Western Times News

Gujarati News

ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી દ્વારા નાટ્ય તાલીમ શિબિર યોજાઇ

ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી દ્વારા વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે હાથ ધરાતા વિવિધ કાર્યક્રમોનાં ભાગરૂપે એક “નાટ્ય તાલીમ શિબિર”નું આયોજન શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી, વેરાવળનાં કેમ્પસમાં ૨૭ જુલાઇ થી ૨ ઓગસ્ટ દરમિયાન કુલપતિ ડૉ. રાજુલ કે.ગજ્જર અને કુલસચિવ ડૉ.કે.એન.ખેરના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું.

આ શિબિરમાં જોડાયેલા વિવિધ ૩૦ કોલેજના ૪૧ વિદ્યાર્થીઓને નાટ્યના વિવિધ પ્રકારોની તાલીમ આપવામાં આવી હતી. જેમાં અભિનય, નાટકમાં સંગીતનું મહત્તવ, અવાજનો આરોહ-અવરોહ, અભિનયનાં નવ રસ અને નાટકનો ઈતિહાસ વગેરે વિષયોનો સમાવેશ કરવામાં આવ્યો હતો.

આ તાલિમના નિર્દેશનનો કાર્યક્રમ તથા પૂર્ણાહુતિ સમારંભ શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીના કુલસચિવ પ્રા.ડૉ.લલિત પટેલ, વેરાવળનાં અગ્રણી લોકસેવક વિક્રમ તન્ના અને અગ્રણી કેળવણીકાર ગિરીશ કારિયાની ઉપસ્થિતિમાં તથા વેરાવળની કે.એમ.એન્ડ કે.કે.સવજાણી કોલેજના વિદ્યાર્થીઓ અને પ્રાધ્યાપકોની ઉપસ્થિતિમાં યોજાયો હતો.

આ કાર્યક્રમમાં રામધારીસિંહ દીનકર લિખિત ‘કર્ણ ઔર અશ્વસેન સંવાદ’, કપિલદેવ શુક્લ લિખિત ‘જસમા ઓડણ’, કમલ જોષી લિખિત ‘ભાગ ભોલા ભાગ’ અને ‘હેડંબાવન’ કૃતિઓ પ્રસ્તુત કરવામાં આવી હતી. આ આયોજનને સફળ બનાવવામાં સવજાણી કોલેજના પ્રા.મયૂર ગઢિયા અને પ્રા. હિમાંશુ ઝણકારનો સહયોગ પ્રાપ્ત થયો હતો. આ પ્રસંગે શિબિરાર્થીઓને પ્રમાણપત્રો કુલસચિવ પ્રા.ડૉ.લલિત પટેલ તથા ઉપસ્થિત મહેમાનો અને તજજ્ઞોના હસ્તે અપાયા હતા.

આ શિબિરમાં તજજ્ઞ તરીકે કપિલદેવ શુક્લ (સુરત), કમલ જોષી (લુણાવાડા), ચિંતન પંચાલ(લુણાવાડા)અને દેવાંગ ભટ્ટ (અમદાવાદ)ની સેવાઓ પ્રાપ્ત થઈ હતી. આ સમગ્ર શિબિરનું સંચાલન યુનિવર્સિટીના સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના સલાહકાર મનોજ શુકલ, શ્રીમતી ચિલકા જૈન અને રમતગમત અધિકારી ડૉ.આકાશ ગોહિલ દ્વારા કરવામાં આવ્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.