Western Times News

Gujarati News

રાજ્યમાં સ્ટેમ્પ ડ્યૂટી, રજિસ્ટ્રેશન ફીમાં ઘટાડો થવાની શક્યતા

ગાંધીનગર,  ગુજરાતમાં હાલમાં રિયલ એસ્ટેટના સોદા પર સારી એવી સ્ટેમ્પ ડ્યૂટી વસુલવામાં આવે છે અને રજિસ્ટ્રેશન ફી પણ ઘણી ઊંચી છે. હવે આ બંનેમાં ઘટાડો કરવામાં આવે તેવી શક્યતા છે. તાજેતરમાં કેન્દ્રિય બજેટમાં રાજ્ય સરકારોને અનુરોધ કરવામાં આવ્યો હતો કે પ્રોપર્ટીના ટ્રાન્ઝેક્શન પરની સ્ટેમ્પ ડ્યૂટી અને રજિસ્ટ્રેશન ફી ઘટાડવામાં આવે.

ગુજરાતમાં રેવન્યુ અને ફાઈનાન્સ ડિપાર્ટમેન્ટ પણ હવે સ્ટેમ્પ ડ્યૂટી અને રજિસ્ટ્રેશન ફીમાં કેટલો ઘટાડો કરી શકાય તેનો અભ્યાસ કરી રહ્યા છે.
તાજેતરમાં ગુજરાતમાં જંત્રીના દર વધ્યા તેના કારણે મકાનોના ભાવમાં ભારે વધારો થયો છે. હવે સ્ટેમ્પ ડ્યૂટી અને રજિસ્ટ્રેશન ફીમાં ઘટાડો કરવામાં આવે

તો જંત્રીના દરમાં થયેલા વધારાની અસરને અમુક અંશે હળવી કરી શકાશે. એપ્રિલ ૨૦૨૩થી ગુજરાતમાં જંત્રીના નવા દર લાગુ થયા છે જે અગાઉ કરતા ડબલ છે. રાજ્ય સરકાર જંત્રીના દર અને જમીનના ભાવોને સુસંગત કરવાની પ્રક્રિયામાં છે.

ટોચના સૂત્રોએ જણાવ્યા પ્રમાણે ગુજરાત સરકાર લોકો પર નાણાકીય બોજ ઘટાડી શકે છે જેના માટે તેણે રજિસ્ટ્રેશન ફી તથા સ્ટેમ્પ ડ્યૂટીના દર ઘટાડવા પડશે. આગામી બે મહિનાની અંદર તેના વિશે કોઈ જાહેરાત થાય તેવી શક્યતા છે. હાલમાં ગુજરાતમાં પ્રોપર્ટીના ટ્રાન્ઝેક્શન પર ૪.૯ ટકા સ્ટેમ્પ ડ્યૂટી લાગે છે અને તેના પર વધારાની એક ટકા જેટલી રજિસ્ટ્રેશન ફી વસુલવામાં આવે છે.

જોકે, મકાનની ખરીદી મહિલાના નામે કરવામાં આવે તો રજિસ્ટ્રેશન ફી લાગતી નથી. રિયલ એસ્ટેટ સેક્ટરની ઘણા સમયથી માંગ છે કે સ્ટેમ્પ ડ્યૂટીમાં ૫૦ ટકાનો ઘટાડો કરવામાં આવે. ખાસ કરીને ૨૫ લાખથી લઈને ૭૫ લાખ સુધીના મકાનો માટે સ્ટેમ્પ ડ્યૂટી અડધી કરવી જોઈએ તેવી ડિમાન્ડ છે. રિયલ એસ્ટેટ સંગઠનોએ વારંવાર સરકારી ઓથોરિટી સાથે મુલાકાત કરી છે અને પોતાની માગણી રજુ કરી છે.

કોવિડ પછી ગુજરાતની આર્થિક નીતિ ઘડવા માટે હસમુખ અઢિયાની અધ્યક્ષતામાં સમિતિ રચાઈ હતી. આ સમિતિએ પણ સ્ટેમ્પ ડ્યૂટી ઘટાડવા અને રજિસ્ટ્રેશન ફીમાં પણ કાપ મૂકવાની સલાહ આપી હતી કારણ કે તેનાથી રાજ્યમાં ઈકોનોમિક પ્રવૃત્તિને વેગ મળે તેમ છે. ૨૦૨૩-૨૪માં સ્ટેમ્પ ડ્યૂટી અને રજિસ્ટ્રેશન ફીમાંથી ગુજરાત સરકારની આવકમાં ૬૦ ટકાનો વધારો થયો હતો.

સરકારે એક વર્ષના ગાળામાં આ બે સાધનો દ્વારા ૧૩,૭૩૧ કરોડ રૂપિયાની આવક મેળવી હતી. ૨૦૨૩-૨૪ના એક વર્ષમાં ૧૮.૨૬ લાખ પ્રોપર્ટી રજિસ્ટર થઈ હતી એટલે કે અગાઉના વર્ષની તુલનામાં રજિસ્ટ્રેશનમાં ૩૬ ટકાનો વધારો થયો હતો. જંત્રીના દરમાં મોટો વધારો કરવામાં આવ્યો તેના કારણે સ્ટેમ્પ ડ્યૂટી અને રજિસ્ટ્રેશન ફીની આવક વધી હતી તે સ્પષ્ટ જણાઈ આવે છે. ૧૫ એપ્રિલ ૨૦૨૩ના રોજ જંત્રીના નવા દર અમલમાં આવ્યા તે સમયે તેનો વિરોધ કરવામાં આવ્યો હતો, પરંતુ થોડા મહિના સુધી રાહ જોયા પછી સરકારે તેનો અમલ કરી દીધો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.