Western Times News

Gujarati News

સૌરાષ્ટ્ર-કચ્છમાં મેઘરાજાની તોફાની બેટિંગ, ખેડૂતોમાં ખુશીનો માહોલ

(એજન્સી)અમદાવાદ, સવારથી જ રાજ્યના ઘણા જિલ્લાઓના વાતાવરણમાં પલટો આવ્યો છે. આજે સવારે દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારીમાં વરસાદ શરૂ થયો હતો. જે બાદ હવે સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં પણ વરસાદની શરૂઆત થયા બાદ સાંજે કચ્છ સુધી મેઘસવારી પહોંચી છે. રાપર શહેરમા મેધરાજાએ ધડબડાટી બોલાવી છે. અહીં એક કલાકમા બે ઈંચથી વધુ વરસાદ વરસ્યો હતો.

ભારે ઉકળાટ વચ્ચે રાપર શહેર નંદાસર, રવ, કલ્યાણપર, સલારી, ગેડી ફતેહગઢ સહિતના વિસ્તારોમાં જોરદાર વરસાદી ઝાપટા પડ્યા છે. હતારાપરમા દોઢ બે કલાક સુધી ભારે વરસાદ વરસતા નિચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઇ ગયા હતા. શહેરની મુખ્ય બજારોમાં નદીઓ વહેતી થઇ હતી. લાંબા વિરામ બાદ વરસાદ વરસતા લોકોએ રાહતનો શ્વાસ લીધો છે.

ભાવનગર જિલ્લામાં વાતાવરણ પલટાયું છે. ત્યારે ગારીયાધાર તાલુકાના વિસ્તારોમાં પણ વરસાદ વરસ્યો છે. શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે. ગારીયાધાર, ચોમાલ, વાવડી, પરવડીમાં વરસાદ પડતા ખેડૂતોને રાહત થઈ છે. ચારોડીયા, સુરનગર, માંડવી, નવાગામ, દમરલામાં પણ વરસાદ પડ્યો છે. લાંબા સમયનાં વિરામબાદ વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી છે.

ગીર મધ્ય જંગલમાં ધોધમાર વરસાદ પડ્યો છે. ભારે વરસાદના કારણે ગીર ગઢડા ઉનાના ગામોમાં નદીઓમાં પુર આવ્યા છે. ઉનાના નાના સમઢિયાળા ગામેથી વહેતી માલણ નદીમાં પુર આવ્યા છે.

૧૦ કલાકમાં રાજ્યના ૪૩ તાલુકામાં વરસાદ નોંધાયો છે. નવસારીના ચીખલીમાં ૪ કલાકમાં ૩ ઇંચ વરસાદ પડ્યો છે. સુરતના પલસાણામાં ૪ કલાકમાં ૨.૫ ઇંચ વરસાદ પડ્યો છે. ગારીયાધારમાં ૨ કલાકમાં અઢી ઇંચ વરસાદ નોંધાયો છે. જ્યારે ડાંગના આહવા, ડોલવણમાં ૨ કલાકમાં ૨ ઇંચ વરસાદ પડ્યો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.