Western Times News

Gujarati News

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગાંધીનગર જિલ્લાનાં પ્રગતિશીલ ગામ સરઢવનાં વતની છે!

ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર રજનીકાંત પટેલનાં સાસરાના ગામના નામ અંગે વિવાદ થયા પછી તપાસ કરી કે મુખ્યમંત્રીનું વતનનું ગામ ક્યુ?તેનો જવાબ એવો મળ્યો કે ગાંધીનગર જિલ્લાનું સરઢવ ગામ એ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું વતનનું ગામ છે.

સરઢવમાં મોટા બાર ગામ સમાજના પરિવારો પૈકી ‘ડાંખરજી’ પરિવારની દસમી પેઢીના વંશજ ભૂપેન્દ્ર પટેલ છે. તેમનાં દાદાનું નામ ચિમનભાઈ અને પર દાદાનું મગનભાઈ છે.

સરઢવના વતની તથા ગુજરાત સરકારના પૂર્વ રાહત નિયામક અને સંયુક્ત સચિવ ડો.બી.આર.પટેલ અને પીયૂષ રે.પટેલે આપેલી વિગતો અનુસાર આશરે ૧૦૦ વર્ષ પહેલાં ખેતી નિષ્ફળ જતાં કેટલાક કુટુંબોએ સરઢવ છોડેલું તેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના કુટુંબીજનોનો પણ સમાવેશ થતો હતો.આ ગામ પ્રગતિશીલ ગણાય છે.

કારણ કે(૧)ઃ-૧૮૭૮ થી અહીં પ્રાથમિક શાળા(૨)ઃ- ૧૯૦૭થી કન્યા શાળા(૩)ઃ- ૧૯૪૧-૪૨ થી હાઈસ્કૂલ (૪)ઃ- ૧૯૧૯ થી જાહેર પુસ્તકાલય (૫)ઃ-આશરે ૧૯૨૫થી સરકારી દવાખાનું(૬)ઃ-૧૯૬૦થી ૫૦ બેડ ધરાવતી ટ્રસ્ટ સંચાલિત હોસ્પિટલ(૭)ઃ-૧૯૫૯થી વિજળીકરણની અને(૮)ઃ- ૧૯૬૨થી ‘નલ સે જલ’ની સુવિધા ધરાવતુ સુશિક્ષિત ગામ છે.આ રીતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના વતનનું ગામ સરઢવ એક પ્રગતિશીલ અને સંસ્કારી ગામ છે અને એ પરંપરાના ભૂપેન્દ્ર પટેલ વારસદાર છે.

 

ડો.સુભાષ સોનીની રાજ્ય મુખ્ય માહિતી કમિશનર તરીકે નિમણૂક
ગુજરાતના માહિતી આયોગના રાજ્ય મુખ્ય માહિતી કમિશનર તરીકે ડો.સુભાષ સોનીની નિમણૂંક કરવામાં આવી છે.કશે જ પ્રગટ થવાની અભરખા ન રાખતા અને સદાય લો પ્રોફાઈલમાં રહેતા સુભાષ સોની ગુજરાત સચિવાલય કેડરની ૧૯૮૯ની બેચના સીધી ભરતીના સેક્શન અધિકારી છે.ગુજરાત રાજ્યના સચિવાલયમાં અનેક વિભાગોમાં નેત્રદીપક કામગીરી કરી ચૂકેલા સોનીની કારકિર્દી ઉજ્જવળ રહી છે.

ગુજરાત સરકારે ૨૦૧૩મા આઈ.એ.એસ.અધિકારીઓ ઉપરાંત સચિવાલય કેડરના અધિકારીઓને પરદેશ તાલીમ લેવા મોકલવાનું નક્કી કર્યું ત્યારે તાલિમાર્થીઓની પ્રથમ બેચમાં સુભાષ સોનીની પસંદગી થયેલી અને તેઓને તાલિમાર્થે અમેરિકા મોકલવામાં આવેલા.આધ્યાત્મિક સંત રવિશંકરના નિકટતમ શિષ્ય ગણાતા સુભાષ સોનીએ સાયન્સ એન્ડ ટેક્નોલોજી વિભાગમાં કામ કરતા હતા ત્યારે પ્રશંસનીય કામગીરી કરી છે.

