Western Times News

Gujarati News

છાણીયું ખાતર ઉપયોગ કરતાં કિશોરસિંહ સંપૂર્ણ પ્રાકૃતિક કૃષિ તરફ પ્રયાણ કરવા પ્રયત્નશીલ

લાલ કેરી, લીલા સફરજન, સોપારી, ચંદન અને ઘણું બધું-બાગાયત ક્ષેત્રે અવનવા પ્રયોગો અપનાવનાર દસ્ક્રોઈના વડોદ ગામના પ્રયોગશીલ ખેડૂત કિશોરસિંહ

કંઈક નવું કરવાની તમન્ના સાથે શરૂ કર્યું, આજે ઘણાં ફળ પાકોમાં સફળતા મળી :- કિશોરસિંહ

આપણે ત્યાં ના થતા હોય તેવા ફળપાકો લેવાની તાલાવેલીએ બનાવ્યા સફળ બાગાયતદાર

અમદાવાદ જિલ્લામાં બાગાયતી પાકો અને એમાંય ફળ પાકોનું વાવેતર વધી રહ્યું છે. જિલ્લામાં ખેડૂતો બાગાયત ક્ષેત્રે અવનવા પ્રયોગો થકી નવીન પાકોનું વાવેતર વધે અને સારું ઉત્પાદન મળે એ માટે સતત પ્રયત્નશીલ રહે છે.

અમદાવાદના દસ્ક્રોઈ તાલુકાના વડોદ ગામના કિશોરસિંહ આવા જ એક પ્રયોગશીલ ખેડૂત છે. તેમનો પરિવાર વર્ષોથી બાજરી, ઘઉં અને ડાંગરની ખેતી કરતો. વર્ષોથી પરંપરાગત ઢબે ખેતી કરતા પરિવારમાં કિશોરસિંહને ખેતીમાં અને એમાંય બાગાયતી પાકોમાં અવનવા પ્રયોગો કરવાની અને કંઈક નવું કરવાની પહેલેથી જ ઈચ્છા હતી. બાગાયત વિભાગના સક્રિય માર્ગદર્શન હેઠળ તેમણે બહારથી છોડ મંગાવીને નાના પાયે વિવિધ ફળોની એવી જાતો ઉછેરી છે કે જે જિલ્લામાં લગભગ જોવા મળતી નથી.

યુટ્યુબના માધ્યમથી આધુનિક ફળ પાકોની ખેતી વિશે શીખીને કિશોરસિંહે શરૂઆતમાં કેરીની અમુક જાતો અને બોર સાથે શરૂઆત કરી. અન્ય રાજ્યોમાંથી કે જ્યાં આ પાકો કે આ જાતો સારી રીતે થાય છે ત્યાંથી તેના છોડ મંગાવીને તેમણે શરૂઆત કરી. સફરજનના વિવિધ જાતોના છોડ હિમાચલ પ્રદેશથી તો બોર સહિત અન્ય વિવિધ ફળોની જાતોના છોડ તેમણે પશ્ચિમ બંગાળથી મંગાવ્યા છે. તેઓ બોર, આંબા, સફરજન, ચીકૂ, જામફળ સહિત ચંદન, સોપારી, દ્રાક્ષ જેવા ફળ પાકો તથા વિવિધ શાકભાજી પાકો  લઈ રહ્યા છે. શાકભાજી પાકોમાં ટીંડોળા, ભીંડા, ગલકા જેવા પાકો તેઓ લઈ રહ્યા છે.

છેલ્લા એક દોઢ વર્ષથી તેમણે પોતાના ખેતરમાં બાગાયતી પાકોના વિવિધ પ્રયોગો કર્યા છે, જેમાંથી કેટલાંક પાકોમાં સારી સફળતા મળી હોવાથી તેઓ હવે મોટા પાયે તેના વાવેતર માટે પણ કમર કસી રહ્યા છે.

કિશોરસિંહ જણાવે છે કે, તેમણે કંઈક નવું કરવાની તમન્ના સાથે આ નવી જાતોનું વાવતેર શરૂ કર્યું હતું, આજે ઘણાં ફળ પાકોમાં સફળતા મળી છે. બાગાયતી પાકોમાં તેઓ છાણીયું ખાતર જ વાપરે છે. કોઈ જ રાસાયણિક ખાતરનો ઉપયોગ કરતા નથી.

આ ઉપરાંત, તેમની પાસે ગાયો અને ભેંસો હોવાથી તેઓ ધીમે ધીમે તેમની સંપૂર્ણ ખેતી ગાય આધારિત એટલે કે પ્રાકૃતિક બનાવવા માંગે છે. હાલ શાકભાજી પાકો અને દૂધમાંથી મુખ્ય આવક મેળવી રહ્યા છીએ. બાગાયતી પાકોમાં નાના પાયે સફળતા મળી હોવાથી હવે ભવિષ્યમાં અમે મોટા પાયે વાવેતર કરીને ફળપાકોમાંથી પણ આવક મેળવીશું. કિસાન સમ્માન નિધી સિવાય શાકભાજી પાકોમાં સરકાર તરફથી સહાય મળે છે, જે ખેતીમાં મદદરૂપ થાય છે. આલેખન :- મિનેશ પટેલ, પ્રાદેશિક માહિતી કચેરી, અમદાવાદ


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.