Western Times News

Gujarati News

હિંડનબર્ગના સૌથી મોટા રોકાણકાર જ્યોર્જ સોરોસ છે, જે PM મોદીના વિરુદ્ધ છે

(એજન્સી)નવી દિલ્હી, ભાજપના નેતા રવિશંકર પ્રસાદે કહ્યું કે, ભારતીય રોકાણકારો હિંડનબર્ગ અને કોંગ્રેસની મિલીભગત અને સુઆયોજિત કાવતરાને સમજી ગયા છે. જેના કારણે, આજે પણ ભારતનું શેરબજાર સ્થિર છે.

હિંડનબર્ગને ગત જુલાઈમાં નોટિસ આપવામાં આવી હતી પરંતુ તેનો જવાબ આપવાને બદલે હિંડનબર્ગે આ નવો મોરચો ખોલ્યો છે. કોંગ્રેસ અને તેમની ટુલકીટ દેશને નફરત કરે છે. દેશને આર્થિક રીતે નબળો પાડવાના પ્રયાસો થઈ રહ્યા છે. જેમાં કોંગ્રેસ પણ સામેલ છે. હિંડનબર્ગના સૌથી મોટા મૂડી રોકાણકાર જ્યોર્જ સોરોસ છે, તેઓ મોદીજીની વિરુદ્ધ છે.

હિંડનબર્ગ રિસર્ચના નવા રિપોર્ટ પર રાજકીય ગરમાવો વધી ગયો છે. હિંડનબર્ગ રિસર્ચના નવા રિપોર્ટને લઈને ભાજપ અને કોંગ્રેસ બંને એકબીજા પર પ્રહારો કરી રહ્યા છે. ભાજપે હિંડનબર્ગના આરોપોને પાયાવિહોણા ગણાવીને કહ્યું છે કે દેશ વિરુદ્ધ આર્થિક ષડયંત્ર રચવામાં આવી રહ્યું છે. હિંડનબર્ગના લોકો ભારત વિરોધી પ્રચાર ચલાવે છે. શેરબજારને હચમચાવવાના પ્રયાસો થઈ રહ્યા છે.

ભારતીય જનતા પાર્ટીએ, આજે સોમવારે હિંડનબર્ગ મુદ્દે પત્રકાર પરિષદ યોજી હતી. ભાજપના નેતા રવિશંકર પ્રસાદે કોંગ્રેસ પર જોરદાર નિશાન સાધતા કહ્યું કે કોંગ્રેસ અને તેની ટુલકીટ દેશને નફરત કરે છે. ક્યારેક રાફેલનો પત્ર, ક્યારેક હિંડનબર્ગનો અહેવાલ આખરે કોંગ્રેસ શું ઈચ્છે છે ? દેશની પ્રગતિને રોકવાનું ષડયંત્ર છે. તેઓ આરોપ લગાવીને ભાગી જાય છે.

હિંડનબર્ગના આક્ષેપો પાયાવિહોણા છે. રવિશંકર પ્રસાદે કહ્યું કે, ભારતમાં સીધુ વિદેશી મૂડીરોકાણને આવતુ રોકવાનું ષડયંત્ર ચાલી રહ્યું છે. કોંગ્રેસ દેશમાં આર્થિક અરાજકતા ફેલાવવાનો પ્રયાસ કરી રહી છે. મોદીના પીએમ બનવાથી કોંગ્રેસ ચિંતિત છે. કોંગ્રેસને પીએમ પ્રત્યે નફરત છે.

ભારતીય રોકાણકારો હિંડનબર્ગ અને કોંગ્રેસની મિલીભગત અને સુઆયોજિત કાવતરાને સમજી ગયા છે. તેથી આજે પણ ભારતનું શેરબજાર સ્થિર છે. હિડનબર્ગ મારફતે કોંગ્રેસ, દેશનું શેરબજાર અને નાના રોકાણકારોને બરબાદ કરવા માંગે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.