Western Times News

Gujarati News

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના સાસરાના ગામના નામનું સાચું નામાકરણ થઈ ગયું

ગયા સોમવારે અત્રે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના સાસરાના ગામનું નામ અંગે થયેલા વિવાદ અંગે અહીં લખ્યું હતું.આનંદની વાત એ છે કે મુખ્યમંત્રીનાં કાર્યાલયમાંથી ડાયરી લખનારને જણાવાયું છે કે “હવે સત્તાવાર રીતે માસ્ટર ડેટામાં અને રેવન્યુ રેકર્ડમાં ‘લાંઘણજ નામ ઉમેરી દેવામાં આવ્યું છે.

આ ખૂબ સરસ કામ મુખ્યમંત્રીએ કર્યું છે.જો કે વાસ્તવિકતા તો વળી એવી હોવાનું કહેવાય છે કે ‘લાંઘણજ નામ પણ સાચું નથી!

આ ડાયરીના વાંચક અને રાજ્યના પૂર્વ અધિક કલેક્ટર તથા સંસ્કૃત સાહિત્યના ઉંડા અભ્યાસી બી.આર.પટેલ જણાવે છે કે જુની સાબરમતી નદીની એક શાખા મારફત ૧૮૦૦ વર્ષ પહેલાં વહાણોની હેરફેર થતી હતી ત્યારે તે વહાણોને લંગર કરવાની વ્યવસ્થા આ પોકેટમાં હતી. તેથી આ ગામનું નામ ‘લંગરપુર પડ્‌યું હતું. જે અપભ્રંશ થતાં થતાં લાંઘણજ થયું.

જે તે વખતે પુરાતત્વીય ખોદકામ પણ થયેલું અને હડપ્પન સંસ્કૃતિ સાથેનું આ ગામનું સાયુજ્ય પણ હતું એવું પુરાતત્વવિદોને જણાયું હતું. ખોદકામ વખતે મળેલી વસ્તુઓ પણ હાલ રાજ્યના સંગ્રહસ્થાનમાં અને ગુજરાતના પુરાતત્વના ઈતિહાસમાં સ્થાન પામેલ છે.

બોલો લ્યો, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના સાસરાના ગામના નામના વિવાદમાંથી એ કેટલું કેટલું પૌરાણિક છે એ પણ જાણવા મળ્યું.વિવાદને કારણે આવા ઐતિહાસિક તથ્યો પણ મળે એનાથી વધું રૂડું શું હોય?

ગુજરાત સરકારનાં બે મંત્રીઓ કનુભાઈ દેસાઈ અને જગદીશ વિશ્વકર્મા અમેરિકાનાં પ્રવાસે છે
ગુજરાત સરકારનાં નાણા, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી કનુભાઇ દેસાઇ અને રાજ્ય કક્ષાના સહકાર મંત્રી જગદીશ વિશ્વકર્મા આજકાલ અમેરિકાનાં પ્રવાસે છે.

તારીખ ૨-૩-૪,ઓગષ્ટ ૨૦૨૪ ના રોજ યોજાનાર ફોગા-૨૦૨૪ (ફેડરેશન ઓફ ગુજરાતી એસોશીયેશન, અમેરીકા)ના પ્રથમ કન્વેશનમાં હાજરી આપવા કનુભાઈ દેસાઈ અને જગદીશ વિશ્વકર્મા તેમજ સોજીત્રાના ધારાસભ્ય વિપુલ પટેલ,પેટલાદના પૂર્વ ધારાસભ્ય નિરંજન પટેલ અમેરીકાના ટેકસાસ રાજ્યના દલાસ ખાતે પહોંચ્યા છે.ત્યાં પહોંચ્યા ત્યારે ફેડરેશન ઓફ ગુજરાતી એસોસિયેશન,

