બાંગ્લાદેશના ગૃહમંત્રીએ હિન્દુ સમુદાય પાસે માફી માંગી
(એજન્સી)ઢાકા, બાંગ્લાદેશના નવા હોમ એડવાઈઝર (ગૃહમંત્રી) સખાવત હુસૈને રવિવારે પૂરતી સુરક્ષા ન કરી શકવા બદલ હિન્દુ સમુદાયની માફી માંગી. મીડિયા રિપોર્ટ્સ મુજબ તેમણે કહ્યું કે હિન્દુ અલ્પસંખ્યકોની સુરક્ષા કરવી એ મુસ્લિમ બહુસંખ્યકોની ફરજ છે. આ જવાબદારીમાં નિષ્ફળતાનો તેમણે સ્વીકાર કર્યો.
તેમણે સમુદાયને ભવિષ્યમાં સુરક્ષાનું આશ્વાસન આપ્યું અને સુધારની આશા વ્યક્ત કરી. આ ઉપરાંત વચગાળાની કેબિનેટે ગુરુવારે રાતે પોતાના સભ્યોના શપથ ગ્રહણ બાદ રવિવારે અલ્પસંખ્યકો વિરુદ્ધ હિંસા પર પહેલું નિવેદન આપ્યું. નિવેદનમાં કહ્યું કે કેટલાક સ્થળો પર ધાર્મિક અલ્પસંખ્યકો પર હુમલાને ગંભીર ચિંતા સાથે જોવામાં આવ્યા છે.
કેબિનેટે કહ્યું કે તે આ પ્રકારના જઘન્ય હુમલાઓનો ઉકેલ લાવવા માટે પ્રતિનિધિ યુનિટ્સ અને અન્ય સંબંધિત સમૂહો સાથે તરત બેઠક યોજશે. બાંગ્લાદેશની વચગાળાની સરકારમાં ગૃહ મામલાઓના સલાહકાર બ્રિગેડિયર જનરલ (સેવાનિવૃત્ત) સખાવત હુસૈને સોમવારે કહ્યું કે હિન્દુ સમુદાયના આગામી જન્માષ્ટમી સમારોહ દરમિયાન તમામ જરૂરી સુરક્ષા આપવામાં આવશે.
ધ ડેઈલી સ્ટાર મુજબ તેમણે એમ પણ કહ્યું કે તેઓ સલાહકાર પરિષદથી બાંગ્લાદેશમાં સમુદાયના સૌથી મોટા ઉત્સવ દૂર્ગા પૂજા માટે ત્રણ દિવસની જાહેર રજાની પણ ભલામણ કરશે. ભગવાન કૃષ્ણનો જન્મોત્સવ આ વખતે ૨૬ ઓગસ્ટે ઉજવાશે.