આ ઉપરાંત તેઓ કેન્દ્રિય ગૃહ મંત્રી અમિત શાહ ગુજરાતમાં હતા ત્યારે તેઓની સાથે પણ કામ કરી ચૂક્યા છે.મીતભાષી અને સૌજન્યશીલ સ્વભાવ ધરાવતા સુભાષ સોની અભ્યાસુ વ્યક્તિ છે અને પોતાને સોંપાયેલી કામગીરીમાં ઉંડા ઉતરીને તે પૂર્ણ કરવાની ટેવ ધરાવે છે.

ગાંધીનગરનો ટાઉનહોલ તૈયાર થઈ લોકાર્પિત થઈ ગયો એ એસ.એલ.રાજપુતની કમાલ છે!
ગાંધીનગરનો ટાઉનહોલ લગભગ ૪-૫ વર્ષથી બંધ હતો. તેનું નવીનીકરણ કરવાનું કામ જેને સોંપવામાં આવ્યું હતું એ કોન્ટ્રાકટર કામ આગળ જ નહોતો ધપાવતો.

આ દરમિયાન પાટનગરના માર્ગ અને મકાન વિભાગના સબ ડિવિઝન -૨ના કાર્યપાલક ઇજનેર તરીકે એસ.એલ.રાજપુતની નિમણૂંક થઈ.હોદ્દો સંભાળતાની સાથે જ રાજપુતે સપાટો બોલાવ્યો

અને આળસુ કોન્ટ્રાકટરને કાઢી મુકીને અન્ય એજન્સીને કામે લગાડીને માત્ર ત્રણ માસની અંદર જ ગાંધીનગરનો ટાઉનહોલ તૈયાર કરીને જાહેર જનતાનાં વપરાશ માટે ખુલ્લો મુકી દીધો.અત્યંત આધુનિક સુવિધાઓ સાથે બનાવાયેલા નવા ટાઉનહોલમાં પ્રેક્ષકો મોકળાશથી બેસી શકે એ માટે અગાઉની જે બેઠક ક્ષમતા ૧૧૪૦ હતી એ ઘટાડીને હવે ૯૬૬ કરી દેવામાં આવી છે.

આનંદ ગૌરવની વાત તો એ છે કે આ નવનિર્મિત ટાઉનહોલમાં પ્રથમ કાર્યક્રમ યોજવાનો યશ શહેરના ધારાસભ્ય રીટાબહેન પટેલ પ્રેરીત સંસ્થા ‘સહાય ફાઉન્ડેશન’ને ફાળે જાય છે.આ સંસ્થા દ્વારા ૭૮મા સ્વાતંત્ર્ય પર્વની પૂર્વસંધ્યાએ દેશભક્તિના ગીતોનો ભવ્ય કાર્યક્રમ ગાંધીનગર ટાઉનહોલ ખાતે યોજાઈ ગયો.આ રીતે ટાઉનહોલનો ઉપયોગ સૌ સરળતાથી કરી શકે એવો માર્ગ કંડારવાનો યશ પણ ધારાસભ્ય રીટાબહેન પટેલને જાય છે.

સ્વાતંત્ર્ય દિને દમણના પ્રશાસક પ્રફુલ્લ પટેલનું ચર્ચાસ્પદ વર્તન
દીવ દમણ અને દાદરા નગર હવેલીના પ્રશાસક તરીકે છેલ્લા ૭-૮ વર્ષથી ફરજ બજાવતા ગુજરાતનાં અગ્રણી નેતા પ્રફુલ્લ પટેલ આ વિસ્તારમાં નિમણૂંક થતાંની સાથે ભારે ચર્ચાસ્પદ બની ગયા છે.

