Western Times News

Gujarati News

તસવીરો બોલશે ..તમે આંખથી સાંભળવા જરૂર આવજો…

વડોદરાના પ્રેસ ફોટોગ્રાફરસ્ દ્વારા ૧૧મા વાર્ષિક ફોટોગ્રાફી પ્રદર્શનનું આયોજન: ૧૯ મી ઓગસ્ટથી થશે પ્રારંભ

વિશ્વ ફોટોગ્રાફી દિવસને યાદગાર બનાવતું ત્રણ દિવસનું ફોટો પ્રદર્શન કીર્તિ મંદિર પરિસરની આકૃતિ આર્ટ ગેલેરી ખાતે જોઈ શકાશે

(વડોદરાતા.૧૮ ઓગસ્ટ૨૦૨૪ રવિવાર) તસવીર કળા એ, માનવ જીવનને બહુઆયામી, રંગ, ભાવ,ઉર્મિઓ સભર બનાવ્યું છે.એક ચોટદાર તસવીર હજાર શબ્દના લખાણ બરાબર પુરવાર થાય છે.

   આવી અદભુત ફોટોગ્રાફી ના સમર્પિત સાધકો જેવા અને વડોદરાના જાણીતા અખબારો સાથે જોડાયેલા સિદ્ધ નેત્ર (perfect eye) ફોટો જર્નલિસ્ટસ દ્વારા ત્રણ દિવસના ૧૧ મા વાર્ષિક ફોટો પ્રદર્શન ક્લિક ૧૧ નું આયોજન સયાજી હોસ્પિટલની સામે કીર્તિ મંદિર પરિસરમાં આવેલી આકૃતિ આર્ટ ગેલેરી ખાતે કરવામાં આવ્યું છે.

        તેનો મંગળ પ્રારંભ સોમવાર તા.૧૯ મી ઓગષ્ટ,૨૦૨૪ ની સવારના ૧૧ વાગે પ.પૂ.ગોસ્વામી વ્રજરાજકુમાર કેમેરો ક્લિક કરીને વિશિષ્ઠ રીતે કરશે.આ પ્રસંગે ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક શ્રી બાળકૃષ્ણ શુક્લ,સાંસદ ડો.હેમાંગ જોશી,મેયર પિન્કીબેન સોની,ભાજપ શહેર અધ્યક્ષ ડો .વિજય શાહ,મનપા નાયબ મેયર ચિરાગ બારોટ,સ્થાયી સમિતિના અધ્યક્ષ શીતલ મિસ્ત્રી અને મહાનુભાવો ઉપસ્થિત રહેશે.પ્રદર્શન તા.૨૧ મી ઓગષ્ટ સુધી ચાલશે અને નગરજનો સવારના ૧૦ થી સાંજના ૭ વાગ્યા સુધી પ્રદર્શન જોઈ શકશે.

        ૧૯ મી ઓગષ્ટ આખા જગતમાં વિશ્વ ફોટોગ્રાફી દિવસ તરીકે ઉજવાય છે. વડોદરાના અખબારી તસવીરકારો, કલાકોની જહેમતથી લીધી હોય એવી હજારો તસવીરોમાં થી પસંદ કરેલી બેનમૂન તસવીરો તેમાં પ્રદર્શિત કરે છે.આ પ્રદર્શન અખબારમાં ટચૂકડી જોવા મળતી તસ્વીરોને મોટી આકર્ષક ફ્રેમમાં અને ઉચ્ચ ગુણવતાસભર કાગળ અને મુદ્રણની સજાવટ સાથે જોવાની તક આપે છે. જે એકવાર ક્લિક ફોટો પ્રદર્શન જુવે છે એ આખું વર્ષ ૧૯ મી ઓગષ્ટના આગામી પ્રદર્શનની રાહ જુવે છે.

આ વર્લ્ડ ફોટોગ્રાફી ડે ફોટો પ્રદર્શનમાં વડોદરાના જીવનનો તસવિરી ધબકાર સતત ઝીલતા ૧૦ પ્રેસ ફોટોગ્રાફર્સની,પ્રત્યેકની ૦૮ એમ કુલ ૮૦ અવિસ્મરણીય તસવીરો લોકોને જોવા મળશે.પ્રોફેશનલ ટચ સાથે તસવીરોની ગોઠવણી આ પ્રદર્શનને visual feast – આંખો માટે મિજબાની સમાન બનાવે છે.

