Western Times News

Gujarati News

નામ મારું ખોવાઈને તખલ્લુસ જોડાયું

નામ મારું ખોવાઈને તખલ્લુસ જોડાયું
કલ્પનાની પાંખે ઉડનારા હકીકતને શું જાણે ?
સ્વપ્નમાં કેદ થનારા જગતને ક્યાંથી જાણે?
વાદળ બની વરસતા મેઘ વીજને શું જાણે?
કોયલનાં કંઠને કણ શું જાણે?
પરાઈ પીડા શીદને વહોરવી છે પ્યારી તારે
નામ મારું ખોવાઈ ગયું ને તખ્ખલુસ જોડાઈ ગયું.
ખ્યાલ મારા ખોવાઈ ગયા ને સન્માનમાં પલટાઈ ગયા.
માન અમારા રહી ગયા ને સન્માનમાં સમાઈ ગયા.
પ્યારમાં પૂરાઈ ગયા ને, અમ્મા અમ્મા કહેવાઈ ગયા,
ગુંજન કર્યું છે અમે ભ્રમરની પાળેપપ
કામણ કર્યું છે અમે કોકિલના કંઠેપ
ફોરમ વહાલી છે અમે ફૂલોને સંગે…
ગીત ગાયુ અમે મીઠી મધુરી બોલીએપ
ઘુઘવાટ કર્યો છે અમે સંસાર સંગાથેપ
છતાં આ પ્રજ્ઞાપનો થકી ખખડાવી રહ્યા છે.
એ તમારા હૃદયના ઘરો…
– ભારતી મોદી

ભારતી મોદી હાલમાં અમેરિકા વસે છે. આમ એ અમદાવાદમાં સ્થાયી થયા છે. સાહિત્ય પ્રત્યે એમને રસ છે. બાળવાર્તા તેઓ સરસ લખે છે. તેમના ૧૮ પુસ્તકો પ્રકાશિત થઈ ચૂક્યા છે. ચિંતન મનન અને તેમના અનુભવનો નિચોડ તેમના સાહિત્ય સર્જનમાં જણાઈ આવે છે.

તેઓ સેવાભાવી છે. કૅન્સર અને કિડનીના દર્દીઓ માટે ઉદાર હાથે ફાળો આપે છે. અપંગ માનવ મંડળને તથા સૈનિકો માટે તેઓ હંમેશા મદદ કરવા તત્પર હોય છે. એક ગૃહિણી હોવાની સાથે તેઓ સેવા અને સાહિત્યની સેવા કરી રહ્યા છે. તેમની પાંચ દીકરીઓ પણ તેમની પડખે ઊભી રહે છે.

તેમના જીવનસાથી પ્રવીણભાઈ હંમેશા તેમની સાથે ખભેથી ખભો મિલાવીને સાથે રહ્યા છે. પ્રવીણભાઈની અંતિમ વિદાયથી તેઓ દુઃખી જરૂર થયા છે પણ તૂટ્યા નથી, અને સાહિત્યની સેવા કરતા રહ્યા છે. તેમની પાસેથી હંમેશા ઉર્જાભર્યું અને પ્રેરણા પ્રેરતું વાતાવરણ જ મળ્યું છે..તેમની આ કવિતા માણીએ…

કલ્પના વાસ્તવિકતાથી ભિન્ન છે. જે વ્યવહારિક અને પ્રેક્ટીક્લ છે તેઓ હંમેશા આજમાં જ જીવે છે. જે સત્ય સ્વીકારે છે એ જીવનમાં આગળ વધે છે. હંમેશા શેખચલ્લીની જેમ વિચારોમાં વિચરે છે એ કોઈ કામ કરી નથી શકતુ. સપનામાં જ રહેનારા આ જગતને પામી નથી શકતા. કૂવામાંથી બહાર નીકળે તો જ દેડકો જગતને જાણી શકે કલ્પનાની પાંખને હકીકત બનાવવી હોય તો ખૂબ પરિશ્રમ કરવો પડે છે.

જે પરિશ્રમ કરે છે એ આગળ વધે જ છે..વાદળ બની વરસતા મેઘને વીજળી જાણી ન શકે. આ ધરતીને વરસાદની કેટલી તરસ હોય એ ધરતી સિવાય બીજુ કોઈ જાણી ન શકે. ઘણીવાર નજીક રહેતી વ્યક્તિનું મહત્વ આપણે જાણી નથી શકતા. કેમકે એ આપણા માટે સહજે હાજર હોય છે. પ્રેમની કિંમત પ્રેમી જ સમજી શકે.

સર્જન કરવું કંઈ સહેલુ નથી જાત નીચોવી નાખવી પડે છે. પોતાના નામની ઓળખ ભૂલી તખલ્લુસથી જાણીતા થતા કવિ મિત્રો પોતાના સ્વને પણ ઘણીવાર ભૂલી જતા હોય છે. આખી દુનિયાની પીડા વહોરીને કલમ થકી કાગળ પર ઉતારવી પડે છે. ઘણીવાર આપણી પીડા કાગળ પર ઉતારીએ ત્યારે સર્જનની કિંમત સમજાય છે…

ઘણીવાર એવું બનતું હોય છે કે આપણા ખયાલ સન્માનમાં ખોવાઈ જાય છે. માન ભૂલીને આપણે જીવન આગળ વધારીએ છીએ ત્યારે પ્રેમમાં પુરાઈ જઇએ છીએ અને સંસારમાં ખોવાઈ જઈએ છીએ. વ્યવહાર અને બાળકો સાચવવામાં આપણે પોતે ક્યાંક ખોવાઈ જતા હોઈએ છીએ.

સંસાર સંગાથે રહીને હંમેશા જીવન જીવીએ છીએ પણ મનમાં અમુક અધૂરી રહી ગયેલી ઈચ્છાઓ આપણને જીવવા નથી દેતી. એકાદ નાનો એવો મોકો મળે તો તરત જ એને પકડીને આપણે આપણી નાનામાં નાની ઈચ્છાઓ પૂરી કરતા હોઈએ છીએ. ચાહે એ સંગીત સાથે જોડાયેલી ઈચ્છા હોય કે સાહિત્ય સાથે કે કોઈ પણ મનની ઈચ્છા હોય એ સમય મળ્યે પૂરી ચોક્કસ થાય છે. ગમે તેટલી વ્યસ્તતા હોય છતાં એ ઈચ્છા પૂરી કરવા આપણે તત્પર હમેશાં રહેતા હોઈએ છીએ…

અંતની અટકળ મનની ઇચ્છાઓ દબાઈ ગઈ હોય છતાં સમય મળ્યે એ ક્યારેક ને ક્યારેક પૂરી થાય જ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.