Western Times News

Gujarati News

મહાભારતના યુદ્ધમાં જ્યારે દુર્યોધનનો ભાઈ વિકર્ણ મરાયો ત્યારે ભીમ રડ્‌યો હતો!

પ્રતિકાત્મક

કેવી અસ્મિતા પ્રભુને ગમે ?

અસ્મિતાનો ગુણ બધા ગુણોમાં શિરોમણી છે. અસ્મિતામાં ત્રણ વાતો આવે હું પ્રભુ પુત્ર છું તેનું ગૌરવ છે. ઈચ્છા સ્વાતંત્ર્યથી હું કરી શકું છું અને ત્રીજી વાત અન્યાયનો પ્રતિકાર. આ ત્રણ વાતો મળીને અસ્મિતા થાય પહેલી વાત હું પ્રભુ પુત્ર છું એનુ મને ગૌરવ છે, તેથી હું હલકો નથી. શુદ્ધ નથી, બીચારો નથી, માંગણ નથી. તેમજ લાચાર બની શકું નહિ – પ્રભુની આવશ્યકતામાંથી જ મારું અસ્થિત્વ આવ્યું છે.

મારા જન્મનું ઉપાદાન કારણ નિમિત્ત કારણ પ્રભુ જ છે. તે જ મારું મટીરીયલ છે. પ્રભુ મારાથી જુદો નથી, મારથી દૂર નથી અને પ્રભુ કોઈ પારકો નથી છતાં એવું બન્યું છે. એક સિંહના બચ્ચાને જન્મતાં જ ઘેટાના ટોળાનો સંગ થયો, તો તેના સંગમાં ફરતાં તે પોતાની જાતને ઘેટું સમજતો થઈ ગયો, કોઈ સિંહ આવે તો,ઘેટાં ભાગે તેમ તે પણ ઘેટાં ભેગો ભાગતો. એક દિવસ એક સિંહ આને જોઈ ગયો તેને પકડી તળાવના કિનારે લઈ ગયો.

તેમાં પ્રતિબિંબ બતાવ્યું તો બંનેની આકૃતિ એક જોઈ, પછી તેને ગર્જના કરવા કહ્યું તો સિંહની જેમ ત્રાડ પાડી તે દિવસથી ઘેટાંના રૂપે સિંહના બચ્ચાને તેના સિંહપણાનું ભાન થયું. ઘેટું છે એ સંગદોષથી થયેલી ભ્રાંતિ નીકળી ગઈ અને તેને સિંહપણાની પ્રાપ્તિ થઈ. તેવું જ આ જીવાત્માનું. સતત સ્વાધ્યાય દ્વારા જ જ્ઞાનનો પ્રકાશ થાય ત્યારે સમજાય કે — અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરી, જુજવા રૂપે અનંત ભાસે;

દહેમાં દેવ તું તેજમાં તત્ત્વ, તૂં પ્રાણી તૂં, પવન તૂં ભૂમિ તું ભુદરા વિવિધ રચના કરી અનેક રસ લેવાને, શિવ થકી જીવ થયો એ જ આસે.

એ જ આશે તે ન્યાયે પ્રભુ પોતે જ જીવરૂપ થયા છે. શિવજી ક્રિડાર્થે જગતરૂપ થયા છે. તેથી તેમને આપેલી ઈચ્છાના સ્વાતંત્ર્યથી તેમને ગમતો રહી રમી દેખાડું જેમ કે અદ્વૈતે આનંદ દીસે એ વેદ ભલે વેદતા, દ્વૈતે મિલન મધુરું માણું હું ઘનશ્યામ, તે ન્યાયે મધુર દ્વૈત રાખીને, સંસારમાં મહાલવું છે, મહેંકાવવો છે. હું મહાન નથી પણ મહાનનો છું, હું સમર્થ નથી પણ સમર્થનો છું. આનું ગૌરવ રાખીને જીવંત જીવન જીવી દેખાડવાનું આ અસ્મિતામાં આવેલ છે.

અસ્મિતામાં બીજી વાત છે હું બની શકું છું, થઈ શકું છું, બદલી શકું છું બદલાવી શકું છું. કારણ પરમાત્માએ ચૈતન્યમાં અહમ્?અને ઈચ્છા મુકતા હું ‘જીવ’ થયો આ જીવને ભગવાને ઈચ્છાનું સ્વાતંત્ર્ય આપ્યું છે અને તેથી જ તે તેના કર્મોનો જવાબદાર થયો છે.

‘જીવ’ ધારે તો નરમાંથી નારાયણ થઈ શકે છે. નરમાંથી રાક્ષસ પણ થઈ શકે છે. શું થવું તે તેનું ઈચ્છા સ્વાતંત્ર્ય છે. ઇચ્છા સ્વાતંત્ર્ય ભગવાને આપેલું છે માટે ઈચ્છા ભવ્ય અને દિવ્ય કરો. જેવો તમારો સંકલ્પ તેવા તમો બની શકો છો. એક ગરીબ માણસ મહેનત કરીને રોટલો મેળવી શકે તેવી સ્થિતિ પણ તેને સંકલ્પ કર્યો કે ‘હું દુનિયામાં દાનવીર બનું એ દાનવીર તરીકે અખબારોમાં મારું નામ આવે.’

