Western Times News

Gujarati News

પ્રાકૃતિક ખેતી દ્વારા રીંગણી પકવી માત્ર બે વિઘામાંથી વર્ષે ૬ લાખ કમાય છે તેલાવના અકબરભાઈ 

રીંગણા વાવવાનો ખર્ચ ઠીંગણો અને આવક કદાવરબાકીની ૧૦ વીઘા જમીનમાં પણ પ્રાકૃતિક ખેતી દ્વારા મીક્ષ પાકો મેળવવાનું આયોજન

રાસાયણિક ઝેર ખાવું નહીં અને ખવડાવવું નહીંના ધ્યેય સાથે મેં પ્રાકૃતિક ખેતી અપનાવી: શ્રી અકબરભાઈ

અમદાવાદ જિલ્લામાં 16,000 કરતાં વધુ ખેડૂતોએ 13,000 એકરમાં પ્રાકૃતિક કૃષિ અપનાવી

‘રાસાયણિક ખાતરો અને દવાઓથી જમીનની સાથે માનવ શરીરને મોટું નુકસાન થાય છે, એટલે રાસાયણિક ઝેર ખાવું નહીં અને ખવડાવવું નહીં. રાસાયણિક ખાતરથી પાકના ઉત્પાદન મેળવવામાં પણ ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો. ખાતર, બિયારણ અને ઉત્પાદન સારું થતું ન હતું. પરંતુ પ્રાકૃતિક ખેતીથી ખર્ચાળ વસ્તુઓ ઓછી થઈ અને ગુણવત્તાસભર પાક સારો મળી રહ્યો છે. એટલે મેં  પ્રાકૃતિક ખેતી અપનાવી છે…’ આ શબ્દો છે તેલાવ ગામના ખેડૂત શ્રી અકબરઅલી બાબુભાઈ મોમીનના..

અમદાવાદ જિલ્લાના સાણંદ  તાલુકાના તેલાવ ગામમાં રહેતા ખેડૂત શ્રી અકબરઅલી બાબુભાઈ મોમીને વર્ષ ૨૦૨૨થી પ્રાકૃતિક ખેતી તરફ પ્રયાણ કર્યું છે. તેઓ ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરે છે. દેશી ગાયનું ગૌમૂત્ર, છાણ વગેરેનો ઉપયોગ કરીને પ્રાકૃતિક ખેતી કરતા શ્રી અકબરઅલી મોમીન સિઝનલ શાકભાજીના પાક વડે સારી આવક મેળવે છે.

સંયુક્ત પરિવારમાં રહેતા અકબરભાઈ લગભગ ૧૨ વીઘા જેટલી સંયુક્ત જમીન ધરાવે છે. તે પૈકી માત્ર ૨ વિઘા જમીનમાં તેમણે રીંગણી વાવી છે અને માત્ર બે વીઘામાંથી ત્રણ- ચાર માસ જેટલા ટૂંકા ગાળામાં રૂપિયા અઢી (૨.૫) લાખ જેટલી આવક મેળવી છે, આખા વર્ષ દરમ્યાન તેઓ અંદાજે ૬ લાખ જેટલી આવક મેળવે છે.

રાસાયણિક ખાતરો અને દવાઓથી જમીનની સાથે માનવ શરીરને મોટું નુકસાન થાય છે એ વાત અકબરભાઈને સમજાતાં તેમણે આ ઝેરી ખેતીને તિલાજંલિ આપી પ્રાકૃતિક ખેતી અપનાવી છે.

આ અંગે તેઓ જણાવે છે કે, તેઓ છેલ્લાં ઘણા વર્ષોથી પરંપરાગત ખેતી કરતા હતા, પરંતુ આ ખેતીમાં વાપરવા પડતાં રાસાયણિક ખાતરને કારણે પાકની ગુણવત્તા મળતી નહતી અને ખર્ચ પણ વધુ થતો હતો.

સાથે સાથે રાસાયણિક ખાતરથી થતા અસાધ્ય રોગ અંગે પણ તેઓ જાગૃત છે… આ ભયાનક રોગો અને તેનાપરિણામથી ચિંતિત અકબરભાઈ સંકલ્પ લીધો કે, ‘રાસાયણિક ઝેર ખાવું નહીં અને ખવડાવવું નહીં…’ રાસાયણિક ખાતરથી પાકના ઉત્પાદન મેળવવામાં પણ ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો. ખાતર, બિયારણ અને ઉત્પાદન સારું થતું ન હતું. પરંતુ પ્રાકૃતિક ખેતીથી ખર્ચાળ વસ્તુઓ ઓછી થઈ અને પાક સારો મળી રહ્યો છે. તેઓ જણાવે છે કે, તેમની આવકમાં અનેક ગણો વધારો થયો છે.

