Western Times News

Gujarati News

એવું તે શું થયુ કે દૂધની ડેરી ચલાવતા યુવાન પર ગામના લોકોએ જીવલેણ હુમલો કર્યો

પ્રતિકાત્મક

(પ્રતિનિધિ) ભરૂચ, ઝઘડિયા તાલુકાના રૂંઢ ગામે ગત મોડી રાત્રીના રોજ બે અલગ અલગ કોમના લોક ટોળા સામ સામે આવી જતા તંગદીલી વ્યાપી ગઈ હતી.જેમાં ઉશ્કેરાયેલા ટોળાએ દૂધડેરી ચલાવતા યુવક ઉપર પથ્થરો મારી જીવલેણ હુમલો કર્યો હતો.

તો અન્ય એક સાહેદને પણ માર માર્યો હોવા બાબતે વિસ્તારમાં વાતાવરણ તંગ બન્યું હતું.બનાવ સંદર્ભે નવી તરસાલી ગામે રહેતા હુમલાખોર ચાર યુવાનોની રાજપારડી પોલીસે અટકાયત કરી ૨૦ થી વધુના ટોળા વિરૂધ્ધ ફરીયાદ દાખલ કરી કાયદેસરની તપાસ હાથધરી છે.

ઝઘડિયા તાલુકાના ભાલોદ નજીક આવેલા રૂંઢ ગામે એક યુવક તેના પિતા સાથે દૂધડેરી ચલાવી પરિવારનું ગુજરાન ચલાવે છે ગત મોડી રાત્રી ના સમયે નવી તરસાલી ગામે રહેતા ત્રણ જેટલા યુવકો દૂધડેરી ઉપર આવી અટકચાળું કરતા હતા.દરમ્યાન ડેરી ચલાવતા યુવકની માતા વિરૂધ્ધ ખરાબ ટિપ્પણી કરતા યુવકે અટકચાળું કરતા યુવકોને ત્યાંથી હટી જવા કહ્યું હતું.

ઉશ્કેરાયેલા યુવકોએ નવી તરસાલી ગામે જઈ એક કોમના લોકોને ભેગા કર્યા હતા.ઉશ્કેરાયેલા કોમના ટોળાએ લાકડી અને પથ્થરો સહિત દૂધ ડેરી ચલાવતા યુવક ઉપર માથામાં ભાગે જીવલેણ હુમલો કર્યો હતો. સાથે સાથે એક ઈસમને પણ ઈજાઓ પહોંચાડી હતી. જે બનાવે વાત ફેલાતા બે અલગ અલગ કોમના ટોળા સામ સામે ધસી આવ્યા હતા.બે અલગ અલગ કોમના ટોળા સામ સામે ધસી આવતા વિસ્તારમાં ભારે તંગદીલી વ્યાપી હતી.

બનાવની જાણ થતાં રાજપારડી પોસઇ કે.બી.મેર સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળ ઉપર ધસી ગયો હતો.નજીવી બાબતે બે કોમના ટોળા વચ્ચે વાતાવરણ તંગ બનતાં ભરૂચ જીલ્લાના વિવિધ પોલીસ મથકેથી પોલીસ કાફલો ઘટના સ્થળ ઉપર ખડકી દેવામાં આવ્યો હતો.પોલીસ કાફલાએ ટોળા વિખેરી શાંતિ સ્થાપી હતી.તો ઈજાગ્રસ્ત યુવકને નજીકના સારવાર કેન્દ્રમાં સારવાર માટે ખસેડ્‌યો હતો.

બનાવ સંદર્ભે રાજપારડી પોલીસે હુમલાખોરો પૈકી સમીર સત્તાર પઠાણ, ફુસરૂ નશીર મલેક, કબીર યાકુબ શેખ અને અબરાર કાસમ મલેક તમામ રહે.નવી તરસાલી તા.ઝઘડિયાની અટકાયત કરી ૨૦ થી વધુ હુમલાખોર વિરૂધ્ધ હત્યાની કોશિશનો ગુનો દાખલ કરી કાયદેસરની તપાસ હાથ ધરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.