અમેરિકાના પ્રમુખ ડો.વાસુદેવ પટેલ તથા પ્રકાશ પટેલે મંત્રીઓ અને ધારાસભ્યનું સ્વાગત કર્યું હતું.આ પ્રવાસ સત્તાવાર છે કે મંત્રીઓ અને ધારાસભ્યો અંગત હેસિયતથી ગયા છે તે સ્પષ્ટ થતું નથી.અલબત્ત, મંત્રીઓ સત્તામાં હોય અને અંગત હેસિયતથી સ્વખર્ચે પ્રવાસ કરે એ આજના યુગમાં લગભગ અશક્ય લાગે તેવી વાત લાગે છે! પ્રવાસ સત્તાવાર હોય કે ખાનગી મંત્રીઓ અને ધારાસભ્ય અમેરિકાનાં પ્રવાસને આનંદથી માણી રહ્યા છે એ નક્કી છે. સાથેની તસવીર તેની સાક્ષી પણ પુરે છે!

બોલો લ્યો,ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ પરીક્ષા લે છે એ કરતા સ્થગિત વધુ રાખે છે?
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળનાં અધ્યક્ષપદે અગાઉ ડો.યશોધન ભટ્ટ હતાં ત્યારે આ સંસ્થા દ્વારા લેવાની થતી તમામ પરીક્ષાઓ નિયમિત રીતે અને વ્યવસ્થિત રીતે લેવાતી હતી.પણ હવે એવું નથી રહ્યું. હાલની? સ્થિતિએ જોઈએ તો લગભગ ૧૨ જેટલી વર્ગ – ૩ સંવર્ગની પરીક્ષાઓ સ્થગિત છે.જેમાં(૧)ઃ-સર્વેયર-જાહેરાત નંબર-૨૧૩-૨૦૨૩૨૪(૨)ઃ-વરિષ્ઠ સર્વેયર -જા.નં.૨૧૪-૨૦૨૩૨૪(૩)ઃ-આયોજન મદદનીશ-જા.નં.૨૧૫-૨૦૨૩૨૪(૪)ઃ-સર્વેયર-જા.નં.૨૧૬-૨૦૨૩૨૪

 

(૫)ઃ-કાર્યસહાયક-જા.નં.૨૧૭-૨૦૨૩૨૪(૬)ઃ-એક્યુપેશનલ થેરાપિસ્ટ- જા.નં.૨૧૮-૨૦૨૩૨૪(૭)ઃ-વંધ્યીકરણ ટેકનીશ્યન- જા.નં. ૨૧૯-૨૦૨૩૨૪(૮)ઃ-કન્યા ટેકનિકલ મદદનીશ-જા.નં. ૨૨૦-૨૦૨૩૨૪(૯)ઃ-ગ્રાફીક ડિઝાઈનર- જા.નં.૨૨૧- ૨૦૨૩૨૪(૧૦)ઃ-મશીન ઓવરશિયર -જા.નં. ૨૨૨-૨૦૨૩૨૪(૧૧)ઃ- વાયરમેન-જા.નં.૨૨૩-૨૦૨૩૨૪અને(૧૨)ઃ-જૂનિયર પ્રક્રિયા મદદનીશ-૨૨૪-૨૦૨૩૨૪.આ બધી જગ્યાઓ અંગે જાહેરાત અપાઇ ગયાં પછી પરીક્ષા ન લેવાવાનાં કારણે તે જે તે જગ્યા માટે પરીક્ષાની તૈયારી કરતો યુવા વર્ગ ભરપૂર માનસિક યાતના અનુભવે છે! આ સમસ્યાનો ઉકેલ ગુજરાત સરકાર માયાળુ અભિગમ દાખવીને લાવે એ અત્યંત જરૂરી જણાય છે.

