Western Times News

Gujarati News

આદિજાતિ વિદ્યાર્થીઓ માટે ‘ગણવેશ સહાય’ યોજના અંતર્ગત સરકાર દ્વારા રૂ. ૧૨૦ કરોડની જોગવાઈ

ગુજરાતના તત્કાલિન મુખ્યમંત્રી અને વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ-માર્ગદર્શન હેઠળ ગુજરાત સરકારે અંબાજીથી ઉમરગામ સુધી ૧૪ જિલ્લાઓમાં આદિવાસી સમુદાય અને આદિવાસી વિસ્તારોના વિકાસ માટે સતત પ્રયાસો હાથ ધર્યા છે. ‘સારું ભણો અને સારું જીવન જીવો’ના મંત્ર સાથે આદિજાતિ વિસ્તારમાં વસતા વિદ્યાર્થીઓના શિક્ષણની રાજ્ય સરકાર સતત ચિંતા કરી રહી છે.

શિક્ષણ સહિત તમામ ક્ષેત્રે વિકાસ અવિરત ચાલુ રહે તેવા ધ્યેય સાથે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તેમજ આદિજાતિ વિકાસ મંત્રી ડો. કુબેરભાઈ ડીંડોર તથા આદિજાતિ વિકાસ રાજ્ય મંત્રી શ્રી કુંવરજી હળપતિ કાર્ય કરી રહ્યા છે.

આદિવાસીઓના સર્વાંગી વિકાસ માટેની ગુજરાતમાં અમલી વનબંધુ કલ્યાણ યોજના–૧ અને વનબંધુ કલ્યાણ યોજના–૨ એ આદિજાતિના તમામ વર્ગના નાગરિકો માટે આશીર્વાદ સમાન છે. આ યોજનાઓ થકી ગુણાત્મક અને ટકાઉ રોજગાર, ગુણવત્તાયુક્ત શિક્ષણ, આદિજાતિઓનો આર્થિક વિકાસ, આરોગ્ય, આવાસ, સલામતી, પીવાનું પાણી, સિંચાઈ, યુનિવર્સલ ઇલેક્ટ્રિફિકેશન, ઓલ વેધર રોડ કનેક્ટિવિટી, શહેરી વિકાસ અને શિક્ષણ જેવી પાયાની જરૂરીયાત ઉપલબ્ધ કરાવીને તેમનો સર્વાંગી વિકાસ કરવામાં આવી રહ્યો છે.

કોઈ પણ સમાજ માટે બાળકોનું ભણતર એ પાયાની જરૂરીયાત છે. આદિજાતિ વિસ્તારોમાં નાના ભૂલકાઓ ભણતરથી વંચિત ન રહે તેમજ શાળાએ બધા બાળકોની જેમ જ સમાન ગણવેશ પહેરીને આવે તે માટે રાજ્ય સરકાર દ્વારા ‘ગણવેશ સહાય યોજના’ અમલમાં મુકવામાં આવી છે.

આ યોજના હેઠળ પ્રાથમિક શાળામાં ધો-૧ થી ૮માં અભ્યાસ કરતા આદિજાતિના વિદ્યાર્થીઓને શાળાનો ગણવેશ લેવા માટે વાર્ષિક રૂ. ૯૦૦/-ની સહાય આપવામાં આવે છે. આ યોજના હેઠળ છેલ્લા પાંચ વર્ષમાં એટલે કે વર્ષ ૨૦૧૯-૨૦ થી ૨૦૨૩-૨૪ સુધીમાં રૂ. ૪૫,૧૫૫ લાખના ખર્ચે કુલ ૬૩.૩૧ લાખથી વધુ વિદ્યાર્થીઓને ગણવેશ સહાય આપવામાં આવી છે.

આદિવાસી બાળકોનો સર્વાંગી વિકાસ થાય અને તેમણે ભણવાની સાથે પોષ્ટિક આહાર મળી રહે તે માટે રાજ્ય સરકાર દ્વારા માસિક ‘ફૂડબીલ યોજના’ અમલમાં મુકવામાં આવી છે. જેમાં કોલેજ સંલગ્ન છાત્રાલયમાં રહીને અભ્યાસ કરતા આદિજાતિના વિદ્યાર્થીઓને માસિક રૂ. ૧,૫૦૦ લેખે ૧૦ મહિના માટે કુલ રૂ. ૧૫,૦૦૦/-ની ભોજન સહાય આપવામાં આવે છે. આ યોજના હેઠળ છેલ્લા પાંચ વર્ષમાં એટલે કે વર્ષ ૨૦૧૯-૨૦ થી ૨૦૨૩-૨૪ સુધીમાં રૂ. ૧૭,૫૭૫ લાખના ખર્ચે કુલ ૧.૨૯ લાખ જેટલા વિદ્યાર્થીઓને ભોજન સહાય ચૂકવવામાં આવી છે.

અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને વિકસતી જાતિના વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થિનીઓ મોટા શહેરોમાં રહીને અભ્યાસ કરી શકે અને સમાજના અન્ય વર્ગના વિદ્યાર્થીઓની હરોળમાં ઉભા રહી શકે તેવા ઉદ્દેશથી સંપૂર્ણ સુવિધા સહિતના કુલ ૨૦ સમરસ છાત્રાલયો રાજ્યમાં કાર્યરત છે. આ છાત્રાલયોમાં અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને વિકસતી જાતિના વિદ્યાર્થીઓ

અને વિદ્યાર્થીનીઓ માટે ઈન્ટરનેટ કનેક્ટિવિટી, રહેવા-જમવાની અદ્યતન સુવિધા તથા વોશિંગ મશીન, કોચીંગ ક્લાસ, કોમ્પ્યુટર રૂમ, લાઈબ્રેરી, ગેસ્ટ હાઉસ, કોમન રૂમ જેવી અદ્યતન સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે. હાલ રાજ્યભરમાં અંદાજે ૩,૭૬૨ વિદ્યાર્થીઓ સમરસ છાત્રાલયોમાં રહીને  અભ્યાસ કરી રહ્યા છે.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં, આદિવાસી સમાજને અન્ય સમાજના મુખ્ય પ્રવાહની હરોળમાં લાવવાની પ્રક્રિયામાં, આદિજાતિ સંસ્કૃતિ અને સંસ્થાઓ માટે અસરકારક નીવડે તેવા વ્યૂહાત્મક આયોજન દ્વારા આદિજાતિ સમુદાયોની ક્ષમતાઓને ઉજાગર કરવા રાજ્ય સરકાર સતત કટિબદ્ધ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.