Western Times News

Gujarati News

અમદાવાદમાં જૂની સોસાયટીઓના રિડેવલપમેન્ટમાં કાગળોની માથાકૂટ

File Photo

અમદાવાદ, અમદાવાદમાં સોસાયટીઓના રિડેવલપમેન્ટના કામમાં ભારે વેગ આવ્યો છે, પરંતુ કેટલીક જગ્યાએ જરૂરી ડોક્યુમેન્ટ ન મળવાના કારણે રિડેવલપમેન્ટ ડીલમાં ઘણો વિલંબ થઈ રહ્યો છે. જૂની સોસાયટીઓનું રિડેવલપમેન્ટ કરવામાં આવે ત્યારે તેમાં ઢગલાબંધ કાગળોની જરૂર પડે છે અને આ કાગળો ન હોય ત્યારે ઘણા અવરોધ પેદા થાય છે.

થલતેજમાં એક સોસાયટી રિડેવલપમેન્ટ કરાવવા ઈચ્છે છે પરંતુ કામ આગળ વધી શકતું નથી. આ સોસાયટી લગભગ ૩૫ વર્ષ જૂની છે અને સેલ ડીડના કાગળો મળતા નથી. આ ઉપરાંત જમીનને બિનખેતી કરાવવાની પરમિશનના ડોક્યુમેન્ટ પણ હાથવગા નથી. આ ઉપરાંત કેટલાક સભ્યોને મોર્ગેજના ઈશ્યૂ નડે છે તેના કારણે રિડેવલપમેન્ટ ડીલ થઈ શકતી નથી.

સોસાયટીના રિડેવલપમેન્ટ માટે સોસાયટીની ટીપી સ્કીમના સાત બારના ઉતારાની જરૂર પડે છે જે ૧૯૫૦થી અત્યાર સુધીનો હોવો જોઈએ. આ ઉપરાંત એએમસીના જૂના પ્લાનની કોપી, તમામ સિટી સરવે કાર્ડની કોપી, કો ઓપરેટિવ સોસાયટીના રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ અને બંધારણની કોપી, સોસાયટીની જમીન ખરીદીનો સેલ ડીડ, ખરીદી વખતે લેન્ડ સિલિંગ એક્ટમાંથી મુક્તિનો ઓર્ડર, નોન એગ્રીકલ્ચર ઓર્ડરની કોપી, સોસાયટીના મેમ્બર્સના બેન્ક લોન મોર્ગેજની વિગત, ટીપી ફાઈનલાઈઝેશન વખતે મેળવેલ ફોર્મ એફ, સોસાયટીના પ્રથમ એલોટ કરાયેલા મેમ્બર્સની વિગતોની જરૂર પડે છે.
એક્સપર્ટ્‌સ કહે છે કે ઘણી જૂની સોસાયટીઓ પાસે જરૂરી ઓરિજિનલ ડોક્યુમેન્ટ નથી. બિલ્ડરોએ સોસાયટી ટ્રાન્સફર કરી હોય ત્યારે પણ કેટલાક જરૂરી કાગળ આપ્યા નથી હોતા. નવા બિલ્ડર આ સોસાયટીનું રિડેવલપમેન્ટ કરવા માગે તો તેને લગભગ ૨૦ ડોક્યુમેન્ટની સર્ટિફાઈડ કોપીની જરૂર પડે છે. આ કાગળો અલગ અલગ ઓથોરિટી પાસેથી લેવા પડે છે તેથી વિલંબ થાય છે.

અમદાવાદના સિનિયર એડવોકેટ પરેશ જાની કહે છે કે સોસાયટી ત્રણ કે ચાર દાયકા જૂની હોય ત્યારે મોટા ભાગના કેસમાં બિલ્ડરોએ સોસાયટી ટ્રાન્સફર વખતે મેમ્બરને લેન્ડ પરચેઝના દસ્તાવેજ અને એનએ પરમિશનના કાગળો સોંપ્યા હોતા નથી. કેટલાય ઓરિજિનલ મેમ્બર્સ અથવા બિલ્ડર્સ હવે બીજે ક્યાંક જતા રહ્યા છે અથવા તો તેમનું મૃત્યુ થઈ ગયું છે.

અર્બન રિડેવલપમેન્ટ હાઉસિંગ સોસાયટી વેલફેર એસોસિયેશનના પ્રેસિડન્ટ જિતેન્દ્ર શાહે જણાવ્યું કે હાલમાં લગભગ ૫૦૦થી વધારે સોસાયટીઓ રિડેવલપમેન્ટના અલગ અલગ તબક્કામાં છે. તેના માટે વાતચીત ચાલી રહી છે.

જોકે, સૌથી વધારે મુશ્કેલ કામ ડોક્યુમેન્ટેશનનું છે. આ ઉપરાંત વ્યક્તિગત મેમ્બર્સની બેન્ક લોનની ડિટેલ પણ મળતી નથી. બિલ્ડરે કોર્પોરેશન અથવા સબ-રજિસ્ટ્રાર પાસેથી આ તમામ મિસિંગ ડોક્યુમેન્ટ એકઠા કરવા પડે છે. અમદાવાદ સ્થિત એક ડેવલપર કાર્તિક સોનીએ જણાવ્યું કે રિડેવલપમેન્ટ ડીલમાં પૂરતા ડોક્યુમેન્ટ ન મળવા એ સૌથી મોટી તકલીફ છે.

સોસાયટીના રિડેવલપમેન્ટ માટે વાતચીત શરૂ થાય કે તરત સોસાયટીઓએ જરૂરી ડોક્યુમેન્ટ એકઠા કરવાનું શરૂ કરી દેવું જોઈએ જેથી કરીને આખી પ્રક્રિયા ઝડપથી થઈ શકે. અથવા તો તેઓ પ્રોફેશનલ લોકોની મદદ લઈને પણ ડોક્યુમેન્ટ એકઠા કરવાનું કામ કરી શકે છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.