુજરાતની સરકારી પ્રાથમિક શાળાઓ, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત શાળાઓ, મહાનગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત શાળાઓ, આશ્રમશાળા, કે.જી.બી.વી., મોડેલ સ્કૂલોમાં આ બાળમેળો અને જીવન કૌશલ્ય આધારીત મેળાની પ્રવૃત્તિઓ યોજાય છે.

બાળમેળા અને જીવન કૌશલ્ય આધારિત બાળમેળાની પ્રવૃત્તિઓ દ્વારા વિદ્યાર્થીઓ બાળવાર્તા, માટીકામ, રંગપૂરણી, હસ્તકલાની કામગીરી, ચીટકકામ, કાગળકામ, ગળીકામ, બાળવાર્તા આધારિત નાટક, વિવિધ જીવન કૌશલ્ય વિકાસની વિવિધ પ્રવૃત્તિઓ અને રમતોના માધ્યમથી વિદ્યાર્થીઓમાં રહેલી શક્તિઓને ઉજાગર કરવાનો પ્રયત્ન કરવામાં આવે છે. ઋચા રાવલ

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.