Western Times News

Gujarati News

આવેગ અને ઈન્દ્રિય ડામણની જરુર

સૌ કોઈએ ડામણ શબ્દથી જ દ્વિધા એટલે કે લક્ષ્મણરેખાનો અનુભવ કર્યો હશે. જો કોઈ ગ્રામ્ય પરિવેશથી પરિચિત હશે તો તેમને ખ્યાલ હશે કે ડામણ કોને કહેવાય? પરંતુ એ સિવાયના બધાં ગોટે ચડ્‌યાં હોય ! અશ્વની તાકાત અનંત માનવામાં આવે છે, તેથી જ કદાચ તાકાતના માપન એકમ તરીકે હોસૅપાવરને ગણવામાં આવે છે.

એટલે કે તેની એક નિશ્ચિત કરેલી શક્તિ તો છે જ.તેના પરથી હોર્સપાવર શબ્દ આવ્યો હોય. પરંતુ અશ્વ જ્યારે પોતાની શક્તિથી પંથ કાપે છે ત્યારે તે પાણીનો રેલો થઈ રસ્તાને ટુંકો કર્યે જાય છે.

તેથી જ તેની એક ચાલને રેવાળ તરીકે ઓળખવામાં આવે છે. ડામણ એટલે કે ઘોડાનાં આગળ અને પાછળના પગ સુતરના દોરડાથી બાંધી દેવામાં આવે તે. જેને ડામણ દીધું હોય તે અશ્વ બહુ દોડી શકતો નથી. કારણકે તેનો આગળ પાછળનો પગ બાંધી દેવામાં આવ્યા છે. એટલે કે તે દોડી ન શકે, તેને નિયંત્રિત કરવા માટે આ ડામણ કામ આવે છે.

ખાસ તો તેને ચરવા માટે મુક્યો હોય છુટો કર્યો હોય ત્યારે તે ડામણથી લદાયેલો હોય.આમ તો કોઈ પણ સમસ્યા તે સમસ્યા ત્યારે જ બને છે કે જ્યારે આપણું શરીર નિયત કરેલી સીમારેખાથી બહાર જઈને કંઈ જુદું વર્તન કરે..! શરીરમાં થતાં ફેરફારોને આપણે આવેગ તરીકે ઓળખીએ છીએ.

તે આવેગો પ્રેમ, ક્રોધ, સેકસ અને વાત્સલ્ય જેવાં હોય શકે.કેટલાક આવેગો એકબીજા સાથે ગાઢ રીતે ભળી જતાં પણ સૌએ જોયાં, અનુભવ્યાં હોય છે. આવેગનો અતિરેક થાય તો તે ઉન્માદમાં બદલાય છે.

જેમકે વંટોળની તિવ્રતા વધે તો તે વાવાઝોડાની વ્યાખ્યામાં આવી જાય. ઉન્માદમાં બુદ્ધિ કે સમજને બાદ કરવામાં આવે તો અનર્થો અગણિત સંખ્યામાં આવીને ઊભા રહે.અહીં અધઃપતનના બધાં જ રસ્તાઓ આ ચોરાહા ઉપર એકત્રિત થાય છે. તેથી તેનુ નિયંત્રણ કે અંકુશ જરુરી છે. ઘોડો રેવાળ ચાલમાંથી ક્યારે છૂટ ચાલમાં આવી જાય તે ખબર પડતી નથી. કારણકે ઘોડામાં પોતાનાં આવેગો બદલાય છે.

જ્યારે તે છૂટ ચાલમાં અથવા ઉપાડમાં આવે છે ત્યારે પોતાના અસવારની પણ જરાય તમા કરતો નથી. હું નાનો હતો ત્યારે મારે બાવળી ઘોડી હતી. આ ઘોડીને જ્યારે મેં પલાણવાનું શરૂ કર્યું ત્યારે તેના શરીરમાં ખૂબ જુસ્સો હતો.

એટલે તેને હળખેડ એટલે જે ખેતર મોટા મોટા ઢેફાં માટીના ઢેખાળવા હોય તેમાં દોડાવવી પડતી. જેથી તેમા તે દોડી દોડીને લોથપોથ થઈ જાય, બહું દોડી ન શકે તેના પગ પોચી માટીમાં ફસાતાં જાય અને અસવાર નીચે પડતાં બચે. તે બાવળી જ્યારે ચારેય પગે ઉપડે ત્યારે હું ઘણીવાર ઊંધે માથે પડેલો, તે બરાબર સ્મરણમાં છે.

બસ, આજ આવો જ આવેગ ઉન્માદમાં બદલાય છે માટે જાણો, જુઓ અને પછી આગળ વધો. ભગવદગીતાથી શ્રીકૃષ્ણએ જીવનનો અર્ક રજુ કરીને સમગ્ર માનવજાત ઉપર ખૂબ મોટો ઉપકાર કર્યો છે. અનેક દુવિધાઓ, સમસ્યાઓ, પડકારો, જીવનના પથ ઉપર ચાલતાં ચાલતાં પડતી મુશ્કેલીઓને આ પરમ ઉપકારક જનાર્દને પોસ્ટ કરી છે તેના ત્રીજા અધ્યાયમાં ૪૦માં શ્લોકમાં કહેવાયું છે .

અર્થાત ઈન્દ્રિય મન અને બુદ્ધિ એ સર્વ આનું રહેઠાણ કહેવાય છે; આ કાયૅ મન, બુદ્ધિ અને ઇન્દ્રિયો દ્વારા જ્ઞાનને ઢાંકી દઈને જીવાત્માને મોહિત કરે છે. ઇન્દ્રિયને મન,બુદ્ધિનો પૂરતાં પ્રમાણમાં ટેકો મળી જાય તો તે કોના દ્વારે જઈને ઉભા રહે તેનો ખ્યાલ તેને રહેતો નથી.

અજ્ઞાન અભાન અવસ્થાને આમંત્રણ આપે છે. તેથી અહીં કહેવાયું છે કે જ્ઞાન તો ઢંકાયેલું હોય છે. જે માણસને પોતાનાં કર્મોની યોગ્યની સભાનતા છેદ ઉડાડવાનું કારણ થાય છે. જીવન સંતુલનને જાળવી રાખવા જ્ઞાન જરૂરી છે. આવેગો જો વધું ડીસ્ટબૅ કરે તો માળા પર હાથ રાખવાથી કે હાથની વાળેલી મુઠ્ઠીઓ તમને જડીબુટ્ટી થઈ જીવતરનો ઓક્સિજન આપશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.