Western Times News

Gujarati News

Ahmedabad: મ્યુનિસિપલ કમિશનરે 4 ઈજનેર અધિકારીઓને ચાર્જશીટ આપી 

બ્રેકડાઉન રીપેર થયા બાદ 20 દિવસમાં તે જ સ્થળે ફરી બ્રેકડાઉન થતા કરવામાં આવી કાર્યવાહી

(પ્રતિનિધિ) અમદાવાદ,  સ્માર્ટસિટી અમદાવાદમાં ચોમાસાની સિઝન દરમ્યાન બ્રેકડાઉન અને ભુવા સામાન્ય બાબત બની ગયા છે. ચોમાસા અગાઉ કરેલા ખોદકામમાં યોગ્ય માટી પુરાણ ન થયું હોય તેમજ વરસાદ માં સેટલમેન્ટ  થવાના કારણોસર બ્રેકડાઉન થાય છે.

પરંતુ એક વખત બ્રેકડાઉન થયા બાદ તે સ્થળે રીપેરીંગ કર્યા બાદ ફરી તે જ સ્થળે બ્રેકડાઉન થાય તો તેના માટે અધિકારીઓ ની અણઆવડત કે ભ્રષ્ટાચાર ની શંકા પ્રબળ બને છે. વસ્ત્રાલ વોર્ડમાં આવી ઘટના થઈ હોવાથી મ્યુનિસિપલ કમિશનરે ઝોનના એડિશનલ સહિત ઈજનેર વિભાગના ચાર અધિકારીઓ ને ચાર્જશીટ આપી છે.

શહેરના પૂર્વ વિસ્તારમાં વસ્ત્રાલ દુન સ્કૂલ નજીક  આવેલા ડ્રેનેજ પમ્પિંગ સ્ટેશનની અંદર જતી લાઈનના જંકશન મશીન હોલનું બ્રેકડાઉન થયું હતું. ઝોનના એડિશનલ  ઈજનેર અધિકારીની દેખરેખ હેઠળ મશીન હોલ બ્રેકડાઉનની કામગીરી કરવામાં આવી હતી. જેનું રીપેરિંગ કામ 15 જુલાઈના રોજ પૂરું થઈ ગયું હતું, પરંતુ માત્ર 20 જ દિવસમાં એટલે કે 4 ઓગસ્ટના રોજ ફરીથી તે જ ફરીથી બ્રેકડાઉન થયું હતું.

જેમાં 15 ફૂટ ઊંડો ખાડો પડ્યો હતો. એક જ જગ્યાએ ફરીથી બ્રેકડાઉન થતા કમિશનર દ્વારા વિજિલન્સ તપાસ સોંપવામાં આવી હતી. જેમાં બ્રેકડાઉન રીપેરિંગની કામગીરી યોગ્ય રીતે ટેકનિકલ મુજબ કરવામાં આવી ન હોવાનો રિપોર્ટ કમિશનર ને સોંપવામાં આવ્યો હતો. જેના આધારે કમિશનરે ઇજનેર વિભાગના ચાર અધિકારીઓને ચાર્જશીટ આપી છે.

મ્યુનિસિપલ કમિશનર કચેરીના સૂત્રોએ જણાવ્યા મુજબ ક્ષતિયુક્ત કામગીરીના પ્રાથમિક રિપોર્ટ ને ધ્યાનમાં લઈ વોર્ડના આસિસ્ટન્ટ ઇજનેર અંકુર પટેલ, આસિસ્ટન્ટ સિટી ઇજનેર કેતન મીસ્ત્રી, ડેપ્યુટી સિટી ઇજનેર જય ઉપાધ્યાય અને એડિશનલ સિટી ઇજનેર રાજેશ રાઠવાને ચાર્જશીટ આપવામાં આવી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.