Western Times News

Gujarati News

ગણેશ મહોત્સવની ઉજવણી કરતાં પહેલાં આટલું ધ્યાનમાં રાખોઃ પોલીસ કમિશનરનું જાહેરનામું

પ્રતિકાત્મક

અમદાવાદ શહેરમાં ગણેશ મહોત્સવ અંગે અમદાવાદ શહેર પોલીસ કમિશનરશ્રીનું જાહેરનામું

શ્રી ગણેશજીની માટીની મૂર્તિ બેઠક સહિતની નવ (૯) ફૂટ કરતાં વધારે ઊંચાઇની બનાવવા, વેચવા, કરવા તથા જાહેર માર્ગ ઉપર પરિવહન કરવા ઉપર પ્રતિબંધ

અમદાવાદ શહેરમાં દર વર્ષે ગણેશ મહોત્સવનો તહેવાર ખૂબ ઉત્સાહ અને ધામધૂમપૂર્વક મનાવવામાં આવે છે. ચાલુ વર્ષે તા:૦૭/૦૯/૨૦૨૪ના રોજ ભગવાનશ્રી ગણેશજીની પ્રતિમાઓની સ્થાપના થશે અને તા.૧૭/૦૯/૨૦૨૪ સુધીમાં આ પ્રતિમાઓનું વિસર્જન થનાર છે. આ મહોત્સવ અગાઉ મૂર્તિકારો દ્વારા બનાવવામાં આવતી મૂર્તિઓના કદ બાબતે ઊંચાઇનું યોગ્ય અને નિયત ધોરણ જાળવી રાખવામાં આવે,

જેથી વિસર્જન પ્રક્રિયા સરળતાથી થાય અને વિસર્જન શોભાયાત્રા દરમ્યાન ટ્રાફિક સરળતાથી ચાલુ રહે અને કાયદો- વ્યવસ્થાના પ્રશ્નો ઉપસ્થિત ન થાય તેમજ મૂર્તિ બનાવવાના સ્થળે ગંદકી કરવાના કારણે રોગચાળો ફેલાવવાની શક્યતા રહે છે. મૂર્તિ બનાવટમાં બીજા ધર્મના લોકોની ધાર્મિક લાગણી દુભાય એવા કોઇ ચિહ્નો કે નિશાની રાખવામાં ન આવે, તે સુનિશ્ચિત કરવું જરૂરી છે.

ઉપરાંત મુર્તિ બનાવવા માટે કેમિકલયુકત રંગોના ઉપયોગ થતા હોય આવી મૂર્તિઓને નદી તથા તળાવના પાણીમાં વિસર્જન કરવાથી પાણીમાં રહેતા પાણીજન્ય જીવો, માછલી તેમજ મનુષ્યને પણ નુકસાન થાય છે. જેથી પાણી તથા પર્યાવરણમાં થતા પ્રદૂષણને અટકાવવા કેન્દ્રીય પ્રદૂષણ બોર્ડ દ્વારા આપવામાં આવેલ ગાઇડ લાઇન મુજબ તેમજ સરકારશ્રી દ્વારા બહાર પાડવામાં આવેલ વખતોવખતના ઠરાવો અને નામદાર સર્વોચ્ચ ન્યાયાલય દ્વારા મૂર્તિઓના વિસર્જન અંગે આપવામાં આવેલ ગાઇડ લાઇનને ધ્યાને રાખવી જરૂરી છે.

પર્યાવરણ (એન્વયારમેન્ટ પ્રોટેકશન) એકટ-૧૯૮૬ની કલમ ૫ મુજબ ગુજરાત સરકારશ્રીના વન અને પર્યાવરણ ખાતાના પત્ર નં ENV/10/2010/1004-Part-II (2021)T તા:૦૪/૦૯/૨૦૨૩ની સૂચના અનુસાર નામદાર ગુજરાત હાઇકોર્ટ તથા મહારાષ્ટ્ર હાઇકોર્ટની સૂચના તથા આપેલ આદેશ અનુસાર ગણેશોત્સવ દરમ્યાન પર્યાવરણને નુકસાન ન થાય તે હેતુથી સાવચેતીના પગલા રૂપે નીચે મુજબનાં કૃત્યો ઉપર પ્રતિબંધ મૂકવાનું જરૂરી જણાય છે.