જિલ્લા ખેતીવાડી અધિકારી શ્રી હિતેષ પટેલ જણાવે છે કે, ‘અમદાવદ જિલ્લામાં કલેકટરશ્રી અને જિલ્લા વિકાસ અધિકારીશ્રીના સીધા માર્ગદર્શન હેઠળ આત્મા, ખેતીવાડી, બાગાયત વિભાગના  ક્ષેત્રીય અધિકારીશ્રી/ કર્મચારીશ્રીની  સંયુક્ત ટીમ મારફત તેમજ 5 ગામ દીઠ જિલ્લામાં 100 જેટલા ક્લસ્ટરની રચના કરી, ખેડૂતોને ઘનિષ્ટ તાલીમ આપવાની કામગીરીની  ફલશ્રુતિ રૂપે અમદાવાદ જિલ્લામાં હાલ લગભગ ૧૬ હજાર જેટલા ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા છે,

અને અંદાજે ૧૩ હજાર એકર જેટલી જમીનમાં પ્રાકૃતિક ખેતી થઈ રહી છે.  ગુજરાતના રાજ્યપાલશ્રીએ પ્રાકૃતિક ખેતી માટે જે રાજ્યવ્યાપી ઝુંબેશ ઉપાડી છે,  તેના લીધે હજારો ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા છે. રાજ્ય સરકાર તરફથી તેમને ઘણી યોજનાઓનો લાભ મળ્યો છે. જેનાથી આર્થિક ટેકો થતા પ્રાકૃતિક કૃષિને વેગ તો મળ્યો જ છે, પરંતુ તેના પગલે લોકોને અનેક ભયાનક રોગોમાંથી મુક્તિ પણ મળી છે.’ એમ તેમણે ઉમેર્યું હતું.

અકબરભાઈ ખેતીની વાત કરતા જણાવે છે કે, તેઓ પોતાના ખેતરમાં પ્રાકૃતિક ખેતી કરી સીઝનલ શાકભાજી ઉગાડે છે. પ્રાકૃતિક ખેતીની શરૂઆત કરી ત્યારથી તેમનો ખર્ચ ઓછો થયો છે અને ઉત્પાદન તથા નફો વધુ થયો છે. તેમના ખેતરમાં ઉગાડેલી શાકભાજીનું સીધું વેચાણ સાણંદ કે અમદાવાદના  બજારમાં કરે છે.  લોકોને શુદ્ધ વસ્તુ મળતા તેના બજારમાં ભાવ પણ સારા મળે છે જેથી સારો એવો નફો મળે છે. તેઓ જણાવે છે કે, તેમના ખેતરમાં રીંગણીનો પાક સૌથી સારો થયો છે, હવે ક્રમશ: બાકી રહેલી ૧૦ વિઘા જમીનમાં પણ તેઓ મિક્ષ ખેતી કરવાનું આયોજનકરી ચુક્યા છે.

ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરતા અકબરભાઈ ગાયોના છાણ અને મૂત્રનો ઉપયોગ જીવામૃત, ઘન જીવામૃત, બીજામૃત તેમજ પ્રાકૃતિક ખેતીના પાંચ આધારસ્તંભ એવા આચ્છાદન અને વાપ્સાનો ઉપયોગ કરી પ્રાકૃતિક ખેતી તરફ પ્રયાણ કર્યું છે. પ્રાકૃતિક ખેતીમાં તેમનો પૂરો પરિવાર તેમને સાથ આપે છે. તેઓ જણાવે છે કે, જો તેઓ પ્રાકૃતિક ખેતી તરફ ન વળ્યા હોત તો આજે તેમનું જીવન નર્ક જેવું બની ગયું હોત, પરંતુ પ્રાકૃતિક ખેતીના પ્રતાપે તેમનું આખું જીવન બદલાઈ ગયું છે. આ ખેતી કરવાની પ્રેરણા તેમને ક્યાંથી મળી તે પ્રશ્નના જવાબમાં જણાવે છે કે, ‘વિંછીયા ગામના પ્રગતિશીલ ખેડૂત શ્રી ગજેન્દ્રસિંહ વાઘેલા પાસેથી જાણકારી મળી અને જિલ્લા ખેતીવાડી શાખા પાસેથી માર્ગદર્શન મેળવી તેઓ પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા છે. ◆ હિમાંશુ ઉપાધ્યાય પ્રાદેશિક માહિતી કચેરી, અમદાવાદ


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.