નૃત્યકાર રાધિકા મારફતિયાઃઆવો જોઈએ સિક્કાની બીજી બાજુ પણ
તા.૨૯/૦૭/૨૪ના વેસ્ટર્ન ટાઈમ્સના અંકમાં પ્રગટ થયેલી ‘ગાંધીનગર ડાયરીમાં રાધિકા મારફતિયા અંગે લખવામાં આવ્યું હતું તેમાં સિક્કાની બીજી બાજુ પણ છે એવું સચિવાલયમાં થતી કર્ણોપકર્ણ ચર્ચામાંથી જાણવા મળ્યું છે જે પણ અહીં એક તટસ્થ અખબાર તરીકે મુકીએ છીએ

(૧) ‘ગાંધીનગરમાં રાધિકાના નામનાં સિક્કા પડે છે અને ‘પાટનગરમાં સાંસ્કૃતિક ક્ષેત્રનું કોઈ પણ કામ રાધિકાની ઈચ્છા અનુસાર થાય છે – એ બન્ને વિધાનનો આપોઆપ છેદ ત્યારે ઊડી જાય છે કે જ્યારે સાંસ્કૃતિક વિભાગનું તા.૧/૮/૨૪ના રોજ ખોલવામાં આવેલુ એક મોટી રકમનું ટેન્ડર રાધિકા મારફતિયાને મળ્યું નથી (૨)ઃ-‘એક સર્વોચ્ચ સત્તાધીશના અંગત મદદનીશ(પી.એ.)ની મદદથી રાધિકાએ પોતાનું સામ્રાજ્ય જમાવ્યું છે.

આ વિગત જે એક વર્તુળમાંથી વહેતી થઈ હતી તે વાત પણ રાધિકા મારફતિયાને રૂ.૩૦,૦૦,૦૦૦/- લાખનું ટેન્ડર ન મળવાથી ખોટી ઠરતી જણાય છે અને (૩)ઃ-‘રૂ.૩૦/-લાખનુ ટેન્ડર આ સન્નારી(રાધિકા)ની વગથી કેન્સલ કરવામાં આવ્યું હતું એ વિધાનની સામી બાજુએ એવી વિગતો મળી છે

સદરહુ ટેન્ડર કેટલીક એજન્સીઓના સખ્ત વિરોધને કારણે રદ થયું હતું વિરોધ કરનાર એજન્સીઓમાં કદાચ રાધિકાની એજન્સી હોઈ શકે પરંતુ તેથી તે ટન્ડર રાધિકાની વગથી કેન્સલ થયેલું ગણવું એ અતિશયોક્તિ છે એમ કહી શકાય.વળી,તા.૨૯/૦૭/ ૨૪ની ડાયરીમાં જે વિગતો રાધિકા માટે લખાઈ હતી તેમાં(ક)”જરાય સાચું માનવાનું મન ન થાય તેવી વાત એ છે કે

(ખ)”સાચું ખોટું તો રામ જાણે(ગ)”રાધિકા માટે સાવ અફવા લાગે એવી એક વાત એવી પણ વહેતી થઈ છે કે અને(ઘ)”આમ તો આ વાત સાચી માનવાનું કોઈને ન થાય વગેરે વાક્યો લખાયાં જ હતાં. જે સૂચવે છે કે રાધિકા મારફતિયા માટે જે કંઈ વાતો વહેતી થઈ હતી તેને આ અખબાર કે લેખક દ્વારા સમર્થન આપવામાં આવ્યું ન હતું,માત્ર મળેલી વિગતો જ મુકવામાં આવી છે.

આ ઉપરાંત જે અન્ય માહિતી પ્રાપ્ત થઈ છે તે અનુસાર રાધિકા શાસ્ત્રીય અને લોકનૃત્યની એક સંસ્કારી,વિવેકી, નમ્ર અને તેજસ્વી તથા ધાર્મિક વૃત્તિ ધરાવતી ભક્ત હ્રદયી કલાકાર છે.રાધિકા શિક્ષિકા છે.શિક્ષક હંમેશા આદરણીય જ હોય અને રાધિકા મારફતિયા પણ આદર જન્માવે એવું વ્યક્તિત્વ ધરાવતી કલાકાર છે.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.