પરંતુ ૭૮મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી વખતે તેઓએ કરેલું વર્તન ભારે ચર્ચાનો વિષય બન્યો હોવાનું ગાંધીનગરમાં ચર્ચાય છે.આ વિસ્તારનાં સાંસદ ઉમેશ પટેલે આપેલાં નિવેદન અનુસાર સ્વાતંત્ર્ય દિન નિમિત્તે દમણમાં યોજાયેલ સત્તાવાર ઉજવણીના સમારોહ માં

(૧)ઃ-પ્રફુલ્લ પટેલ વટ્ટભેર આવ્યા અને અગ્રણી નાગરીકો ઓ કે ચૂંટાયેલા પ્રતિનિધિઓનું અભિવાદન સ્વીકાર્યા વગર અને એ સૌની સામે નજર સુદ્ધાં કર્યા વગર નીકળી ગયાં હતાં(૨)ઃ- કાર્યક્રમ વખતે પાથરવામાં લાલ જાજમ પર પ્રારંભમાં આવરણ ઢાંકી દેવામાં આવ્યું હતું તેથી તમામ મહેમાનો એ આવરણ પરથી ચાલ્યા હતા અને જ્યારે પ્રફુલ્લ પટેલ પધાર્યા ત્યારે એ આવરણ હટાવી દેવાયું હતું અને પ્રફુલ્લ પટેલ ચોખ્ખી જાજમ પરથી ચાલે તેવી વ્યવસ્થા કરાઇ હતી

(૩)ઃ- પ્રફુલ્લ પટેલ સ્વાતંત્ર્ય દિન નિમિત્તે ૯૦ મિનિટ સુધી બોલ્યા હતા તે દરમિયાન પડેલી ગરમીને કારણે નાગરિકો અને પોલીસ જવાનો બેભાન બની ગયા હતા(૪)ઃ- કોઈ પણ કેન્દ્ર શાસિત પ્રદેશનો પ્રશાસક એ પ્રજાનો સેવક છે તેને બદલે પ્રફુલ્લ પટેલ જાણે પોતે રાજા-મહારાજા હોય એમ વર્તે છે!અને (૬)ઃ-પ્રફુલ્લ પટેલનાં વાણી,વર્તન અને વ્યવહારથી ત્રાસીને દીવ,દમણ,દાદરા નગર હવેલીના અનેક અધિકારીઓ અને કર્મચારીઓ સ્વૈચ્છિક નિવૃત્તિ લઈ લીધી છે.સાંસદ ઉમેશ પટેલનાં આ આક્ષેપ સૂચવે છે કે પ્રશાસક પ્રફુલ્લ પટેલ સામે ઠીકઠીક અસંતોષ પ્રવર્તે છે!

વડોદરાનાં ભા.જ.પ.ના સંસદસભ્ય ડો. હેમાંગ જોષી પક્ષમાં કેટલા વર્ષથી છે?
વડોદરાનાં સંસદ સભ્ય ડો. હેમાંગ જોષીએ તાજેતરમાં વડોદરામાં એક જાહેર કાર્યક્રમમાં એવું કહેવું પડ્‌યું કે આપણાં વડોદરાનાં એક સિનિયર નેતા સૌને એવું કહે છે કે આપણા સંસદ સભ્ય હજુ તો નવા છે, ત્રણ વર્ષથી પક્ષમાં આવ્યાં છે!

એ નેતાને એ ખબર નથી હું ૧૦ વર્ષથી ભારતીય જનતા પક્ષમાં સક્રિય છું. આ નિવેદન સૂચવે છે કે મૂળ પોરબંદરના વતની એવાં ડો. હેમાંગ જોષીને વડોદરા શહેર જિલ્લાના ઘણા સિનિયર નેતાઓ હજુ હેમાંગ જોષીને વડોદરાના ગણવા તૈયાર નથી!

વડોદરામાં આવો આંતરીક કલહ ખૂબ વિસ્તર્યો છે તેને પરીણામે પક્ષમાંથી ગોરધન ઝડફિયા અને સરકારમાંથી હર્ષ સંઘવીને વડોદરા મોકલવામાં આવ્યા હતા અને એ બન્નેએ ત્યાં જઈને વડોદરાનાં ભા.જ.પ.ના અધિકારીઓ અને પદાધિકારીઓને બરોબર ખખડાવ્યા હતા

અને મોઢે તાળું મારી રાખવાની કડક સૂચના આપી હતી. ભા.જ.પ. માટે આદર અને શ્રદ્ધા ધરાવતા લોકો માટે પક્ષની આ તાસીર અને તસવીર આશ્ચર્યપ્રેરક છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.