Western Times News

Gujarati News

‘લૈલા મજનૂ’ની રી-રિલીઝે અજયની ફિલ્મને હંફાવી

મુંબઈ, કાલ્પનિક વિશ્વને વાસ્તવિકતા સાથે જોડીને પોતાની ફિલ્મોની અલગ દુનિયા ક્રિએટ કરવામાં માનતા ઇમ્તિઆઝ અલીએ ૨૦૧૮માં અનંત પ્રેમની કથા ‘લૈલા મજનૂ’ લખી.

તેના ભાઈ સાજિદ અલી દ્વારા આ ફિલ્મ ડિરેક્ટ કરવામાં આવી હતી. લૈલા મજનૂની લોકપ્રિય અને જાણીતી કથા આધારિત આ ફિલ્મમાં તૃપ્તિ ડિમરી અને અવિનાશ તિવારી લીડ રોલમાં જોવા મળ્યાં હતા. આ ફિલ્મને હવે રિ રિલીઝ કરવામાં આવી છે, જેણે અજય દેવગન અને તબુની ફિલ્મને પણ પાછળ રાખી દીધી છે. આ શુક્રવારે ફિલ્મ રિલીઝ થઈ ત્યારે તેણે પહેલાં દિવસે જ ૩૦ લાખની કમાણી કરી લીધી હતી.

જ્યારે વીકેન્ડમાં આ ફિલ્મે ૧૧૦ ટકાના વધારા સાથે ફલાંગ મારીને ૭૦ લાખની કમાણી કરી હતી. આમ બે જ દિવસમાં આ ફિલ્મ ૧ કરોડે પહોંચી ગઈ હતી.

બે દિવસમાં આ ફિલ્મે એવી કમાણી કરી કે લોકો માને છે કે છેલ્લા કેટલાંક સમયથી બોલિવૂડ જે સફળતાની ઓટ અનુભવી રહ્યું હતું, તે આ ફિલ્મથી ધોવાઈ જશે.

આ ફિલ્મ ૨૦૧૮માં રિલીઝ થઈ ત્યારે થિએટરમાં ખાસ ચાલી નહોતી પરંતુ સમય જતાં તેણે એક ચોક્કસ વર્ગની ગમતી ફિલ્મોની યાદીમાં સ્થાન મેળવી લીધું હતું. તેમજ તેના ગીતો ‘ઓ મેરી લૈલા’ અને ‘આહિસ્તા’એ લોકોના દિલોમાં ખાસ સ્થાન બનાવ્યું હતું.

આ ફિલ્મે રિ રિલિઝ બાદ પહેલાં બે જ દિવસમાં કરેલી આવકને આધારે એવું ધારવામાં આવે છે કે રવિવારે પણ આ ફિલ્મે પહેલાં બે દિવસને સમકક્ષ કમાણી કરી હશે.

તેથી લગભગ ૨ કરોડ વધુ કમાયા હોવાની આશા છે. ૨૦૧૮માં આ ફિલ્મને માત્ર ૨.૧૮ કરોડની આવક થઈ હતી, ત્યારે જો ત્રણ દિવસમાં આ ફિલ્મ ૨ કરોડ કમાઈ હોય તો તેને ઐતિહાસિક ૯૧ ટકા નફો ગણવામાં આવી રહ્યો છે.

અન્ય મહત્વની વાત છે કે આ ફિલ્મ હાલ અજય દેવગન અને તબ્બુની ‘ઔરોં મેં કહાં દમ થા’થી પણ આગળ વધી ગઈ છે, કારણ કે તેને રિલીઝના બીજા શનિવારે માત્ર ૫૪થી ૫૬ લાખની જ આવક થઈ છે. પહેલી વખત ફિલ્મ ભલે ખાસ ન ચાલી છતાં બીજી વખત રિલીઝ કરી ત્યારે જે રીતે લોકોએ પ્રેમ દર્શાવ્યો છે, તે સાબિત કરે છે કે કન્ટેન્ટનો જાદુ શું છે અને ફિલ્મનું ટાઇમિંગ કેટલું મહત્વનું છે.

જો ફિલ્મનું કન્ટેન્ટ સારું હશે તો એ ચાલવાની જ છે અને પહેલી વખત નિરાશા મળી હોવા છતાં જો ફિલ્મ સારી બની હશે તો તેને ફરી રિલીઝ કરીને પણ તેનો જાદુ લોકો સુધી પહોંચશે જ. તેનો શ્રેય આ વર્ષાે દરમિયાન લોકોએ એકબીજા સમક્ષ કરેલી ફિલ્મની સરાહનાને જાય છે, સાથે જ ‘એનિમલ’ પછી દેશની ભાભી નં. ૨ ગણાતી તૃપ્તિ ડિમરીની લોકપ્રિયતા પણ આ સફળતા પાછળ કામ કરતી હોવાનું મનાય છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.