આથી હું જી. એસ. મલિક (આઇ.પી.એસ.), પોલીસ કમિશનર, અમદાવાદ શહેર, ગુજરાત સરકારના ગૃહ વિભાગના તા.૦૮.૧૧.૮૨ના નોટિફિકેશન નંબર:-જીજી/૪૨૨/સીઆરસી/૧૦૮૨/એમ તથા ગૃહ વિભાગના તા.૦૭/૦૧/૧૯૮૯ના સંકલિત જાહેરનામા નંબર:-જીજી/ફ.ક.અ/૧૦૮૮/૬૭૫૦/મ અન્વયે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા (BNSS)-૨૦૨૩ની કલમ – ૧૬૩ અન્વયે મને મળેલ સત્તાની રુએ આથી હુકમ કરું છું કે,

(૧) શ્રી ગણેશજીની માટીની મૂર્તિ બેઠક સહિતની નવ (૯) ફૂટ કરતાં વધારે ઊંચાઇની બનાવવા, વેચવા, કરવા તથા જાહેર માર્ગ ઉપર પરિવહન કરવા ઉપર

(૨) શ્રી ગણેશજીની પી.ઓ.પી.ની મૂર્તિઓ અને બેઠક સહિતની પાંચ (૫) ફૂટથી વધારે ઊંચાઇની બનાવવા, વેચવા, સ્થાપવા, જાહેર માર્ગ ઉપર પરિવહન કરવા અને નદી, તળાવ સહિતના કુદરતી જળસ્ત્રોતમાં વિસર્જન કરવા ઉપર.

(૩) મૂર્તિકારો જે જગ્યાએ મૂર્તિઓ બનાવવાની કામગીરી કરે છે, તે જગ્યા તથા વેચાણ માટે રાખે છે, તે જગ્યાની આજુબાજુ તથા નજીકમાં કોઇપણ પ્રકારની ગંદકી કરવા કે કોઇપણ પ્રકારની મૂર્તિ રોડ ઉપર જાહેરમાં ખુલ્લી રાખવા ઉપર તથા વધેલી તથા ખંડિત મૂર્તિઓને બિનવારસી હાલતમાં મૂકવા ઉપર,

(૪) મૂર્તિઓની બનાવટમાં પાણીમાં સરળતાથી ઓગળી ન શકે તેવા ઝેરી કેમિકલયુકત રંગોનો ઉપયોગ કરવા ઉપર

(૫) કોઇપણ ધર્મના લોકોની લાગણી દુભાય એવા કોઇ ચિહ્ન કે નિશાનીવાળી મૂર્તિઓ બનાવવા, ખરીદવા તથા વેચવા ઉપર.

(૬) પરમીટમાં દર્શાવેલ રૂટ સિવાય અન્ય રૂટ ઉપર શોભાયાત્રા કાઢવા ઉપર,

(૭) પરમીટમાં દર્શાવેલ સ્થળ સિવાય અન્ય સ્થળ ઉપર વિસર્જન કરવા પર,

(૮) A.M.C. દ્વારા બનાવેલ કૃત્રિમ કુંડો સિવાયના જળ સ્ત્રોતોમાં વિસર્જન કરવા ઉપર.

તમામ માટી તથા પી.ઓ.પી.ની મૂર્તિઓનું વિસર્જન A.M.C. દ્વારા બનાવેલ કૃત્રિમ કુંડોમાં કરવાનું રહેશે.

આ હુકમ તા.૩૧/૦૭/૨૦૨૪ના કલાક ૦૦/૦૦થી તા.૨૦/૦૯/૨૦૨૪ના કલાક ૨૪/૦૦ સુધી દિન – ૫૨ માટે અમલમાં રહેશે.

આ હુકમ અન્વયે અમદાવાદ કમિશ્નરેટમાં ફરજ બજાવતા અનાર્મ હેડ.કોન્સ અને તેનાથી ઉપરના દરજ્જાના તમામ અધિકારીશ્રીઓને આ જાહેરનામાનો ભંગ કરનાર ઇસમો સામે ભારતીય ન્યાય સંહિતા (BNS) કલમ – ૨૨૩ મુજબ ફરિયાદ માંડવા માટે અધિકૃત કરવામાં આવે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.