Western Times News

Gujarati News

બાંગ્લાદેશની વચગાળાની સરકારના વડા યુનુસે PM મોદી સાથે ફોન પર શું વાત કરી?

નવી દિલ્હી, બાંગ્લાદેશની વચગાળાની સરકારના વડા મોહમ્મદ યુનુસે, આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે વાત કરી છે. મોહમ્મદ યુનુસ બાંગ્લાદેશની વચગાળાની સરકારના મુખ્ય સલાહકાર છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ, મોહમ્મદ યુનુસ સમક્ષ બાંગ્લાદેશની વર્તમાન પરિસ્થિતિ પર વાતચીત કરી હતી. વડાપ્રધાન મોદીએ લઘુમતીઓ અને તેમાય ખાસ કરીને હિન્દુઓની સુરક્ષાનો મુદ્દો ઉઠાવ્યો છે.

મોહમ્મદ યુનુસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે કરેલ વાત અંગે, પીએમ નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોસ્ટ કર્યું છે. પીએમએ લખ્યું છે કે બંને વચ્ચે બાંગ્લાદેશની વર્તમાન સ્થિતિ પર ચર્ચા થઈ હતી. આ દરમિયાન વડાપ્રધાન મોદીએ લોકતાંત્રિક, સ્થિર, શાંતિપૂર્ણ અને પ્રગતિશીલ બાંગ્લાદેશ માટે ભારતના સમર્થનનો પુનરોચ્ચાર કર્યો હતો. જ્યારે મોહમ્મદ યુનુસે બાંગ્લાદેશમાં હિન્દુઓ અને તમામ લઘુમતીઓની સુરક્ષાની ખાતરી આપી છે.

બાંગ્લાદેશમાં જૂન મહિનાથી ચાલી રહેલા અનામત વિરોધી આંદોલનને કારણે શેખ હસીનાએ વડાપ્રધાન પદ પરથી રાજીનામું આપવું પડ્યું હતું. ૫ ઓગસ્ટે તેમના રાજીનામા પછી, સેનાએ કમાન સંભાળી અને વચગાળાની સરકારની રચના કરી. પ્રોફેસર મોહમ્મદ યુનુસને વચગાળાની સરકારના મુખ્ય સલાહકાર બનાવવામાં આવ્યા છે.

બીજી તરફ, પૂર્વ વડા પ્રધાન શેખ હસીનાની સરકારની વિદાય સાથે, બાંગ્લાદેશમાં લઘુમતીઓ, ખાસ કરીને હિંદુઓ વિરુદ્ધ હિંસાના કેસોમાં વધારો થયો છે. હુમલાખોરો હિંદુઓના ઘરો, કોમર્શિયલ ઈમારતો અને ધાર્મિક સ્થળોને નિશાન બનાવી રહ્યા છે. છેલ્લા ૧૦ દિવસમાં હિંદુઓ પરના હુમલાના ૨૦૦થી વધુ કેસ નોંધાયા છે.

ભારત સરકાર પહેલા જ બાંગ્લાદેશમાં હિન્દુઓ અને લઘુમતીઓની સુરક્ષા અંગે ચિંતા વ્યક્ત કરી ચૂકી છે, જ્યારે આજે વચગાળાની સરકારના વડા સાથેની વાતચીતમાં વડાપ્રધાન મોદીએ ફરી એકવાર આ મુદ્દો ઉઠાવ્યો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.