Western Times News

Gujarati News

મુંબઈ-અમદાવાદ હાઇવે જોખમીઃ 7 મહિનામાં 95 લોકોના મોત

પ્રતિકાત્મક

મુંબઇ, મુંબઈ -અમદાવાદ નેશનલ હાઈવે પર પહેલી જાન્યુઆરીથી ૩૧ જુલાઈ સુધી (સાત મહિના)માં પાલઘર જિલ્લાની હદમાં આ હાઈવે પર ૨૦૦થી વધુ અકસ્માતો થયા છે. મહારાષ્ટ્રમાં, ગુજરાત બોર્ડર પર અછાડથી મુંબઈ બોર્ડર પર ઘોડબંદર સુધી લગભગ ૧૦૦ કિમીના અંતરે છેલ્લા ૭ મહિનામાં ૨૦૦થી વધુ અકસ્માતમાં ૯૫ લોકોએ જીવ ગુમાવ્યા હતા અને ૧૮૮ ઘાયલ થયા હતા. આ અકસ્માતોમાં ઘણા ડ્રાઇવરોનો પણ સમાવેશ થાય છે, જે જોખમી સંકેતનો નિર્દેશ કરે છે.

મુંબઈ-અમદાવાદ નેશનલ હાઈવે પર દરરોજ હજારો વાહનો અવર-જવર કરે છે. એકલા પાલઘર જિલ્લામાં, દહાણુ તાલુકામાં ચારોટી અને વસઈ તાલુકામાં ખાનિવડે બે સ્થળોએ વાહનચાલકો પાસેથી ટોલ વસૂલવામાં આવે છે. જો કે, રોજની કરોડો રૂપિયાની ટોલ વસૂલાત છતાં નેશનલ હાઈવે ઓથોરિટી અને ટોલ વસૂલાતના કોન્ટ્રાક્ટરો આ હાઈવે પર મુસાફરી કરતા વાહનચાલકો અને લોકોને જરૂરી સુવિધા પૂરી પાડતા નથી, તેથી વાહનચાલકોને નારાજગી વ્યક્ત કરી હતી.

મુંબઈ અમદાવાદ હાઈવે પરથી કરોડોની ટોલ વસૂલાત થાય છે, પરંતુ તેના બદલામાં લોકોને મળવી જોઈએ તેવી સુવિધાઓ મળી રહી નથી. હાઈવે પર ખાડાઓ સામાન્ય છે અને આ ખાડાઓને કારણે ભયંકર અકસ્માતો થઈ રહ્યા છે. આ હાઇવે પર સેંકડો ટેન્કરો જ્વલનશીલ તેલ અને રસાયણો સાથે અવરજવર કરે છે અને આ ટેન્કરોમાં આગ લાગવાને કારણે અનેક વખત અકસ્માત અને ટ્રાફિક સર્જાય છે.

ફાયર બ્રિગેડની સુવિધા સમયસર નહિ મળવાના કારણે ટેન્કરમાં રાખેલ લાખો રૂપિયાનું કેમિકલ અને જ્વલનશીલ તેલ બળીને ખાખ થઈ ગયું હતું. ટોલ વસૂલ કરતી કંપનીઓ માટે ટોલ બૂથ પર ફાયર ફાઈટિંગની સુવિધા હોવી ફરજિયાત છે, પરંતુ પાલઘર જિલ્લાના બંને ટોલ બૂથ પર હજુ પણ ફાયર બ્રિગેડની સુવિધા નથી.

હાઈવે પર અકસ્માત અથવા આગના કિસ્સામાં, વસઈ વિરાર મ્યુનિસિપલ કોર્પોરેશન અને દહાણુ, પાલઘર મ્યુનિસિપલ કોર્પોરેશનના ફાયર બ્રિગેડ વાહનોને બોલાવવામાં આવે છે. જોકે, ત્યાં સુધીમાં આગ લાગતા વાહન બળીને ખાખ થઈ ગયું હતું. માત્ર સાત મહિનામાં ૨૦૦ અકસ્માતો અને ૧૦૦ જેટલા મૃત્યુના આંકડા ચોંકાવનારા છે.

આમાંના મોટાભાગના અકસ્માતો વધુ ઝડપને કારણે થયા છે. પરંતુ રસ્તાઓની ખરાબ હાલત, જાળવણીનો અભાવ, નબળા બાંધકામ અને નબળી જાળવણીના કારણે મોટાભાગના હાઈવે ખરાબ હાલતમાં છે તેમ જ વાહનચાલકો માટે સાઈનબોર્ડનો અભાવ પણ અકસ્માતો માટે ઓછો જવાબદાર નથી.

મુંબઈ-અમદાવાદ હાઈવે નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયાના કાર્યક્ષેત્ર હેઠળ આવે છે. પરંતુ ટોલ વસૂલતી ખાનગી એજન્સીની જાળવણીની જવાબદારી છે. માર્ગદર્શિકા મુજબ, હાઇવે પર દર ૩૦ કિમીએ એક એમ્બ્યુલન્સ તૈયાર રાખવી જોઈએ તેમ જ ક્રેન અને પેટ્રોલિંગ વાહનો હોવા જોઈએ, પરંતુ દેશના મોટાભાગના હાઈવે પર આવી કોઈ વ્યવસ્થા નથી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.