Western Times News

Gujarati News

સાન્વી અને અન્વી દેશવાલે નેશનલ એક્વાટિક ચેમ્પિયનશિપ 2024માં ગૌરવ અપાવ્યું

ભુવનેશ્વર, બહેનો સાન્વી અને અન્વી, તાજેતરમાં ભુવનેશ્વરમાં યોજાયેલી 40મી સબ-જુનિયર અને 50મી જુનિયર નેશનલ એક્વાટિક ચેમ્પિયનશિપ 2024ના સ્ટાર તરીકે ઉભરી આવ્યા છે. સ્વિમિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયા દ્વારા આયોજિત, આ ઇવેન્ટમાં દેશભરમાંથી 1,000 પ્રતિભાશાળી તરવૈયાઓએ વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લીધો હતો, જે એક્વાટિક રમતોમાં ભારતની અદભૂત અને વિપુલ પ્રતિભાને દર્શાવે છે.

દેશવાલ બહેનોના ઉત્કૃષ્ટ પ્રદર્શનથી મહારાષ્ટ્ર ગર્લ્સ ગૃપ II કેટેગરીમાં ચેમ્પિયન બન્યું હતું. સાન્વી અને અન્વીએ ભેગા મળીને ચાર ગોલ્ડ અને ચાર સિલ્વર મેડલ જીતીને પૂલમાં તેમના વર્ચસ્વને પૂરવાર કર્યું હતું.

નાની વયની પ્રતિભાશાળી સાન્વી દેશવાલે રોમાંચક પ્રદર્શનો કરીને દર્શકોને મંત્રમુગ્ધ કર્યાં  હતા. નેશનલ્સના પ્રથમ દિવસે, તેણે 50-મીટર બ્રેસ્ટસ્ટ્રોક ઇવેન્ટમાં 2022માં સર્જાયેલો 34.69 સેકન્ડનો  રેકોર્ડ તોડી નાખ્યો હતો.

ચેમ્પિયનશિપના અંતિમ દિવસે 100-મીટર બ્રેસ્ટસ્ટ્રોકમાં સાન્વીએ 1:15.30 સેકન્ડમાં બીજો એક  જુનિયર નેશનલ રેકોર્ડ તોડ્યો હતો. જૂનો રકોર્ડ 2018માં સ્થપાયો હતો. તેની આ સિદ્ધિથી ભારતીય સ્વિમિંગ જગતમાં સાન્વીને એક ઉગતી પ્રતિભા તરીકે જોવા આવી રહી છે.

ડોલ્ફિન પ્રોગ્રામ હેઠળ શ્રી નિહાર અમીનના માર્ગદર્શન હેઠળ મુંબઈની ઓટર્સ ક્લબમાં તાલીમ લેતી દેશવાલ બહેનોએ તેમની આવડત અને પ્રતિબદ્ધતા વડે આશા ઊભી કરી છે કે તેઓ ખૂબ સારું પ્રદર્શન કરી શકે  છે. તેમની સફળતા અસરકારક તાલીમ કાર્યક્રમો અને તેમના કોચની પ્રતિબદ્ધતાને આભારી છે, જેણે આ યુવા ખેલાડીઓને રાષ્ટ્રીય ચેમ્પિયન બનાવવામાં મદદ કરી છે.

મુંબઈના માહિમની બોમ્બે સ્કોટિશ સ્કૂલની વિદ્યાર્થીનીઓ, સાન્વી અને અન્વી દેશવાલે તેમના સખત તાલીમના સમયપત્રક અને શાળાના  શિક્ષણ વચ્ચે અદભૂત સંતુલન સાધ્યું છે, જે બંને ક્ષેત્રોમાં તેમના  શિસ્ત અને સંકલ્પ દર્શાવે છે.

નેશનલ એક્વાટિક ચેમ્પિયનશિપમાં દેશવાલ બહેનોની સિદ્ધિઓ ભારતમાં યુવા એથલિટ્સના  વધતા મહત્ત્વ અને ભારતમાં ખેલકૂદના ઉજ્જવળ ભવિષ્યનો નિર્દેશ કરે છે. તેમની સફળતાથી તેમના રાજ્યને તો ગર્વ છે જ, સાથે  સાથે દેશભરના અસંખ્ય યુવા રમતવીરોને રમતગમતમાં શ્રેષ્ઠતા પ્રાપ્ત કરવા માટે પ્રેરણા મળે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.