સંજય દત્તને ‘ટાડા’નો કેસ નડી ગયો
મુંબઈ, બોલિવૂડના બેડ બોય તરીકે ઓળખાતા સંજય દત્તે છેલ્લા કેટલાક વર્ષાેમાં પોતાની ઈમેજ બદલવા ભરપૂર પ્રયાસ કર્યા છે અને હવે તેમને ફેમિલીમેન કહેવામાં આવે છે. સંજય દત્તના જીવનમાં ભલે ઘણાં પરિવર્તન આવી ગયાં હોય, પરંતુ તેમને ભૂતકાળના કર્માે હજુ નડી રહ્યા છે.
૧૯૯૮ના વર્ષમાં ‘ટાડા’ કેસમાં તેમની ધરપકડ થઈ હતી. આ ગુનાઈત ઈતિહાસના કારણે સંજય દત્તને વિઝા આપવાનો યુકે દ્વારા ઈનકાર થયો છે અને તેના કારણે સંજય દત્તે ફિલ્મ ગુમાવવાનો વારો આવ્યો છે. અજય દેવગનની હિટ ફિલ્મ ‘સન ઓફ સરદાર’ની સીક્વલનું થોડા સમય પહેલાં એલાન થયું હતું. મૃણાલ ઠાકુર અને સંજય દત્ત સાથે ‘સન ઓફ સરદાર ૨’નું શૂટિંગ શરૂ કરવાની તૈયારીઓ થઈ ચૂકી હતી.
આ એક્શન કોમેડી ફિલ્મના શૂટિંગની શરૂઆત સ્કોટલેન્ડથી થવાની છે. ફિલ્મમાં મુખ્યત્વે સંજય દત્ત અને અજય દેવગન વચ્ચે ટક્કર થવાની છે. તેથી શૂટિંગ પૂર્વે લીડ સ્ટાર્સ સહિત સમગ્ર ટીમે યુકેના વિઝા માટે એપ્લિકેશન કરી હતી. યુકે દ્વારા સંજય દત્તની વિઝા અરજી ફગાવી દેવાઈ હોવાનું જાણવા મળ્યું છે.
મિડ ડેના રિપોર્ટ મુજબ, ટાડા અને આર્મ્સ એક્ટ હેઠળ સંજય દત્તની ધરપકડ થઈ હતી. ૧૯૯૩માં થયેલા મુંબઈ બોમ્બ ધડાકાના આરોપી પાસેથી સંજય દત્તે ગેરકાયદે હથિયાર ખરીદ્યા હતા અને પોતાની પાસે રાખ્યા હતા. આ મામલે સંજય દત્તને જેલની સજા થઈ હતી.
૨૦૧૬માં સંજય દત્તનો જેલમાંથી છુટકારો થયો હતો. આમ, કાયદાની દૃષ્ટિએ સંજય દત્ત એક ગુનેગાર છે અને યુનાઈટેડ કિંગડમના નિયમો મુજબ તેને વિઝા આપી શકાય નહી. જેથી યુકેની સરકારે સંજય દત્તના વિઝા રદ કરી દીધાં છે. સંજય દત્તના વિઝા રદ થયા હોવાની માહિતી ‘સન ઓફ સરદાર’ના મેકર્સને અપાઈ હતી.
સંજય દત્ત સાથે યુકેમાં શૂટિંગ શરૂ કરવાનું શક્ય ન હતું. સંજય દત્ત સાથે ફિલ્મ કરવી હોય તો તેનું લોકેશન બદલવું પડે. નવેમ્બર મહિનાથી ફિલ્મનું શૂટિંગ શરૂ કરવાનું આયોજન છે અને તેના માટે લોકેશન ફાઈનલ થઈ ગયા છે અને તમામ તૈયારીઓ થઈ ગઈ છે.
આ સ્થિતિમાં લોકેશન બદલી શકાય નહીં, તેથી ફિલ્મના મેકર્સે સંજય દત્તને અલવિદા કહેવાનું નક્કી કર્યું હતું. સંજય દત્તના બદલે ‘સન ઓફ સરદાર ૨’માં રવિ કિશનને રોલ અપાયો છે. મિડ ડેના રિપોર્ટમાં જણાવાયું હતું કે, ૧૯૯૩માં ધરપકડ બાદ સંજય દત્તે અમેરિકાનો પ્રવાસ કર્યાે હતો.
આ ઉપરાંત અનેક દેશોમાં સંજય દત્ત ફરેલા છે. ‘સન ઓફ સરદાર ૨’ માટે પ્રથમ વખત તેમને યુકે જવાનું હતું. સંજય દત્તના સ્ટાર સ્ટેટસના પગલે નિયમોમાં બાંધછોડ કરવાના બદલે યુકેની સરકારે વિઝા અરજી ફગાવી દીધી હતી.SS1MS