Western Times News

Gujarati News

વિકસિત ભારતના લક્ષ્યને સાકાર કરવાના રોડમેપ સાથે ગુજરાત અગ્રેસર રહેશે : મુખ્યમંત્રી

નડિયાદ, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ખેડા જિલ્લાના નડિયાદ ખાતે 78માં સ્વાતંત્ર્ય દિવસની રાજ્યકક્ષાની ઉજવણી દરમ્યાન રાષ્ટ્રધ્વજ ફરકાવીને ધ્વજવંદના કરાવી હતી. મુખ્યમંત્રીએ રાજ્યના સૌ નાગરિકોને આજના રાષ્ટ્રીય પર્વની શુભેચ્છાઓ પાઠવી હતી તેમજ સૌ નામી-અનામી સ્વાતંત્ર્ય સેનાનીઓનું સ્મરણ કરી ગુજરાતના અવિરત વિકાસની ગાથા વર્ણવી હતી.

મુખ્યમંત્રીએ પોતાના પ્રેરણાત્મક સંબોધનમાં જણાવ્યું હતું કે,  વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની વિઝનરી લીડરશીપમાં ગુજરાત આજે દેશમાં વિકાસના રોલ મોડેલ સ્ટેટ તરીકે ખ્યાતિ પામ્યું છે.

મુખ્યમંત્રીએ માનનીય વડાપ્રધાનશ્રીના ‘વિકસિત ભારત @ 2047’ના લક્ષ્યને સાકાર કરવામાં ‘Earning Well’ અને ‘Living Well’ ના પિલર પર આધારિત રોડમેપ સાથે ગુજરાત અગ્રેસર રહેશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

તેમણે કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ કલ્યાણકારી અને વિકાસલક્ષી યોજનાઓ થકી ગુજરાતની સર્વાંગી પ્રગતિનો માર્ગ પ્રશસ્ત થયો હોવાનું જણાવ્યું હતું. તેમણે વડાપ્રધાનનું માર્ગદર્શન,

ટીમ ગુજરાતનો અવિરત પુરુષાર્થ અને સૌ ગુજરાતીઓના પીઠબળથી સુશાસન સપ્તર્ષિ સાથેનું વિકસિત ગુજરાત બનાવવાની નેમ વ્યક્ત કરી હતી. મુખ્યમંત્રીશ્રીએ આજના સ્વાતંત્ર્ય પર્વે ‘નેશન ફર્સ્ટ’ ના ભાવ સાથે આત્મનિર્ભર અને વિકસિત રાષ્ટ્ર બનાવવાના માનનીય વડાપ્રધાનના સંકલ્પને સાકાર કરવા પ્રતિબદ્ધ થવા આહવાન કર્યું હતું.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ખુલ્લી જીપમાં ફરીને સ્વાતંત્ર્ય પર્વના રાજ્ય સમારોહમાં વિશાળ સંખ્યામાં ઉત્સાહપૂર્વક સહભાગી બનેલ જનસમુદાયનું અભિવાદન ઝીલ્યું હતું.

‘એક પેડ માં કે નામ’ અભિયાન અંતર્ગત ખેડા જિલ્લાના પીપલગ ગામે વિવિધ વિભાગના સરકારી કર્મચારીઓએ 19,000 ચો.મી વિસ્તારમાં વિવિધ પ્રજાતિઓના રોપાઓ વાવીને ‘કર્મયોગી વન’ તૈયાર કર્યું છે, જેનું આજે લોકાર્પણ કર્યું. કર્મયોગી વનમાં વૃક્ષારોપણ કરી માતા-બાળકના શિલ્પનું અનાવરણ કર્યું.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.