આ સંકલ્પે તેને પ્રેરણા મળી એક ઉનાળાના દિવસે ઘરડો માણસ પગમાં ચંપલ વગર બળતો હતો, ઉતાવળો ચાલી શકે નહિ. તેના ઉપર આની નજર પડી તો તેને તેના ચંપલ કાઢી આ ઘરડા માણસને આપ્યા અને આ ઉદારીપણાથી આનંદ થયો. આગળ જતાં કોઈના કાઢી નાંખેલા ફાટેલા ચંપલ જોયાં. તે તેના થેલીમાં લઈ લીધાં. ઘરે આવી તેને સાંધી લીધા. પહેરી નીકળ્યો બીજો પણ માણસ ચંપલ વગરનો જોયો તેને આપી દીધાં.,

પછી તો તે આવી નજરથી જોયા કરતો ફાટેલાં ચંપલો લઈ લે તો તેને રીપેર કરી લોકોને આપતો ગયો લોકોને આ વાતની ખબર પડતાં ચંપલો નિશ્ચિંત જગ્યાએ કાઢે તો આ માણસ આ ચંપલો લઈ જતો. રીપેર કરી બીજાને આપતો જતો, કામ તેને તો ફેકટરીની જેમ ચાલવા લાગ્યું ચંપલ લેનારની લાઈન થવા લાગી રીપેરિંગ માણસો રાખતો થયો. લોકો તેને તે માટે પૈસા આપતા થયા. અખબારોને એક વખત છાપામાં છાપીને લેખ આવ્યો. જુતાનો દાનવીર, આ તેની સંકલ્પ શક્તિથી પ્રેરણા મળી છે. માટે સંકલ્પ ભવ્ય દિવ્ય કરો ભગવાને સહુને ઈચ્છા સ્વાતંત્ર્ય આપ્યું છે.

હવે ત્રીજી વાત પ્રતિકાર ક્ષમતાની છે. ઉપર જોયું તે મુજબ સારી સૃષ્ટિ પ્રભુની છે તો તેમાં સુષ્ટિના કાયદા પણ પ્રભુનાં જ રાખવા પડે જેને આપણે શાશ્વત નૈતિક મૂલ્યો કહીશું અને તેનું રક્ષણ કરવું તે મારી ફરજ છે જેમ કે જટાયુએ પ્રતિકાર કર્યો જ્યારે રાવણ પરસ્ત્રીને સીતાને ઉપાડીને જતો હતો ત્યારે તેને રાવણને કહ્યું ઃ આ અન્યાય છે, દુષ્ટ કૃત્ય છે, પરસ્ત્રી ને તું મારા દેખતાં લઈ જઈ શકતો નથી છોડી દે, પણ રાવણે માન્યું નહિ.

લડાઈ થઈ. જટાયુ જાણતો હતો રાવણની શક્તિ જોડે હું માર્યો જઈશ, પણ મારી હાજરીમાં હું આ અન્યાય સહન કરી શકતો નથી. તેથી તેને પ્રતિકાર કર્યો છે. રાવણે તેને મરણતોલ કર્યો, ત્યારે જટાયુ ગીધ પ્રાર્થના કરે છે ઃ હે ભગવાન મને સીતાને રાવણ ઉપાડી ગયો તે સમાચાર રામને આપી શકું ત્યાં સુધી જીવવા દો.

તેમ જ થયું. મરતાં સુધીમાં રામ આવ્યા તેમને સમાચાર કહ્યા. સીતાને રાવણ લઈ ગયો. તેટલું કહી જટાયુ એ દેહ છોડી દીધો. આ જટાયુની પ્રતિકાર શક્તિને નમસ્કાર છે.

બીજી વાત કૌરવો જ્યારે દ્રૌપદીના ભરી સભામાં ચીર ખેંચતા હતા, ત્યારે દુર્યોધનના એકસો ભાઈઓમાંનો એક ભાઈ વિકર્ણ, એક રાજસત્તા સામે ભાઈઓ સામે, બાપા સામે વિરોધ કરીને કહ્યું ઃ ‘આ દુષ્ટ કૃત્ય છે. ન થવું જોઈએ બંધ કરો તમારું તોફાન.’ આની નોંધ ભીમે રાખેલી છે.

મહાભારતના યુદ્ધમાં જ્યારે વિકર્ણ મરાયો ત્યારે ભીમ રડ્‌યો છે, કઠોર હૃદયનો ભીમ રડીને કહે છે ઃ ‘વિકર્ણ એક સત્ય નિષ્ઠ પાત્ર છે, ર્નિભય પાત્ર છે પણ તેની શક્તિ ખોટી જગ્યાએ ગોઠવાણી હતી.’ આ વિકર્ણની પ્રતિકાર, શક્તિનો ગુણ છે. આમ અસ્મિતામાં ત્રણ વાતો ‘આત્મગૌરવ’, ‘ઈચ્છાનું સ્વાતંત્ર્ય’ અને ‘પ્રતિકાર ક્ષમતા’ તે વાતો સહુના જીવનમાં ઊભી થાય તો અસ્મિતા આવે અને આવી અસ્મિતાવાળા જીવનો પ્રભુને જરૂર ગમશે.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.