પ્રદર્શનમાં  સંદેશના તસવીરકાર જીગ્નેશ જોશી,પ્રેસ ફોટોગ્રાફીના સૌથી વડીલ વલ્લભ શાહ (સંદેશ), શ્રી ભૂપેન્દ્ર રાણા (ઇન્ડિયન એક્સપ્રેસ), અશ્વિન રાજપૂત (ટાઈમ્સ ઓફ  ઇન્ડિયા),ચંદન ગિરિ( ગુજરાત સમાચાર),કમલેશ સુર્વે( બરોડા ટાઈમ્સ), કેયુર ભાટિયા (લોકસત્તા),  કીર્તિ પડિયા ( ગુજરાત સમાચાર), પ્રણય શાહ (દિવ્ય ભાસ્કર) અને રણજીત સુર્વે ( ગુજરાત મિત્ર)ની ચુનિંદિ તસવીરો આ પ્રદર્શનમાં જોવા મળશે.

પીઢ ફોટો જર્નલિસ્ટ વલ્લભ શાહે એ જણાવ્યું કે અમારા વાર્ષિક ફોટોપ્રદર્શન ને શહેરના લોકોએ ખૂબ પ્રોત્સાહક પ્રતિસાદ પહેલા પ્રદર્શનથી જ આપ્યો છે.શિક્ષણ સંસ્થાઓ,ઔધોગિક અને વ્યાપારી એકમો ,ઔધોગિક મંડળો,ગૃહ નિર્માણકારો અને રાજવી પરિવારે અમારા આયોજનને હંમેશા પીઠબળ આપ્યું છે જેના માટે સંસ્થા સૌ નો આભાર માને છે.

આ ફોટો પ્રદર્શનમાં ઇતિહાસ વારસો અને વર્તમાન વિકાસ,હૃદય સ્પર્શી ઘટનાઓ,સુવર્ણ શિવ પ્રતિમા અને શિવજી કી સવારી,વડોદરાના જાણીતા ઉત્સવો,આદિવાસી વિસ્તારની લોક પરંપરાઓ,ચોટદાર રાજનીતિક ઘટનાઓ,ભૂતકાળની યાદગાર,રમતો,પક્ષીઓ અને પ્રકૃતિ, બધાં જ વિષયો તસવીરોમાં આવરી લેવામાં આવે છે એ એની વિશેષતા છે.પ્રત્યેક તસવીર સ્મૃતિ અને વિચાર જગવે તેવી હોય છે.

વર્લ્ડ ફોટોગ્રાફી દિવસ અંગે કહેવાયું છે કે તસવીરકાર માત્ર એક તસવીર દ્વારા પોતાની તસવિરી દુનિયા જગત સમક્ષ ખુલ્લી મૂકી દે તે માટેનો આ દિવસ છે.

૧૮૩૯ ની ૧૯ મી ઓગષ્ટના રોજ , તે સમયની પ્રચલિત daguerroeotype પેટન્ટ નો ફ્રાન્સ દ્વારા અંત આણવામાં આવતા ફોટોગ્રાફી ની પ્રક્રિયા વિશ્વ માટે મુક્ત ( સુલભ) થઈ. એ દિવસની યાદમાં આ તારીખે વિશ્વ ફોટોગ્રાફી દિવસ ઉજવાય છે.૧૮૨૦ માં પહેલો ફોટો પાડવામાં આવ્યો.તે પછી ૧૮૨૭ માં ડાર્ક રૂમમાં ૮ કલાકની મહેનત પછી પહેલો સારો ફોટો મળ્યો.

આ જે ફોન કેમેરા થી ઉમદા તસવીરો લઈને સેકંડમાં વિશ્વના ખૂણે ખૂણે મોકલી શકાય છે.slr પછી હવે ડ્રોન ટેકનોલોજી અને ઉપગ્રહ ફોટોગ્રાફી તસવીર ક્રાંતિના ઉમદા આયામો બન્યા છે. પેન અને બટન કેમેરા થી જાસૂસી અને સી.સી.ટીવી થી સુરક્ષા શક્ય બની છે.ત્યારે બોલતી તસ્વીરોને આંખથી સાંભળવા અને વિતી ગયેલી ક્ષણોનો રોમાંચ અનુભવવા આ પ્રદર્શન પરિવાર સાથે જોવા જેવું છે.વડોદરા ના અખબારી તસવીરકારો સૌ ને પ્રદર્શન જોવા હાર્દિક આમંત્રણ પાઠવે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.