Western Times News

Gujarati News

દેત્રોજ તાલુકાના વિવિધ ગામોની મુલાકાત લેતા જિલ્લા વિકાસ અધિકારી

હઠીપુરા, છનીયાર અને ભગાપુરા ગ્રામ પંચાયતની મુલાકાત લઈ સ્થાનિક પ્રશ્નોને વાચા આપતા જિલ્લા વિકાસ અધિકારીશ્રી

જિલ્લા વિકાસ અધિકારીશ્રીએ દેત્રોજ તાલુકા વહીવટીતંત્ર સાથે વિકાસકાર્યોની સમીક્ષા બેઠક યોજી

અમદાવાદ જિલ્લા વિકાસ અધિકારી શ્રી વિદેહ ખરેએ દેત્રોજ તાલુકાના વિવિધ ગામોની મુલાકાત લીધી હતી. તાલુકાના હઠીપુરા, છનીયાર અને ભગાપુરા ગ્રામ પંચાયતની મુલાકાત લઈ પ્રજાકીય પ્રશ્નોને વાચા આપી હતી. આ ઉપરાંત જિલ્લા વિકાસ અધિકારીશ્રીએ દેત્રોજ તાલુકાના વહીવટીતંત્ર સાથે વિકાસકાર્યો અંગે સમીક્ષા બેઠક પણ યોજી હતી.

સમીક્ષા બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી વિદેહ ખરેએ રોડ-રસ્તા જેવી પાયાની સુવિધાઓ અને સ્વચ્છતા બાબતે ભાર મૂક્યો હતો. આ ઉપરાંત પીએમેવાય આવાસ યોજના અંતર્ગત લાભાર્થીઓને હપ્તાના બાકી ચુકવણા ત્વરિત કરવા પણ જણાવ્યું હતું. વધુમાં તેમણે વિવિધ વિભાગોની કામગીરીની પણ સમીક્ષા કરી હતી.

જિલ્લા વિકાસ અધિકારીશ્રીએ હઠીપુરા, છનીયાર અને ભગાપુરા ગ્રામ પંચાયતની પણ મુલાકાત લીધી હતી. ત્યાં તેમણે ત્રણેય ગામોમાં પંચાયતની કામગીરી અને રેકોર્ડ ચકાસણી કરી હતી. વધુમાં ત્રણેય ગામોમાં આંગણવાડીની મુલાકાત લઈ બાળકોને અપાતી સવલતોની ચકાસણી કરી હતી. આ ઉપરાંત સ્થાનિક લોકો સાથે સંવાદ સાધી તેમની સમસ્યાઓ સાંભળીને ઉકેલ લાવવાની ખાતરી પણ આપી હતી.

જિલ્લા વિકાસ અધિકારીશ્રીએ સબંધિત અધિકારીઓને જરૂરી સૂચન કરી માર્ગદર્શન આપ્યું હતું. આ મુલાકાત અને બેઠક દરમિયાન દેત્રોજ તાલુકા વિકાસ અધિકારી સુશ્રી કાદમ્બરી ત્રિવેદી તથા જે-તે વિભાગના અધિકારીઓ અને સમગ્ર તાલુકા વહીવટીતંત્રના લોકો ઉપસ્થિત રહ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.